'રોહિત-બુમરાહ-હાર્દિક સાથે વાત કરીને ઘણું શીખ્યો':ગુજરાતના યંગ સેન્સેશન રુચિત આહીરને IPLમાં મુંબઈએ ટીમમાં લીધો; મમ્મી-પપ્પા સામે જીદ કરીને ક્રિકેટ રમ્યો

Sports5/28/2026, 12:30:00 AM
'રોહિત-બુમરાહ-હાર્દિક સાથે વાત કરીને ઘણું શીખ્યો':ગુજરાતના યંગ સેન્સેશન રુચિત આહીરને IPLમાં મુંબઈએ ટીમમાં લીધો; મમ્મી-પપ્પા સામે જીદ કરીને ક્રિકેટ રમ્યો
ક્રિકેટની રમત પણ અદ્ભુત છે, અહીં ક્યારે કિસ્મત પલટાઈ જાય એ કોઈ કહી શકતું નથી! જરા વિચારો, IPL-2026ના ઓક્શનના દિવસે જે ખેલાડી બે-બે વાર 'અનસોલ્ડ' જવાથી નિરાશ થઈને ટીવી બંધ કરી દે છે, એ જ ખેલાડી થોડા મહિનાઓ પછી રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજો સાથે મુંબઈ ઈન્ડિયન્સનો ડ્રેસિંગ રૂમ શેર કરતો જોવા મળે છે! આ કોઈ ફિલ્મી સ્ટોરી નથી, પણ મૂળ દ્વારકાના અને અમદાવાદથી ક્રિકેટની શરૂઆત કરનારા સૌરાષ્ટ્રના 25 વર્ષના યુવા વિસ્ફોટક બેટર રુચિત આહીરની રોચક કહાની છે. 17 વર્ષની મોડી ઉંમરે ક્રિકેટ બેટ પકડનારા રુચિતે નાનપણમાં તડકાથી ટેન થવાને કારણે મમ્મીના ગુસ્સાનો સામનો પણ કર્યો અને હાથનું ફ્રેક્ચર પણ ઝેલ્યું, પણ ક્રિકેટ પ્રત્યેનું તેનું ઝનૂન ઓછું ન થયું. IPL 2026ના ઓક્શનમાં ઝટકો લાગ્યા બાદ હાર માન્યા વગર વિજય હઝારે ટ્રોફીમાં ધમાકેદાર પ્રદર્શન કરીને મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ થવા સુધીની રુચિત આહીરની આ સંઘર્ષગાથા અને રવીન્દ્ર જાડેજા પાસેથી મળેલા ખાસ વખાણની રસપ્રદ વાતો... ‘અમદાવાદમાં રહેતો, પણ સૌરાષ્ટ્ર રમવા ગયો’ રુચિતે આહીરે ક્યારથી અને ક્યાંથી રમવાનું શરૂ કર્યું, તેના જવાબમાં રુચિતે જવાબ આપ્યો કે, ‘હું આમ તો મૂળ દ્વારકાનો છું... પણ મેં ક્રિકેટ રમવાની શરૂઆત અમદાવાદથી કરી હતી. અહીં અમદાવાદમાં જ રહેવાનું થતું હતું... હું 17 વર્ષનો હતો, ત્યારથી રમવાનું શરૂ કર્યું... મારો જન્મ સૌરાષ્ટ્રમાં થયો છે, એટલે હું ત્યાં ગયો. મેં રમવાનું ઘણું લેટ સ્ટાર્ટ કર્યું હતું. એ પછી હું સૌરાષ્ટ્ર ગયો અને ત્યાંથી ડિસ્ટ્રિક્ટ રમ્યો. ત્યારબાદ હું સૌરાષ્ટ્ર માટે U-19 અને U-23 સ્ટેટ રમ્યો.’ ‘IPLમાં અનસોલ્ડ જતા નિરાશ થયો…’ IPLમાં આ વખતે તે ઓક્શનમાં અનસોલ્ડ ગયો હતો, ત્યારે તેને કેવું લાગ્યું? આ સવાલના જવાબમાં રુચિતે કહ્યું કે, ‘ઓક્શનમાં જ્યારે મારું નામ આવ્યું, ત્યારે હું ઘણા સારા મૂડમાં હતો. અને એ વખતે મારું જ્યારે નામ આવ્યું, ત્યારે 99% એવું લાગતું હતું કે હું સિલેક્ટ થઈ જઈશ. પણ પહેલીવારના રાઉન્ડમાં હું અનસોલ્ડ ગયો, ત્યારે મેં ઓક્શન જોવાનું બંધ કર્યું. મને એ નહોતી ખબર કે બીજીવારમાં પણ મારું નામ આવ્યું છે, ત્યારે મને ફોન આવ્યું કે તારું નામ ફરી આવ્યું છે. તો મેં ફરી ઓક્શન જોયું અને ફરી બીજીવાર અનસોલ્ડ ગયો. એટલે આ જોઈને હું થોડો નિરાશ જરૂરથી થયો. એક દિવસ એવું લાગ્યું પણ ખરા કે કેમ મારું નામ સિલેક્ટ ના થયું…’ હાર ન માની અને વિજય હઝારે ટ્રોફીમાં જોરદાર પરફોર્મન્સ આપ્યું IPL 2026ના ઓક્શન પછી તરત જ ડોમેસ્ટિકની વિજય હઝારે ટ્રોફી શરૂ થતી હતી. ત્યારે તેના વિશે રુચિતે વાત કરતા કહ્યું, ઓક્શનના એક દિવસ પછી જ અમારે વિજય હઝારે ટ્રોફી સ્ટાર્ટ થતી હતી, એટલે હું મારા કામમાં લાગી ગયો અને ટુર્નામેન્ટમાં મેં ઘણું સારું પરફોર્મ કર્યું. વિજય હઝારેમાં સારા પરફોર્મન્સ પછી રિપ્લેસમેન્ટ પ્લેયર માટે મને મુંબઈ ઈન્ડિયન્સના ટ્રાયલ્સમાં બોલાવવામાં આવ્યો. ફર્સ્ટ ટ્રાયલ્સમાં મેં ઘણું સરસ પ્રદર્શન કર્યું. એના એક દિવસ પછી જ મને કોલ આવ્યો કે, "અમે તને ટીમમાં પિક (સિલેક્ટ) કરીએ છીએ." ‘જ્યારે ફર્સ્ટ ટ્રાયલ્સમાં બોલાવ્યો અને પછી સિલેક્શનનો ફોન આવ્યો ત્યારે મને ખૂબ જ ખુશી થઈ હતી. જોકે, ત્યારે ઓફિશિયલી ડિક્લેર થવાનું બાકી હતું, પણ એ મોમેન્ટ મારા માટે ખૂબ જ આનંદની હતી. આ પછી જ્યારે ઑફિશિયલી જાહેરાત થઈ, ત્યારે પછી ઘરે જાણ કરી અને બધા જ ખૂબ જ ખુશ થયા... એવું લાગ્યું કે અંતે છેલ્લા 10 વર્ષથી જેની રાહ જોતા હતા, તે મોમેન્ટ હવે સાચી થઈ છે.’ ‘મમ્મીએ મારું ધ્યાન રાખ્યું, પપ્પા-અંકલે સપોર્ટ કર્યો’ આ સંઘર્ષમાં માતા-પિતા અને પરિવારનો કેવો સપોર્ટ રહ્યો?..તેના જવાબમાં રુચિતે જણાવ્યું, ‘મારા પિતા અને મારા એક અંકલના સપોર્ટના કારણે જ અહીં પહોંચ્યો છું... મમ્મીએ પણ ઘણું સેક્રિફાઇસ કર્યું છે. મારા ફ્રેન્ડ્સે મારા અઘરા સમયમાં ઘણો સપોર્ટ કર્યો છે. મમ્મીએ મારા ડાયેટ મીલનું ઘણું ધ્યાન રાખ્યું છે. પપ્પાને પોતાનો બિઝનેસ છે, પણ તેઓએ મને ઘણો જ સપોર્ટ કર્યો છે.’ ‘તડકામાં ટેન થઈ જતો, તો મમ્મીએ રમવાનું બંધ કરાવ્યું’ બાળપણમાં કઈ રીતે ક્રિકેટ રમવાનું શરૂ થયું અને પપ્પાને તમારા પર ક્યારે વિશ્વાસ આવ્યો?...