Live Updates
અમદાવાદમાં આજે IPLમાં GT vs CSK:પ્લેઑફની રેસ માટે ચેન્નઈએ જીતવું જ પડશે; ગુજરાતની નજર ટૉપ-2 પર રહેશે
IPL 2026ની 66મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. ચેન્નઈ માટે આ મેચ 'કરો અથવા મરો' જેવી છે. ટીમે 13 મેચમાંથી 6 મેચ જીતી છે અને 12 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. તેમને પ્લેઑફની રેસમાં ટકી રહેવા માટે કોઈપણ ભોગે જીતની જરૂર છે. બીજી તરફ, શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ગુજરાતની ટીમ પહેલાથી જ પ્લેઑફમાં પહોંચી ચૂકી છે. ટીમે 13માંથી 8 મેચ જીતી છે અને 16 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબરે છે. હેડ-ટુ-હેડમાં ગુજરાત આગળ IPLમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધી કાંટાની ટક્કર જોવા મળી છે. ગુજરાત અને ચેન્નઈ વચ્ચે અત્યાર સુધી કુલ 9 મેચ રમાઈ છે. જેમાંથી ગુજરાતે 5 મેચ જીતી છે, જ્યારે ચેન્નઈને 4 મેચમાં જીત મળી છે. આ સીઝનમાં બંને ટીમ વચ્ચે 26 એપ્રિલે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પહેલી ટક્કર થઈ હતી. તે મેચમાં ગુજરાતે ચેન્નઈને 8 વિકેટે હરાવ્યું હતું. સાઈ સુદર્શન ગુજરાતનો ટૉપ સ્કોરર ગુજરાત માટે આ સીઝનમાં સાઈ સુદર્શને સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધી રમેલી 13 મેચોમાં 554 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 6 ફિફ્ટી સામેલ છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 157.83નો રહ્યો છે. જ્યારે બોલિંગમાં કાગીસો રબાડાએ સૌથી વધુ વિકેટો ઝડપી છે. તેણે 13 મેચમાં 9.22ની ઇકોનોમીથી રન આપીને 21 વિકેટ લીધી છે. 25 રન આપીને 3 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. સેમસન ચેન્નઈનો ટૉપ સ્કોરર ચેન્નઈ તરફથી સંજુ સેમસન ટૉપ સ્કોરર રહ્યો છે. સેમસને સીઝનની 13 મેચમાં 166.20ના સ્ટ્રાઈક રેટથી 477 રન બનાવ્યા છે. તેણે 2 સદી અને 1 ફિફ્ટી ફટકારી છે. બોલિંગમાં ટીમ માટે અંશુલ કંબોજે સૌથી વધુ વિકેટો ઝડપી છે. તેણે 13 મેચમાં 20 વિકેટ લીધી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 22 રન આપીને 3 વિકેટ રહ્યું છે. જોકે, તેણે 10.23ની ઇકોનોમીથી રન આપ્યા છે. પીચ બેટર્સ માટે મદદરૂપ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની લાલ અને કાળી માટીથી બનેલી પીચ પર હાઈ-સ્કોરિંગ મેચ થાય છે. જોકે, અહીંની બાઉન્ડરી મોટી છે. બોલરો આનો ઉપયોગ કરીને બેટર્સને ફસાવી શકે છે. અહીં IPLમાં 51 મેચ રમાઈ છે. પહેલા બેટિંગ કરનારી ટીમે 25 અને ચેઝ કરનારી ટીમે પણ 25 મેચ જીતી છે. એક મેચ ટાઈ રહી છે. જોકે ટૉસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. વેધર રિપોર્ટ અમદાવાદમાં મેચના સમયે વરસાદની કોઈ શક્યતા નથી. વાતાવરણ ગરમ રહેશે અને મેચ દરમિયાન આકાશ એકદમ ચોખ્ખું રહેશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, રાહુલ તેવતિયા, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઉર્વિલ પટેલ, કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, પ્રશાંત વીર, અકીલ હુસૈન, અંશુલ કંબોજ, સ્પેન્સર જોન્સન, નૂર અહેમદ.
Read Original Article →