IPLમાં આજે RCB vs GT:રજત પાટીદાર અને શુભમન ગિલના ફોર્મ પર નજર રહેશે; બંનેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ બરાબરી પર

Sports4/24/2026, 12:54:00 AM
IPLમાં આજે RCB vs GT:રજત પાટીદાર અને શુભમન ગિલના ફોર્મ પર નજર રહેશે; બંનેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ બરાબરી પર
IPL-2026ની 34મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)નો સામનો ગુજરાત ટાઇટન્સ (GT) સામે થશે. આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે, જ્યારે ટૉસ 7:00 વાગ્યે થશે. RCBની કેપ્ટનશીપ રજત પાટીદાર કરી રહ્યો છે, જ્યારે GTની કમાન શુભમન ગિલના હાથમાં છે. પાટીદાર આ સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાની બાબતમાં બીજા ક્રમે છે. તેના નામે 22 સિક્સર છે. પ્રથમ ક્રમે 27 સિક્સર સાથે હૈદરાબાદનો અભિષેક શર્મા છે. આ સીઝનમાં RCB 6 મેચમાં 4 જીત અને 2 હાર સાથે પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ GT 6 મેચમાં 3 જીત અને 3 હાર સાથે 6 પોઇન્ટ્સ મેળવીને છઠ્ઠા સ્થાને છે. બન્ને ટીમ 3-3 મેચ જીતી ટુર્નામેન્ટમાં અત્યાર સુધી બંને ટીમ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. IPLમાં RCB અને GT વચ્ચે કુલ 6 મેચ રમાય છે, જેમાં બંને ટીમે 3-3 મેચ જીતી છે. કોહલીના સૌથી વધુ રન RCB માટે આ સીઝનમાં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે 6 મેચમાં 247 રન બનાવ્યા છે, જેમાં 2 ફિફ્ટી સામેલ છે. 157.32ના સ્ટ્રાઈક રેટથી કોહલી ટીમને ઝડપી શરૂઆત અપાવી રહ્યો છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમારે જવાબદારી સંભાળી છે. તેણે 6 મેચમાં 10 વિકેટ ઝડપી છે, જેમાં 3/28 તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. 8.33ની ઇકોનોમી સાથે તે પાવરપ્લે અને ડેથ ઓવર્સમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. ગિલ અને પ્રસિદ્ધ GTના મેચ વિનર ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ આ સીઝનમાં શાનદાર લયમાં છે. તેણે 5 મેચમાં 265 રન બનાવ્યા છે, જેમાં 3 ફિફ્ટી સામેલ છે. 151.42ના સ્ટ્રાઈક રેટથી ગિલ શાનદાર શરૂઆત કરી રહ્યો છે. બીજી તરફ બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ કમાલ કરી છે. તેણે 6 મેચમાં 12 વિકેટ લીધી છે, જેમાં 4/28 તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. જોકે તેની ઇકોનોમી 9.91 રહી છે. ચિન્નાસ્વામીની પીચ હાઈ-સ્કોરિંગ અને ચેઝ ફેવરિટ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટર્સ માટે અનુકૂળ માનવામાં આવે છે. ફ્લેટ ટ્રેક, નાની બાઉન્ડરી અને ઝડપી આઉટફિલ્ડના કારણે અહીં મોટા શોટ રમવા સરળ બને છે. શરૂઆતની ઓવરોમાં ફાસ્ટ બોલરોને નવા બોલથી થોડી મૂવમેન્ટ મળે છે, પરંતુ જેમ જેમ મેચ આગળ વધે છે તેમ પીચ બેટિંગ માટે વધુ સારી બનતી જાય છે. બીજી ઇનિંગમાં ઝાકળ પણ મહત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે સ્પિનરોને બોલ ગ્રીપ કરવામાં મુશ્કેલી પડે છે અને રન ચેઝ કરવા સરળ બને છે. આ જ કારણ છે કે અહીં ટૉસ જીતીને ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે. આંકડાની વાત કરીએ તો, આ મેદાન પર 106 IPL મેચ રમાઈ છે, જેમાંથી 41% મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમે અને 54% મેચ પ્રથમ બોલિંગ કરનારી ટીમે જીતી છે. પહેલી ઇનિંગનો સરેરાશ સ્કોર 170 અને બીજી ઇનિંગનો 152 રહ્યો છે. સૌથી મોટો સ્કોર 287/3 (SRH vs RCB), સૌથી મોટો સફળ રન ચેઝ 213/9 અને સૌથી નાનો ડિફેન્ડ કરેલો સ્કોર 106/2 છે. વરસાદની કોઈ શક્યતા નથી બેંગલુરુમાં RCB vs GT મેચ દરમિયાન વાતાવરણ ગરમ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. રાત સાથે ભેજનું પ્રમાણ થોડું વધી શકે છે, જેના કારણે બીજી ઇનિંગમાં ઝાકળની અસર જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં ટૉસ જીતનારી ટીમ ટાર્ગેટને ચેઝ કરવાનું પસંદ કરી શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, ટીમ ડેવિડ, જિતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, રાસિખ સલામ અને સુયશ શર્મા. ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, વોશિંગ્ટન સુંદર, રાશિદ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા અને અશોક શર્મા.
Read Original Article →