Live Updates
IPLમાં આજે રાજસ્થાન vs મુંબઈ મેચ:હાર્દિકની ફિટનેસ પર સસ્પેન્સ; બુમરાહને અત્યાર સુધી એક પણ વિકેટ મળી નથી
IPLમાં મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો સામનો રાજસ્થાન રોયલ્સ (RR) સામે થશે. આ મેચ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાશે. ટૉસ સાંજે 7 વાગ્યે થશે, જ્યારે મેચ 7:30 વાગ્યે શરૂ થશે. મુંબઈ માટે સૌથી મોટી ચિંતા તેના કેપ્ટન હાર્દિક પંડ્યાની ફિટનેસ છે. તે ગત મેચ બીમારીના કારણે રમી શક્યો નહોતો. બીજી તરફ રાજસ્થાનની ટીમ પોતાની શરૂઆતી મેચની જીતથી મળેલા મોમેન્ટમને જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. હાલમાં પોઇન્ટ્સ ટેબલમાં રાજસ્થાન બીજા અને મુંબઈ છઠ્ઠા સ્થાને છે. IPLમાં બંને વચ્ચેનો મુકાબલો લગભગ બરાબરીનો રહ્યો છે. અત્યાર સુધી બંને ટીમ IPLમાં 30 વખત આમને-સામને આવી છે. જેમાં 16 મેચ મુંબઈ અને 14 મેચ રાજસ્થાન રોયલ્સે જીતી છે. ગત સીઝનમાં બંને વચ્ચે એક મેચ રમાઈ હતી, જે મુંબઈએ 100 રનથી જીતી લીધી હતી. હાર્દિકના કમબેકની આશા, નેટ્સમાં પ્રેક્ટિસ કરી દિલ્હી કેપિટલ્સ સામેની છેલ્લી મેચમાં મુંબઈને હાર્દિક પંડ્યાની ખોટ પડી હતી, જ્યાં ટીમને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપ કરી હતી. પંડ્યા ટીમ સાથે ગુવાહાટી પહોંચી ગયો છે. તેણે નેટ્સમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ગત મેચમાં અનુભવી ટ્રેન્ટ બોલ્ટના સ્થાને સામેલ કરાયેલો સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર કોર્બિન બોશ ખૂબ ખર્ચાળ સાબિત થયો હતો. મુંબઈની બોલિંગ ચિંતાનો વિષય બની મુંબઈ ઈન્ડિયન્સ માટે બોલરોનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. જસપ્રીત બુમરાહ ટીમનો સૌથી ઇકોનોમિકલ બોલર રહ્યો છે. પરંતુ તેને આ સીઝનમાં અત્યાર સુધી એક પણ વિકેટ મળી નથી. શાર્દૂલ ઠાકુર પ્રથમ મેચમાં પ્રભાવશાળી પ્રદર્શન બાદ છેલ્લી મેચમાં ઘણો મોંઘો સાબિત થયો હતો. સ્પિન વિભાગમાં મિચેલ સેન્ટનરે અફઘાન સ્પિનર અલ્લાહ ગઝનફરના સ્થાને પોતાની ઉપયોગિતા સાબિત કરી છે અને તેની આગામી મેચમાં પણ રમવાની પૂરી શક્યતા છે. મુંબઈના બોલરો સામે રાજસ્થાનના શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ટોપ ઓર્ડરને રોકવાનો મોટો પડકાર હશે. RRનો ટૉપ ઓર્ડર ફોર્મમાં, બિશ્નોઈ ટૉપ વિકેટ ટેકર રાજસ્થાન રોયલ્સ માટે ઓપનર બેટર યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધી વિસ્ફોટક શરૂઆત અપાવી છે. મિડલ ઓર્ડરમાં ધ્રુવ જુરેલ ટીમને મજબૂતી આપી રહ્યો છે. બોલિંગમાં રવિ બિશ્નોઈ આ સીઝનના સફળ બોલરોમાંથી એક બનીને ઉભર્યો છે. તેણે 2 મેચમાં 5 વિકેટ ઝડપી છે. તે અત્યાર સુધીનો સૌથી સફળ બોલર રહ્યો છે અને પર્પલ કેપની રેસમાં સૌથી ઉપર છે. તેમજ તુષાર દેશપાંડેએ ગત મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લી ઓવરમાં 10 રન બચાવીને પોતાની ડેથ બોલિંગની ક્ષમતા સાબિત કરી હતી. કેપ્ટન રિયાન પરાગ ભલે બેટથી હજુ સુધી મોટો સ્કોર ન કરી શક્યો હોય, પરંતુ તેની કેપ્ટનશીપ અને ટેક્ટિકલ નિર્ણયોની ખૂબ પ્રશંસા થઈ રહી છે. પીચ રિપોર્ટ- હાઈ સ્કોરિંગ મેચ થઈ શકે છે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે. અહીં બોલ બેટ પર સારી રીતે આવે છે, જેનાથી બેટર મુક્તપણે શોટ્સ રમી શકે છે અને મોટા સ્કોર જોવા મળે છે. જોકે, શરૂઆતમાં ફાસ્ટ બોલરોને થોડી મદદ મળી શકે છે, ખાસ કરીને નવા બોલથી સ્વિંગ જોવા મળે છે. અહીં ચેઝ કરવો થોડું સરળ માનવામાં આવે છે, કારણ કે રાત્રે ઝાકળની અસર થઈ શકે છે અને બેટિંગ સરળ બની જાય છે. અહીં અત્યાર સુધી IPLની માત્ર 7 મેચ રમાઈ છે. 3 મેચમાં પહેલી ઇનિંગમાં બેટિંગ કરનાર ટીમ અને 2 મેચમાં ચેઝ કરનાર ટીમની જીત થઈ છે, જ્યારે એક મેચનું પરિણામ આવી શક્યું નહોતું. અહીંનો હાઇએસ્ટ ટીમ સ્કોર 199/4 છે, જે રાજસ્થાન રોયલ્સે 2023માં દિલ્હી કેપિટલ્સ સામે બનાવ્યો હતો. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા અને રવિ બિશ્નોઈ. મુંબઈ ઈન્ડિયન્સ (MI): રોહિત શર્મા, રાયન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નમન ધીર, શેરફન રધરફોર્ડ, મિચેલ સેન્ટનર, હાર્દિક પંડ્યા, શાર્દીલ ઠાકુર, દીપક ચહર, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ.
Read Original Article →