IPLની ક્વોલિફાયર-1 આજે, બેંગલુરુ-ગુજરાત વચ્ચે મેચ:જીતનારી ટીમને સીધી ફાઈનલની ટિકિટ મળશે, ધર્મશાલામાં 80% વરસાદની સંભાવના

Sports5/26/2026, 12:54:00 AM
IPLની ક્વોલિફાયર-1 આજે, બેંગલુરુ-ગુજરાત વચ્ચે મેચ:જીતનારી ટીમને સીધી ફાઈનલની ટિકિટ મળશે, ધર્મશાલામાં 80% વરસાદની સંભાવના
IPL 2026ના ક્વોલિફાયર-1માં મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) આમને-સામને ટકરાશે. આ મેચ ધર્મશાલામાં રમાશે. જે ટીમ જીતશે તે સીધી ફાઈનલમાં પહોંચશે. જોકે, મેચના દિવસે 80% વરસાદ પડવાની આશંકા છે. આ સીઝનમાં RCBની સૌથી મોટી તાકાત બેટિંગ રહી છે, જ્યારે GTએ બોલરોના દમ પર ઘણી મહત્વની મેચ જીતી છે. ટાઇટન્સના ટૉપ-3 બેટર્સ પણ શાનદાર ફોર્મમાં છે. મેચમાં વિરાટ કોહલીને કાગીસો રબાડા અને રજત પાટીદારને રાશિદ ખાન પડકાર આપશે. ટ્રેન્ડ અનુસાર, છેલ્લી 8 ફાઈનલ ક્વોલિફાયર-1 રમનારી ટીમ વચ્ચે જ રમાઈ છે. આ તમામ ફાઈનલ ક્વોલિફાયર-1 જીતનારી ટીમના નામે રહી છે. 2011થી પ્લેઑફ સિસ્ટમ આવ્યા બાદ 15માંથી 12 ફાઈનલ ક્વોલિફાયર-1 જીતનારી ટીમે જ જીતી છે. હેડ-ટુ-હેડ રેકોર્ડ રેકોર્ડ 4-4થી બરાબર, બંને પાસે લીડ મેળવવાની તક હેડ-ટુ-હેડ રેકોર્ડમાં બેંગલુરુ અને ગુજરાત બરાબરી પર છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં 8 IPL મેચ રમાઈ છે, જેમાંથી 4 મેચ બેંગલુરુએ અને 4 ગુજરાતની ટીમે જીતી છે. કોઈ પણ મેચ ટાઈ કે પરિણામ વગરની રહી નથી. આ સીઝનમાં બંને ટીમ બે વખત આમને-સામને આવી ચૂકી છે અને બંનેએ એક-એક મેચમાં જીત મેળવી છે. છેલ્લી મેચમાં ગુજરાતની 4 વિકેટથી જીત થઈ હતી, જ્યારે તે પહેલાં બેંગલુરુની ટીમ 5 વિકેટથી જીતી હતી. સ્ટ્રેન્થ અને વીકનેસ બેંગલુરુની બેટિંગ મજબૂત, વિદેશી ખેલાડી નબળાઈ કોહલી RCBનો ટૉપ સ્કોરર, 4 ફિફ્ટી ફટકારી ચૂક્યો છે: કેપ્ટન રજત પાટીદારની આગેવાનીમાં બેંગલુરુએ આ સીઝનમાં આક્રમક બેટિંગના દમ પર 8 વખત 200 રનનો આંકડો વટાવ્યો છે. વિરાટ કોહલી ટીમનો ટૉપ સ્કોરર છે, જે એક સદી અને 4 ફિફ્ટીની મદદથી 557 રન બનાવી ચૂક્યો છે. કોહલી ઉપરાંત, દેવદત્ત પડિકલે 3 અને કેપ્ટન પાટીદારે 4 ફિફ્ટી ફટકારી છે. ધર્મશાલામાં વેંકટેશ અય્યરે પંજાબ સામે અણનમ 73 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. બોલિંગમાં જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમારની જોડીએ ટીમને મજબૂતી આપી છે. ભુવી ટીમનો ટૉપ વિકેટ ટેકર છે. જેકબ બેથલ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે: સીઝનની શરૂઆતમાં RCBનું મિડલ ઓર્ડર ખૂબ આક્રમક હતું, પરંતુ લીગ સ્ટેજના બીજા હાફમાં નંબર 4થી 8 સુધીના બેટર્સ ફ્લોપ રહ્યા છે. ટીમ સતત કોલેપ્સ નો સામનો કરી રહી છે. વિદેશી ખેલાડી જેકબ બેથલ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ગુજરાતની ફાસ્ટ બોલિંગ મજબૂત, ફિનિશર્સ નબળા સાઈ સુદર્શન ટૉપ સ્કોરર, રબાડાએ 24 વિકેટ ઝડપી: ગુજરાતની ટીમ મજબૂત