IPLમાં આજે SRH vs RCB:બેંગલુરુ જીતશે તો નંબર વન પોઝિશન પાકી; ક્વોલિફાયર-1 માટે હૈદરાબાદને જોઈએ મોટી જીત

Sports5/22/2026, 12:54:00 AM
IPLમાં આજે SRH vs RCB:બેંગલુરુ જીતશે તો નંબર વન પોઝિશન પાકી; ક્વોલિફાયર-1 માટે હૈદરાબાદને જોઈએ મોટી જીત
IPL 2026ની છેલ્લી લીગ મેચમાં શુક્રવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) આમને-સામને થશે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે. બંને ટીમની નજર પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ-2માં ફિનિશ કરવા પર છે. RCB હાલમાં 18 પોઇન્ટ્સ અને +1.065ના સૌથી શ્રેષ્ઠ નેટ રન રેટ (NRR) સાથે ટોચ પર છે. શુક્રવારે જીત મળવા પર બેંગલુરુની નંબર-1 પોઝિશન પાકી થઈ જશે અને તેને ફાઇનલમાં પહોંચવાની બે તક મળશે. સનરાઇઝર્સ હૈદરાબાદ 13 મેચમાં 16 પોઇન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. તેના પોઇન્ટ્સ ગુજરાત ટાઇટન્સની બરાબર છે, પરંતુ ઓછા નેટ રન રેટના કારણે તે પાછળ છે. હૈદરાબાદનો નેટ રન રેટ +0.350 અને ગુજરાતનો +0.400 છે. ટૉપ-2માં પહોંચવા માટે હૈદરાબાદે RCBને મોટા માર્જિનથી હરાવવું પડશે. સાથે જ તેણે આશા રાખવી પડશે કે ચેન્નઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સને હરાવી દે. IPLમાં બંને ટીમ 27મી વખત ટકરાશે IPLમાં બંને ટીમ 26 વખત ટકરાઈ ચૂકી છે. જેમાં SRHએ 13 અને RCBએ 12 મેચ જીતી છે. એક મેચ ટાઈ રહી હતી, જે હૈદરાબાદે જીતી હતી. આ સીઝનમાં બંને ટીમ બીજી વખત સામસામે આવશે. 28 માર્ચે બેંગલુરુમાં રમાયેલી મેચમાં RCBએ SRHને 6 વિકેટે હરાવ્યું હતું. સનરાઇઝર્સની વિસ્ફોટક બેટિંગ, પરંતુ સાતત્યતા નથી આ મેચમાં RCBનું પલડું થોડું ભારે માનવામાં આવી રહ્યું છે, કારણ કે સનરાઇઝર્સ હૈદરાબાદ આ સીઝનમાં ઉતાર-ચઢાવમાંથી પસાર થયું છે. ટીમે સતત પાંચ મેચ જીતીને શાનદાર લય મેળવી હતી, પરંતુ વિતેલી ચાર મેચમાંથી બે ગુમાવી છે. અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન અને હેનરિક ક્લાસેનની હાજરીમાં હૈદરાબાદ પાસે ટુર્નામેન્ટની સૌથી વિસ્ફોટક બેટિંગ લાઇન-અપ છે, જે કોઈપણ બોલિંગ આક્રમણને વેરવિખેર કરી શકે છે. જોકે, બેટર્સમાં સાતત્યતા જોવા મળી રહી નથી. મહત્વના પ્રસંગોએ હૈદરાબાદને નુકસાન પહોંચાડ્યું છે. ગત કેટલીક મેચમાં બેટિંગનું નિષ્ફળ જવું ટીમની હારનું મુખ્ય કારણ રહ્યું છે. નોકઆઉટ સ્ટેજ પહેલા ટીમ આ નબળાઈઓને દૂર કરવા ઇચ્છશે. હેનરિક ક્લાસેન 155.80ના સ્ટ્રાઈક રેટથી 555 રન બનાવીને ટીમનો ટૉપ રન સ્કોરર છે. પેટ કમિન્સની કેપ્ટનશીપ અને મલિંગાની અસર હૈદરાબાદ માટે સૌથી મોટી રાહતના સમાચાર કેપ્ટન પેટ કમિન્સની ઈજા બાદ કમબેક કર્યું છે. પરત ફર્યા પછી કમિન્સે ટીમની બોલિંગને ફરીથી વ્યવસ્થિત કરી છે અને તેની કેપ્ટનશીપમાં ટીમને વ્યૂહાત્મક સ્પષ્ટતા મળી છે. શ્રીલંકાના યુવા ઝડપી બોલર ઈશાન મલિંગા આ સીઝનમાં હૈદરાબાદ માટે મોટી શોધ સાબિત થયો છે. તેણે દબાણની સ્થિતિમાં કરકસરયુક્ત બોલિંગ કરવાની સાથે સતત વિકેટો પણ લીધી છે. ઈશાન મલિંગા 17 વિકેટ ઝડપીને ટીમ તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. રજત પાટીદારની કેપ્ટનશીપમાં RCB ફરી દાવેદાર ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કેપ્ટન રજત પાટીદારની આગેવાનીમાં આ સીઝનમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે આક્રમક બેટિંગ અને શિસ્તબદ્ધ બોલિંગના જોરે સતત બીજી સીઝનમાં પોતાને ખિતાબના મજબૂત દાવેદાર સાબિત કર્યા છે. વિરાટ કોહલીએ આ સીઝનની 13 મેચમાં 542 રન બનાવ્યા છે. તે ટીમનો ટૉપ રન સ્કોરર છે. ઓપનિંગ પાર્ટનર દેવદત્ત પડિકલે પણ તેને સારો સાથ આપ્યો છે. ભુવનેશ્વર-હેઝલવુડની જોડીનો કહેર RCBની સફળતામાં ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડની જોડીની મહત્વની ભૂમિકા રહી છે. ભુવનેશ્વર પોતાની સ્વિંગ બોલિંગથી બેટર્સને સતત પરેશાન કરી રહ્યા છે. બીજી તરફ, હેઝલવુડે મિડલ અને ડેથ ઓવર્સમાં મહત્વના સમયે વિકેટો લઈને વિરોધી ટીમ પર દબાણ ઊભું કર્યું છે. ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ પોતાની સચોટ સ્પિન અને વેરિએશન્સથી બેટર્સને જકડી રાખ્યા છે. લેગ સ્પિનર સુયશ શર્મા અને રોમારિયો શેફર્ડે પણ બોલિંગમાં સારું યોગદાન આપ્યું છે. ભુવનેશ્વર કુમાર 24 વિકેટ ઝડપીને આ સીઝનના ટૉપ વિકેટ ટેકર છે. પીચ રિપોર્ટ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ બેટર્સ માટે સાનુકૂળ માનવામાં આવે છે. સપાટ પીચ અને નાની બાઉન્ડરીના કારણે અહીં મોટા શોટ્સ લગાવવા સરળ બને છે. તેથી જ અહીં અવારનવાર હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે છે. જોકે, સ્પિનરો પણ અહીં ઉપયોગી સાબિત થાય છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષ દુબે, શિવાંગ કુમાર, ઈશાન મલિંગા અને પ્રફુલ્લ હિંગે ઇમ્પેક્ટ પ્લેયર: સાકિબ હુસૈન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): જેકબ બેથેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, વેંકટેશ અય્યર, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રાસિખ સલામ ડાર, જેકબ ડફી અને જોશ હેઝલવુડ. ઇમ્પેક્ટ પ્લેયર: દેવદત્ત પડિકલ.
Read Original Article →