IPLમાં આજે CSK vs KKR:ધોનીનું આ મેચમાં પણ રમવું મુશ્કેલ, KKR પહેલી જીતની શોધમાં
IPLની આ સીઝનની 22મી મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે થશે. મેચ ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)માં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ટૉસ 7:00 વાગ્યે થશે. બંને ટીમ વચ્ચે આ સીઝનનો આ પ્રથમ મુકાબલો હશે. CSK અને KKR પોતાની પાંચમી મેચ રમવા ઉતરશે. CSKએ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી છે અને ટીમ પોઇન્ટ્સ ટેબલમાં નવમા સ્થાને છે. બીજી તરફ, KKR હજુ પણ પોતાની પહેલી જીતની રાહ જોઈ રહ્યું છે. ટીમ પોતાની 4માંથી 3 મેચ હારી ચૂકી છે, જ્યારે પંજાબ સામેનો એક મુકાબલો વરસાદના કારણે રદ થયો હતો. CSKના પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોનીનું આ મેચમાં પણ રમવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. તેઓ ગત મુકાબલામાં સ્ટેડિયમ પહોંચ્યા નહોતા. તો બીજી તરફ, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે DC સામેની મેચ પછી કહ્યું હતું કે ધોની હાલ હોટલમાં રહીને મેચ જોઈ રહ્યા છે અને ટીમનું સમર્થન કરી રહ્યા છે. પરંતુ હા, ખૂબ જ જલ્દી તમે તેમને મેદાન પર પણ જોશો. હેડ ટુ હેડમાં CSK આગળ CSK અને KKR વચ્ચે અત્યાર સુધી 33 IPL મેચ રમાઈ છે. જેમાં 21માં CSK અને 12માં KKRને જીત મળી છે. ચેપોક સ્ટેડિયમમાં હોમ ટીમ ચેન્નઈનો રેકોર્ડ ઘણો સારો છે. ટીમે કોલકાતાને 12માંથી 8 મેચમાં હરાવ્યું છે, જ્યારે KKR માત્ર 4 મેચ જ જીતી શક્યું છે. સેમસને ગત મેચમાં સદી ફટકારી બેટિંગમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે સંજુ સેમસન ટોચ પર છે. તેમણે 4 મેચમાં 182.66ના શાનદાર સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે અને એક સદી પણ ફટકારી છે. તો આયુષ મ્હાત્રે 133 રન સાથે સેકન્ડ ટૉપ રન સ્કોરર છે. તેણે પણ 160 થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 2 અડધી સદી ફટકારી છે. બોલિંગમાં અંશુલ કંબોજ 8 વિકેટ ઝડપીને ચેન્નઈ માટે સૌથી સફળ બોલર રહ્યો છે. તેના સિવાય જેમી ઓવરટને 5 વિકેટ પોતાના નામે કરી છે. અંગક્રિશ-વૈભવ KKRના ટૉપ પ્લેયર્સ KKRનું પ્રદર્શન આ સીઝનમાં કંઈ ખાસ રહ્યું નથી. ટીમ માટે આ સીઝનમાં અંગક્રિશ રઘુવંશી અને વૈભવે મહત્વની ભૂમિકા ભજવી છે. રઘુવંશીએ 4 મેચમાં 155 રન બનાવ્યા છે, જેમાં બે ફિફ્ટી સામેલ છે. જ્યારે વૈભવ અરોરાએ 4 મેચમાં 5 વિકેટ ઝડપી છે. ચેપોકની પીચ બેટિંગ માટે મદદરૂપ ચેપોક સ્ટેડિયમની પીચ પહેલા સ્પિન ફ્રેન્ડલી રહેતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અહીં બેટર્સ પણ મદદ મળે છે. ઝાકળના કારણે રન ચેઝ કરવા સરળ બને છે, તેથી ટીમ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી શકે છે. આ સીઝનમાં અહીં બે મેચ રમાઈ અને બંનેમાં 200+ સ્કોર બન્યા. પહેલી મેચમાં પંજાબે અહીં હોમ ટીમ સામે 210 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. જોકે બીજી મેચમાં ચેન્નઈ સામે દિલ્હી 212 રનનો ટાર્ગેટ ચેઝ કરી શકી નહોતી. અહીં અત્યાર સુધી કુલ 93 IPL મેચ રમાઈ છે. જેમાં પેહલી ઇનિંગમાં બેટિંગ કરનાર ટીમે 52 મેચ જીતી છે, જ્યારે 41 મેચ રન ચેઝ કરનાર ટીમે જીતી છે. ટીમનો સર્વોચ્ચ સ્કોર 246/5 છે, જે 2010માં ચેન્નઈએ રાજસ્થાન રોયલ્સ સામે બનાવ્યો હતો. આજે ચેન્નઈમાં વરસાદ નહીં પડે ચેન્નઈમાં આજે વરસાદની કોઈ શક્યતા નથી. આછાં વાદળો રહેશે, જેનાથી વાતાવરણ ખુશનુમા રહેશે. દિવસ દરમિયાન તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે, પરંતુ મેચ દરમિયાન તાપમાન 27 થી 31 ડિગ્રીની વચ્ચે રહેશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ખલીલ અહમદ, ગુરજપનીત સિંહ. ઇમ્પેક્ટ પ્લેયર: અકીલ હુસૈન. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, સુનીલ નારાયણ, અનુકૂલ રોય, નવદીપ સૈની, કાર્તિક ત્યાગી. ઇમ્પેક્ટ પ્લેયર: વૈભવ અરોડા.
Read Original Article →