બોલિંગ અને ટૉપ ઓર્ડરના દમ પર પ્લેઑફમાં પહોંચી છે. બીજા હાફમાં GTની બોલિંગ તેની સૌથી મોટી તાકાત રહી છે. કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ વિરોધી બેટર્સને ભારે પરેશાન કર્યા છે. રબાડા 24 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં છે, જ્યારે રાશિદ ખાન 19 વિકેટ ઝડપી ચૂક્યો છે. ટીમે છેલ્લી લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું હતું. કેપ્ટન શુભમન ગિલ (616 રન), સાઈ સુદર્શન (638 રન) અને જોસ બટલર (469 રન) શાનદાર ફોર્મમાં છે. ઓરેન્જ કેપ હોલ્ડર સુદર્શન 7 ફિફ્ટી ફટકારી ચૂક્યો છે. ફિનિશર્સ અને લોઅર-મિડલ ઓર્ડરનો ફ્લોપ શો: શેરફેન રધરફોર્ડના ગયા પછી નંબર 4 અને 5ની પોઝિશન GT માટે માથાનો દુખાવો બની ગઈ છે. ગ્લેન ફિલિપ્સ અને ટૉમ બેન્ટન મળેલા મોકા પર સાતત્ય જાળવી શક્યા નથી. લોઅર ઓર્ડરમાં રાહુલ તેવતિયા અને શાહરૂખ ખાન પર મેચ ફિનિશ કરવાનું દબાણ રહે છે, પરંતુ બંને આ સીઝનમાં ઘણા ઇનકન્સિસ્ટન્ટ રહ્યા છે. મેચના 4 મોટા મેચ-અપ કોહલી vs રબાડા: ધર્મશાલાની ઉછાળવાળી પીચ પર કોહલી અને રબાડા વચ્ચેનોી મેચ રોમાંચક રહેશે. પાવરપ્લેમાં કોહલી રબાડાનો સામનો કેવી રીતે કરે છે તે જોવાનું રહેશે. રબાડા વિરાટને 4 વખત આઉટ કરી ચૂક્યો છે. સોલ્ટ vs સિરાજ: ઈજામાંથી પરત ફરેલો ફિલ સોલ્ટ બેંગલુરુના બેટિંગ લાઇન-અપને વધુ મજબૂત કરશે. તેનો સામનો મોહમ્મદ સિરાજ સાથે થશે. સિરાજ તેને 2 વખત આઉટ કરી ચૂક્યો છે. ગિલ vs ભુવનેશ્વર: ભુવનેશ્વર કુમાર પોતાની સ્વિંગ બોલિંગથી શુભમન ગિલની પરીક્ષા લેશે. તે ગિલને અત્યાર સુધીમાં 5 વખત આઉટ કરી ચૂક્યો છે. રાશિદ vs પાટીદાર: રજત પાટીદાર સ્પિનર્સ સામે રમવામાં માહેર છે, પરંતુ તેની સામે આ સીઝનમાં 19 વિકેટ ઝડપી ચૂકેલો રાશિદ ખાન હશે. વેધર અને પીચ રિપોર્ટ ધર્મશાલામાં હાઈ-સ્કોરિંગ મેચની આશા, 80% વરસાદની સંભાવના HPCA મેદાન પર આ વર્ષે ભરપૂર રન બન્યા છે. અહીં રમાયેલી 3 મેચની 6 ઇનિંગ્સમાંથી 5 ઇનિંગ્સમાં 200 કે તેથી વધુનો સ્કોર બન્યો છે. ત્રણેય મેચમાં ટૉસ જીતનારી ટીમે પહેલા બોલિંગ કરીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ધર્મશાલામાં મંગળવારે 80% વરસાદ પડવાની આશંકા છે. જો ક્વોલિફાયર-1 મેચ વરસાદના કારણે ધોવાઈ જાય છે, તો બેંગલુરુ રમ્યા વગર જ સીધી ફાઈનલમાં પહોંચી જશે, કારણ કે તે લીગ સ્ટેજ પૂરી થયા બાદ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર હતી. બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર, ટિમ ડેવિડ, વેંકટેશ અય્યર, જિતેશ શર્મા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રાસિખ સલામ, સુયશ શર્મા અને જોશ હેઝલવુડ. ઇમ્પેક્ટ પ્લેયર: ફિલ સોલ્ટ. ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, રાહુલ તેવતિયા, અરશદ ખાન, કાગીસો રબાડા અને મોહમ્મદ સિરાજ. ઇમ્પેક્ટ પ્લેયર: પ્રસિદ્ધ ક્રિષ્ના.
Read Original Article →