ઇન્સ્ટાગ્રામ પર પર્સનલ વાતો કરતા પહેલા ચેતજો!:કંપની 8 મેથી એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન હટાવશે, કરોડો યુઝર્સની પ્રાઇવસી પર સંકટ તોળાયું
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ લગભગ દરેક વ્યક્તિના જીવનનું એક ભાગ બની ગયું છે. ફોટો અને રીલ્સ પોસ્ટ કરવા અને શેર કરવા ઉપરાંત ઇન્સ્ટાગ્રામ કરોડો લોકોની ચેટ એપ્લિકેશન પણ બની ગયું છે. ખાસ કરીને, યુવાનો માટે આ વોટ્સએપ જેવું જ કોમ્યુનિકેશન પ્લેટફોર્મ છે. પરંતુ 8 મેથી ઇન્સ્ટાગ્રામની ડાયરેક્ટ મેસેજ (DM) સર્વિસમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે ઇન્સ્ટાગ્રામ તમારા દરેક મેસેજ પર ચાંપતી નજર રાખશે. મેસેજ હવે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે નહીં. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન: સંપૂર્ણ ટેકનોલોજી સમજીએ જ્યારે તમે કોઈને મેસેજ મોકલો છો, ત્યારે તે સીધો સામેવાળા સુધી પહોંચતો નથી, પહેલા સર્વર પર જાય છે. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન હોય, ત્યારે મેસેજને એક ખાસ કોડમાં બદલી દેવામાં આવે છે. આ કોડ ફક્ત મોકલનાર (સેન્ડર) અને પ્રાપ્તકર્તા (રિસીવર) પાસે રહેલી કી વડે જ ખોલી શકાય છે. વચ્ચે કોઈ પણ, અહીં સુધી કે કંપની પણ મેસેજ વાંચી શકતી નથી. આને એમ સમજીએ કે, જેમ તમે મિત્રને તાળું મારેલું બોક્સ મોકલ્યું, જેની ચાવી ફક્ત તમારા બંને પાસે છે. કુરિયર બોક્સ લઈ જઈ શકે છે, ખોલી શકતું નથી. 8 મેથી થશે આ ફેરફારો - 8 મે પછી ઇન્સ્ટાગ્રામ DMs માં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ફીચર સમાપ્ત થઈ જશે. - મેસેજ એન્ક્રિપ્ટેડ રહેશે નહીં. - કંપની માટે મેસેજ એક્સેસ કરવા શક્ય બનશે. - હવે ઇન્સ્ટાગ્રામ ચેટ પર સુરક્ષા પહેલા કરતા ઓછી થઈ જશે. - ફેરફાર દેખાશે નહીં, પરંતુ અસર થશે. શા માટે હટાવી રહ્યા છે ફીચર? એક દલીલ છે કે, આમાં વધારાનો ટેકનિકલ ખર્ચ થાય છે. બીજી તરફ ઘણી સરકારો લાંબા સમયથી માંગ કરી રહી છે કે જરૂર પડ્યે ખાનગી ચેટ સુધી પહોંચ મળવી જોઈએ. કાયદા અમલીકરણ એજન્સીઓ અને બાળ સુરક્ષા જૂથો તરફથી આ ફીચરને લઈને વર્ષો સુધી ટીકાઓનો સામનો કર્યા પછી, મેટાએ આ મહિને તેના ઇન્સ્ટાગ્રામ હેલ્પ પેજ પર અને 2022ની એક અપડેટેડ પોસ્ટ દ્વારા જાણકારી આપી છે કે, 8 મે 2026થી ઇન્સ્ટાગ્રામના ડાયરેક્ટ મેસેજમાં 'એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન' ઉપલબ્ધ રહેશે નહીં. ધ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, મેટાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘એન્ક્રિપ્શન હટાવવાનો નિર્ણય તેના ઓછા વપરાશને કારણે લેવામાં આવ્યો છે. ખૂબ જ ઓછા લોકો ડીએમ (DM) માં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગનો વિકલ્પ પસંદ કરી રહ્યા હતા, તેથી અમે આગામી મહિનાઓમાં ઇન્સ્ટાગ્રામ પરથી આ વિકલ્પ હટાવી રહ્યા છીએ. જે લોકો એન્ક્રિપ્શન સાથે મેસેજિંગ ચાલુ રાખવા માંગે છે, તેઓ સરળતાથી વોટ્સએપનો ઉપયોગ કરી શકે છે.’ યુઝર્સે શું કરવું? જો તમે ઇન્સ્ટાગ્રામ પર ખાનગી અથવા સંવેદનશીલ વાતો કરો છો, તો સાવચેત રહો. મહત્વપૂર્ણ માહિતી શેર ન કરો વોટ્સએપ પસંદ કરો, ડિફોલ્ટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન છે. સિગ્નલ, સૌથી સુરક્ષિત મેસેજિંગ એપ્સમાંથી એક છે. ટેલિગ્રામ સિક્રેટ ચેટમાં પણ એન્ક્રિપ્શન ફીચર આપવામાં આવ્યું છે.
Read Original Article →