29 વર્ષના ઝ્વેરેવે પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું:ફ્રેન્ચ ઓપનના ફાઈનલમાં કોબોલીને હરાવ્યો, પાંચ સેટ સુધી ચાલી મેચ
જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવે પોતાની કારકિર્દીનો પહેલો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતી લીધો છે. તેણે ફ્રેન્ચ ઓપન 2026ની ફાઈનલમાં ઇટાલીના ફ્લેવિયો કોબોલીને હરાવ્યો. પેરિસમાં રવિવારે રમાયેલી મેન્સ સિંગલ્સ ફાઈનલમાં બીજી સીડ ઝ્વેરેવે દસમી વરીયતા પ્રાપ્ત ફ્લેવિયોને પાંચ સેટમાં 6-1, 4-6, 6-4, 6-7, 6-1 થી હરાવ્યો. 29 વર્ષના ઝ્વેરેવ 11 વર્ષથી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે. આ પહેલા તેઓ ગ્રાન્ડ સ્લેમમાં ત્રણ વખત ફાઈનલમાં અને સાત વખત સેમિફાઈનલમાં હારી ચૂક્યો હતો. ફ્રેન્ચ ઓપન ઉપરાંત, ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલડન અને યુએસ ઓપનને ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ કહેવામાં આવે છે. પાંચ સેટ સુધી ચાલ્યો ફાઈનલ મુકાબલો ઝ્વેરેવે મેચની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરતા પહેલો સેટ સરળતાથી 6-1થી જીતી લીધો. આ પછી કોબોલીએ વાપસી કરી અને બીજો સેટ 6-4થી પોતાના નામે કર્યો. ઝ્વેરેવે ફરી ત્રીજો સેટ 6-4થી જીત્યો, પરંતુ કોબોલીએ ચોથા સેટને ટાઈ-બ્રેકરમાં 7-6(5)થી જીતીને મુકાબલાને પાંચમા સેટમાં પહોંચાડી દીધો. છેલ્લા સેટમાં ઝ્વેરેવે ફરી એકવાર 6-1થી એકતરફી જીત નોંધાવી. 89 વર્ષ પછી કોઈ જર્મન મેન્સ ખેલાડી ચેમ્પિયન બન્યો ઝ્વેરેવ ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીતનાર 89 વર્ષ પછી પ્રથમ જર્મન મેન્સ ખેલાડી બન્યો છે. તેની પહેલાં 1937માં જર્મનીના હેનર હેન્કેલે આ ટુર્નામેન્ટ જીતી હતી. જ્યારે, કોઈપણ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સનું ટાઇટલ જીતનાર છેલ્લા જર્મન મેન્સ ખેલાડી બોરિસ બેકર હતા, જેમણે 1996માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી. ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો ઝ્વેરેવે માસ્ટર્સ 1000 ઇવેન્ટ્સ સાથે બે ATP ફાઇલ્સ પણ જીતી છે. ટોકિયોમાં ઝ્વેરેવે ઓલિમ્પિક ગોલ્ડ પણ જીત્યો હતો પરંતુ તેના ખાતામાં ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ નહોતું. આ પહેલાં 2020 યુએસ ઓપન, 2024 ફ્રેન્ચ ઓપન અને 2025 ઓસ્ટ્રેલિયા ઓપનની ફાઈનલ મેચ તે હારી ચૂક્યો હતો. કોણ છે ફ્લેવિયો કોબોલી ફ્રેન્ચ ઓપન 2026ની ફાઈનલમાં પહોંચેલા ફ્લેવિયો કોબોલી ઇટાલીના ઉભરતા ટેનિસ ખેલાડીઓમાં ગણાય છે. 24 વર્ષના કોબોલી પહેલીવાર કોઈ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલમાં પહોંચ્યો હતો. આખી ટુર્નામેન્ટમાં તેણે ઘણા મજબૂત ખેલાડીઓને હરાવીને ફાઈનલ સુધીની સફર ખેડી હતી. મીરા એન્ડ્રીવા વુમન્સ સિંગલ્સની ચેમ્પિયન આ પહેલા શનિવારે રશિયાની 19 વર્ષીય ટેનિસ ખેલાડી મીરા એન્ડ્રીવાએ ફ્રેન્ચ ઓપન 2026નો વુમન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. તેણે પોલેન્ડની માયા ચ્વાલિન્સ્કાને હરાવી હતી. તેનું પણ આ પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હતું.
Read Original Article →