ટોલ પ્લાઝા પર કડક નિયમો લાગુ:FASTag નહીં હોય તો UPIથી આપવો પડશે 1.25 ગણો ચાર્જ, બ્લેકલિસ્ટ ટેગ પર ડબલ ટોલ ચૂકવવો પડશે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ દેશના ટોલ પ્લાઝાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાની તૈયારી કરી લીધી છે. ગત 1 એપ્રિલ 2026થી નેશનલ હાઈવેના તમામ ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહારો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે 10 એપ્રિલથી ફાસ્ટેગના નવા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. 1 એપ્રિલ 2026થી દેશના તમામ નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝા પર FASTag વિનાની ગાડીઓ પર ભારે દંડ વસુલવામાં આવી રહ્યો છે. NHAIએ રોકડ વ્યવહારો પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. તેવામાં જો કોઈ ગાડીમાં ફાસ્ટેગ ન હોય અથવા તેમાં રિચાર્જ ન હોય, તો તે માત્ર UPI દ્વારા જ ચૂકવણી કરી શકશે. ઉપરાંત પણ ઘણા કડક નિયમો લાગુ કરાયા છે. કેશ પેમેન્ટ સંપૂર્ણપણે બંધ ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતારો ટાળવા અને ચાલકોને સરળતા રહે તે માટે FASTagની સુવિધા શરૂ કરવામાં આવી છે. આંકડાઓ અનુસાર, હાલમાં 98%થી વધુ વાહનોમાં FASTag લાગેલું છે. જોકે, ફાસ્ટેગનું સમયાંતરે રિચાર્જ ન કરાવનાર તથા હજુ પણ વાહનોમાં ફાસ્ટેગ ન લગાવનાર વાહન માલિકો માટે સરકારે નિયમોને કડક બનાવ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. પરિણામે 100 ટકા ડિજિટલ નેટવર્ક તૈયાર થયું છે. 3 દિવસમાં ટોલ ન ચૂકવ્યો તો બમણી રકમ ચૂકવવી પડશે 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર દરેક લેન માત્ર ડિજિટલ માધ્યમથી જ ઓપરેટ થઈ રહી છે. તેવામાં જો વાહન માલિક પાસે FASTag નથી અથવા તો તેમાં રિચાર્જ નથી, તો તે UPIના માધ્યમથી ચૂકવણી કરી શકશે. આ માટે 1.25 ગણો ટોલ ચૂકવવો પડશે. આ ઉપરાંત જો કોઈ વાહન બ્લેકલિસ્ટેડ ટેગ અથવા મિનિમમ બેલેન્સ સાથે FASTag લેનમાં પ્રવેશ કરે છે, તો તેને બમણો ટોલ ચૂકવવો પડશે. ટોલ પ્લાઝા પર ડિજિટલ રીતે ટોલ ન ચૂકવનારને ઈ-નોટિસ જાહેર કરવામાં આવશે. જો 3 દિવસની અંદર ચૂકવણી કરવામાં નહીં આવે, તો ચૂકવવાપાત્ર રકમ બમણી થઈ જશે. ટ્રાન્સફર કે ફિટનેસ સર્ટિફિકેટ સહિતની સેવા પર પ્રતિબંધ જો 15 દિવસથી વધુ સમય સુધી ચૂકવણી કરવામાં નહીં આવે, તો વાહન અંગે ડેટાબેસમાં સૂચના આપવામાં આવશે, જેનાથી ટ્રાન્સફર કે ફિટનેસ સર્ટિફિકેટ જેવી વાહન સેવાઓ પર પ્રતિબંધ લાગી શકે છે. આ ઉપરાંત જો માન્ય ડિજિટલ ચૂકવણી કરવામાં નહીં આવે, તો અધિકારીઓ પાસે વાહનને હાઈવે પર પ્રવેશ કરતા રોકવામાં અથવા તેને લેનમાંથી હટાવવાનો અધિકાર છે. વાર્ષિક પાસની કિંમતમાં પણ 2.5%નો વધારો માર્ગ પરિવહન મંત્રાલયે ફાસ્ટેગ વાર્ષિક પાસની કિંમતોમાં 2.5%નો વધારો કર્યો છે. 1 એપ્રિલથી ખાનગી વાહન માલિકોને વાર્ષિક પાસ માટે 3,000 રૂપિયાને બદલે 3,075 રૂપિયા ચૂકવવા પડશે. આ પાસ કાર યુઝર્સને દેશભરના 200 ટોલ પ્લાઝા પર રોકાયા વિના મુસાફરી કરવાની સુવિધા આપે છે. વાર્ષિક રિવિઝન હેઠળ વધેલી કિંમતો માર્ગ પરિવહન મંત્રાલયના અધિકારીઓ અનુસાર, 'જ્યારે ફાસ્ટેગ વાર્ષિક પાસની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે જ તેના નોટિફિકેશનમાં દર વર્ષે કિંમતોની સમીક્ષા અને ફેરફારની જોગવાઈ રાખવામાં આવી હતી. આ વધારો તે જ વાર્ષિક રિવિઝન પ્રક્રિયાનો એક ભાગ છે. દેશભરમાં હાઈવે ટોલના દરોમાં ફેરફાર માટે જે ફોર્મ્યુલા નક્કી છે, તેના આધારે આ વખતે 2.5% નો વધારો કરવામાં આવ્યો છે.' 52 લાખથી વધુ લોકો આ પાસનો ઉપયોગ કરી રહ્યા છે
સરકારે 15 ઓગસ્ટથી આ ખાસ વાર્ષિક પાસની શરૂઆત કરી હતી, જેને અપેક્ષા કરતાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં 52 લાખથી વધુ હાઇવે કાર યુઝર્સ આ યોજના સાથે જોડાઈ ચૂક્યા છે. આ પાસની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને એક વર્ષમાં ગમે તેટલી વાર રિચાર્જ કરાવી શકાય છે અને તે લાંબા અંતરની મુસાફરી કરતા યાત્રીઓ માટે ખૂબ જ સસ્તો સાબિત થાય છે. 200 ટોલ પ્લાઝા પર સુવિધા મળે છે
આ વાર્ષિક પાસ હાલમાં દેશના મુખ્ય 200 ટોલ પ્લાઝા પર માન્ય છે. આનાથી ન માત્ર સમયની બચત થાય છે, પરંતુ વારંવાર ટોલ ટેક્સ કપાવવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળે છે. સરકારનો લક્ષ્ય આવનારા સમયમાં આ પાસના દાયરામાં વધુ ટોલ પ્લાઝાનો સમાવેશ કરવાનો છે, જેથી કેશલેસ ઇકોનોમી અને સ્મૂધ ટ્રાવેલને પ્રોત્સાહન આપી શકાય.
Read Original Article →