12 જૂનથી ઇંગ્લેન્ડમાં મહિલા T20 વર્લ્ડ કપ:પહેલીવાર મેદાનમાં હશે 5 ગેમચેન્જર ખેલાડીઓ; 12 ટીમમાંથી મળશે ભવિષ્યની સુપરસ્ટાર
મહિલા T20 વર્લ્ડ કપ હંમેશા એવા ખેલાડીઓ માટે સૌથી મોટું પ્લેટફોર્મ રહ્યું છે, જેઓ પોતાની પ્રતિભા સાબિત કરવા માગે છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પોતાની કારકિર્દીની ઓળખ આ જ ટુર્નામેન્ટમાંથી બનાવી હતી. 12 જૂનથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં પણ કેટલાક નવા નામ હેડલાઇન્સ બનાવવાની તૈયારીમાં છે. પહેલીવાર 12 ટીમ ભાગ લઈ રહી છે, જેનાથી નવા ખેલાડીઓને પોતાની છાપ છોડવાની મોટી તક મળશે. આમાંથી પાંચ ખેલાડીઓ એવી છે, જેઓ પહેલીવાર T20 વર્લ્ડ કપ રમશે અને પોતાની ટીમની આશાઓનું કેન્દ્ર બનશે. ક્રાંતિ ગૌડ - ભારતની ઝડપી બોલરે બનાવી ઓળખ 23 વર્ષીય ક્રાંતિ ગૌડ લગભગ એક વર્ષ પહેલાં સુધી ભારતીય ક્રિકેટમાં ઉભરતી પ્રતિભા હતી, પરંતુ હવે તે ટીમની મુખ્ય ઝડપી બોલરોમાં ગણાય છે. છેલ્લા 12 મહિનામાં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝડપથી પોતાની ઓળખ બનાવી છે. તેણે 29 આંતરરાષ્ટ્રીય મેચમાં 35 વિકેટ ઝડપી છે. જો ભારતને વર્લ્ડ કપમાં સારી શરૂઆત જોઈતી હોય તો ક્રાંતિની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે. આ તેનો પહેલો T20 વર્લ્ડ કપ છે, પરંતુ તેની પાસેથી અપેક્ષાઓ કોઈ અનુભવી ખેલાડીથી ઓછી નથી. ઇસી વોંગ - ઓવરમાં 8 રનથી ઓછો આપે છે આ પેસર ઇંગ્લેન્ડની ઝડપી બોલર 24 વર્ષીય વોંગ લાંબા સમયથી ક્રિકેટ નિષ્ણાતોની નજરમાં રહી છે. 2023માં તે ટીમ સાથે રિઝર્વ ખેલાડી તરીકે ગઈ હતી. હવે સંપૂર્ણપણે ફિટ થઈને પાછી ફરેલી વોંગ પાસે ઘરેલું પરિસ્થિતિઓમાં પોતાને સાબિત કરવાની સુવર્ણ તક છે. કાયલા રેનેકે - આફ્રિકા અંડર-19ની કેપ્ટન રહી દ. આફ્રિકાની 21 વર્ષીય કાયલા રેનેકેને ભવિષ્ય માનવામાં આવી રહી છે. પૂર્વ અંડર-19 કેપ્ટન રેનેકે ઓફ સ્પિનર હોવા ઉપરાંત નીચલા ક્રમમાં ઝડપી રન બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે. જ્યોર્જિયા વોલ - હીલીનો વિકલ્પ, 156નો સ્ટ્રાઈક રેટ 22 વર્ષીય યુવા બેટરે 12 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 156.43ના સ્ટ્રાઈક રેટ અને 39ની શાનદાર સરેરાશથી 474 રન બનાવ્યા છે. એલિસા હીલીના સંન્યાસ પછી જે જગ્યા ખાલી પડી છે, તેને ભરવાની જવાબદારી વોલ પર આવી શકે છે. વર્લ્ડ કપ જેવું મોટું મંચ તેમના માટે પોતાને સ્થાપિત કરવાની તક હશે. સ્ટેરે કાલિસ- ધ હન્ડ્રેડનો અનુભવ કામ આવશે નેધરલેન્ડ્સ પહેલીવાર મહિલા T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યું છે અને ટીમની સૌથી મોટી આશા સ્ટેરે કાલિસ હશે. 26 વર્ષની ઉંમરે તેમની પાસે 64 આંતરરાષ્ટ્રીય મેચનો અનુભવ છે, જેમાં 1949 રન બનાવ્યા છે.
Read Original Article →