IPLમાં ડબલ હેડરમાં પહેલી મેચ આજે KKR vs RR:5 મેચ હારી ચૂકેલી KKRને પ્રથમ જીતની શોધ, RRનો કમબેકનો પ્રયાસ; વૈભવ સૂર્યવંશી પર રહેશે નજર
IPL 2026માં રવિવારે ડબલ હેડરની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે બપોરે 3:30 વાગ્યાથી રમાશે. ટુર્નામેન્ટમાં બંને ટીમની સ્થિતિ તદ્દન અલગ છે. એક તરફ રાજસ્થાન રોયલ્સ (RR) છે, જે આ સીઝનની મજબૂત ટીમમાંની એક રહી છે, જ્યારે બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) છે, જે અત્યાર સુધી પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. અત્યાર સુધી 6 મેચ રમી ચૂકેલી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે એક મેચ વરસાદના કારણે રદ થઈ હતી. અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ વાળી KKR માટે આ મેચ પ્રતિષ્ઠા બચાવવા સમાન છે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ (RR) પણ પોતાનો છેલ્લો મુકાબલો હૈદરાબાદ સામે હારીને અહીં પહોંચી છે, તેથી તેઓ પણ વાપસી કરવાના પૂરા પ્રયાસ કરશે. અત્યાર સુધી બંને ટીમ વચ્ચે 31 મેચ રમાઈ છે. જેમાંથી KKR એ 16 અને રાજસ્થાને 12 મુકાબલા જીત્યા છે. આ સિવાય બે મેચ ટાઈ રહી હતી, જે રાજસ્થાને જીતી હતી. જ્યારે, એક મેચ રદ થઈ હતી. ગયા વર્ષે રમાયેલા બંને મેચ કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાના નામે કર્યા હતા. રહાણેની કેપ્ટનશીપ અને નાયરની વ્યૂહરચના પર ઉઠ્યા સવાલ અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં KKRનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે. ટીમ ઘણીવાર જીતેલી સ્થિતિમાંથી મેચ હારી રહી છે, જેનાથી ખેલાડીઓનો આત્મવિશ્વાસ ઓછો થયો છે. KKRને અત્યાર સુધીનો એકમાત્ર પોઇન્ટ પંજાબ કિંગ્સ સામે વરસાદને કારણે ધોવાઈ ગયેલી મેચમાંથી મળ્યો છે. કેપ્ટન રહાણેના ટૉસના નિર્ણયો અને હેડ કોચ અભિષેક નાયરના ટીમ મેનેજમેન્ટ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સ સામે ભેજવાળી પીચ પર પહેલા બેટિંગ કરવાનો નિર્ણય ખોટો સાબિત થયો હતો અને ટીમે 32 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. સ્પિનર્સનું ફોર્મ અને સિલેક્શનને લઈ મૂંઝવણ KKRના મુખ્ય સ્પિનર વરુણ ચક્રવર્તી T20 વર્લ્ડ કપ પછી લયમાં દેખાઈ રહ્યો નથી. તેને પાવરપ્લેમાં બોલિંગ આપવામાં આવી હતી, જ્યાં તે ખૂબ મોંઘા સાબિત થયો હતો. જોકે, પાછલી મેચમાં જોસ બટલર અને વોશિંગ્ટન સુંદરની વિકેટ લેવી તેના માટે પોઝિટિવ બાબત રહી હતી. આ સિવાય રચિન રવીન્દ્ર જેવા સ્ટાર ખેલાડીને બેન્ચ પર બેસાડવા અને ટિમ સેફર્ટને મોડી તક આપવા જેવા નિર્ણયોની પણ ટીકા થઈ રહી છે. શેન વોટસન, ટિમ સાઉધી અને ડ્વેન બ્રાવો જેવા દિગ્ગજોના સપોર્ટ સ્ટાફ હોવા છતાં ટીમ મેદાન પર દિશાહીન દેખાઈ રહી છે. KKR પાસે હોમ ગ્રાઉન્ડ પર છેલ્લી તક, પછી એક મહિનાનો બ્રેક કોલકાતામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કારણે આ મેચ પછી ઈડન ગાર્ડન્સમાં લગભગ એક મહિના સુધી કોઈ મુકાબલો રમાશે નહીં. KKRની ટીમ 16 મેના રોજ ફરીથી પોતાના ઘરે પરત ફરશે. એવામાં હોમ ફેન્સ સામે પ્રથમ જીત નોંધાવવા માટે કોલકાતાની ટીમ પૂરી તાકાત લગાવશે. કેમરૂન ગ્રીનની 79 રનની ઇનિંગ અને ચક્રવર્તીનું ફોર્મમાં પરત ફરવું તેમના માટે આશાનું કિરણ છે. હૈદરાબાદની હારથી શીખ લેશે ટીમ રાજસ્થાન રોયલ્સે સીઝનની શરૂઆત સતત ચાર જીત સાથે કરી હતી, પરંતુ પાછલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે તેમની લય બગાડી દીધી હતી. તે મેચમાં રાજસ્થાનનો આખો ટૉપ ઓર્ડર યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ અને રિયાન પરાગ ડબલ ડિજિટનો સ્કોર પણ કરી શક્યા નહોતા. રિયાન પરાગની કેપ્ટનશીપ વાળી આ ટીમ કોલકાતા સામે પોતાની જૂની ભૂલો સુધારવા ઈચ્છશે. રાજસ્થાનની ટીમ ગરમી અને કંડિશન સાથે તાલમેલ બેસાડવા માટે કોલકાતા વહેલી પહોંચી ગઈ હતી. પીચ રિપોર્ટ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની પીચ બેટર્સને વધુ મદદ કરી શકે છે. પીચ પર સારો બાઉન્સ જોવા મળે છે, જેના કારણે બોલ બેટ પર સારી રીતે આવે છે. આઉટફિલ્ડ પણ ઘણી ઝડપી છે, તે સિવાય મેદાન નાનું હોવાથી વધુ ચોગ્ગા-છગ્ગા પણ વાગે છે. શરૂઆતમાં ફાસ્ટ બોલરોને મદદ મળી શકે છે જ્યારે મિડલ ઓવર્સમાં સ્પિનરો અસરકારક સાબિત થઈ શકે છે. એવામાં બેટ અને બોલ વચ્ચે સારો જંગ જોવા મળી શકે છે. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 103 IPL મેચ રમાય છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમે 43 અને બીજી બેટિંગ કરનારી ટીમે 58 મેચ જીતી છે. બે મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. વેધર રિપોર્ટ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રવિવારે KKR વિરુદ્ધ RR મેચ દરમિયાન હવામાન ગરમ રહેવાની સાથે ભેજવાળું રહેશે. બપોરના સમયે તાપમાન લગભગ 36 ડિગ્રી સુધી જઈ શકે છે અને સાંજે હળવા ઝાકળની શક્યતા છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ટિમ સેફર્ટ (વિકેટકીપર), અંગક્રિષ રઘુવંશી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, રોવમેન પોવેલ, સુનીલ નારાયણ, અનુકૂલ રોય, કાર્તિક ત્યાગી અને વૈભવ અરોરા. ઇમ્પેક્ટ: વરુણ ચક્રવર્તી. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ. ઇમ્પેક્ટ પ્લેયર: વૈભવ સૂર્યવંશી.
Read Original Article →