ફોન પર પ્રતિબંધ મુકાતા 75% વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાં વધ્યું!:દેશના બે રાજ્યોમાં પણ બાળકોના 'સ્ક્રીન ટાઈમ' પર નિયંત્રણ મુકવાની તૈયારી
નેધરલેન્ડ્સની શાળાઓમાં બે વર્ષ પહેલાં લાગુ કરાયેલા સ્માર્ટફોન પ્રતિબંધની અસર હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. ક્લાસરૂમ, કોરિડોર અને કેન્ટીનમાં મોબાઈલની સાથે સ્માર્ટવોચ અને ટેકનેટ પણ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. શાળાના ગેટ પર લાગેલા બોર્ડ વિદ્યાર્થીઓને યાદ અપાવે છે કે, ફોન ફક્ત લોકરમાં જ રહેશે. સરકાર હવે તેને આગળ વધારતા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની હિમાયત કરી રહી છે. સરકાર દ્વારા 317 માધ્યમિક શાળાઓ પર કરાયેલા અભ્યાસમાં લગભગ 75% શાળાઓએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓની એકાગ્રતા વધી છે. 66% શાળાઓએ સામાજિક વાતાવરણ સુધર્યું હોવાની પુષ્ટિ કરી. જ્યારે, લગભગ એક તૃતીયાંશ શાળાઓમાં શૈક્ષણિક પ્રદર્શનમાં પણ સુધારો નોંધાયો. ઘણા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે, ડિજિટલ દુનિયામાંથી બહાર નીકળીને તેઓ વર્તમાનને વધુ સારી રીતે જીવી રહ્યા છે. કાયદો નહીં, રાષ્ટ્રીય સહમતિથી લાગુ થયો પ્રતિબંધ સરકારે કડક કાયદા બનાવવાને બદલે શાળાઓ, વાલીઓ અને શિક્ષકો સાથે રાષ્ટ્રીય કરાર કર્યો હતો. હેતુ લાંબી કાનૂની પ્રક્રિયા ટાળીને સૌનો સહયોગ લેવાનો અને નિયમો તાત્કાલિક લાગુ કરવાનો હતો. શિક્ષકોના મતે, ફોન ન હોવાને કારણે બાળકો શિસ્તબદ્ધ રીતે અભ્યાસ પર વધુ ધ્યાન આપી રહી છે. બ્રેક અને કોરિડોરમાં પણ પહેલા જેવી અફરાતફરી ઓછી થઈ છે, જેનાથી વાતાવરણ વધુ શાંત બન્યું છે. સુરક્ષા વધી, બુલિંગના કેસ ઘટ્યા ફોન પ્રતિબંધ પછી વિદ્યાર્થીઓમાં એ ડર ઓછો થયો છે કે કોઈ તેમનો ફોટો લઈને સોશિયલ મીડિયા પર મૂકી દેશે. પ્રારંભિક સંકેતો દર્શાવે છે કે, શાળાઓમાં બુલિંગના કેસોમાં પણ ઘટાડો થયો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, સ્ક્રીનથી દૂર રહેવાથી તેઓ વધુ સામાજિક બન્યા છે. યુવાનો પણ ફોન પ્રતિબંધના પક્ષમાં યુનિસેફના સર્વેમાં 69% ડચ બાળકો અને કિશોરોએ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધનું સમર્થન કર્યું. રિસર્ચ એજન્સી ન્યૂકોમ અનુસાર, 16 થી 28 વર્ષના 60% લોકો પણ ઉંમર મર્યાદા નક્કી કરવાના પક્ષમાં છે. કર્ણાટક અને આંધ્રમાં પણ સ્ક્રીન પર નિયંત્રણની તૈયારી કર્ણાટક સરકારે વિદ્યાર્થીઓ માટે 'ડિજિટલ રિસ્પોન્સિબિલિટી' ડ્રાફ્ટ પોલિસી જાહેર કરી છે. તેમાં મનોરંજન માટે સ્ક્રીન ટાઈમ દરરોજ એક કલાક સુધી મર્યાદિત કરવા અને 'ચાઈલ્ડ પ્લાન' હેઠળ રાત્રે 7 વાગ્યા પછી ડેટા બંધ કરવા જેવા સૂચનો છે. જ્યારે, આંધ્ર પ્રદેશ પણ બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર કડક નિયમો લાવવા પર વિચાર કરી રહ્યું છે.
Read Original Article →