આમાં રુચિતે ખૂબ જ રોચક વાત કરી. તેણે કહ્યું કે, ‘હું નાનો હતો, ત્યારે ક્રિકેટ રમતો હતો... એટલે સમર વેકેશનના કેમ્પમાં હતો, ત્યારે તડકાના કારણે ટેન થઈ જતો હતો, એટલે મમ્મી આ બંધ કરાવી દેતાં હતાં. પછી થયું એવું કે હજુ બે-ત્રણ વાર આવું થયું અને એકવાર મારો હાથ ફ્રેક્ચર થયો એટલે બંધ કરાવી દીધું.’ ‘પછી મેં ગામડેથી મારા દાદાને બોલાવ્યા અને જીદ કરીને પપ્પા પાસે રમવાનું ચાલુ કરાવડાવ્યું... પપ્પાને એવું હતું કે આ એકાદ વર્ષમાં કંટાળીને મૂકી દેશે... પણ અહીં અમદાવાદમાં ઇન્ટર-સ્કૂલ મેચમાં મેં 154 રન ફટકાર્યા અને ટીમને મેચ જીતાડી હતી. આ પછી તેમને મારા પર વિશ્વાસ આવ્યો અને એમણે મને રમવા દીધો…’ આટલું મોડું રમવાનું શરૂ કર્યું તો કઈ રીતે ટ્રેનિંગ કરી..? 17 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કરનાર રુચિત આહીરે પોતાની ક્રિકેટ ટ્રેનિંગ વિશે જણાવ્યું કે, ‘હું સવારે ટ્રેનિંગ કરું અને બપોર પછી જીમ અને કંડિશનીંગ કરું છું. એટલે હું સવારના 6 કલાક ક્રિકેટની ટ્રેનિંગ કરું છું અને ડાયેટ લઈને પછી જીમ કરું છું. ડાયેટ પ્લાનની વાત કરું તો મારો ડાયટિશિયન છે, તેમણે મને ડાયેટ પ્લાન આપ્યો છે. તો એને ફોલો કરું છું.’ MIના દિગ્ગજો સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યું મુંબઈના ડ્રેસિંગ રૂમમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા કે જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજો સાથે પહેલી મુલાકાત કેવી રહી?..આના જવાબમાં રુચિતે કહ્યું, ‘હું પહેલીવાર મળ્યો એટલે આટલા લેજન્ડની વચ્ચે રમવું એ જ બોવ મોટી વાત છે... એટલે શરૂઆતમાં હું ઘણો જ નર્વસ હતો. પણ એ લોકો જ ઘણા નમ્ર રીતે વર્તતા હતા અને પછી બધું પૂછ્યું... એટલે પછી મને લાગ્યું કે હું તેમની સાથે અમુક વાતો કરી શકું છું... મેં તેમને માઇન્ડસેટ વિશે પૂછ્યું. એટલે તેમણે મારી સાથે બેસીને વાત કરી, મને સમજાવ્યો... મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું.’ મુંબઈની ટીમ પાસેથી મને ઘણું શીખવા મળ્યું મુંબઈ ઈન્ડિયન્સ પોતાના 'વિનિંગ કલ્ચર' અને ચેમ્પિયન માઇન્ડસેટ માટે જાણીતી છે. આ માહોલમાં આવ્યા પછી તમને આ ટીમની કઈ બાબત સૌથી અલગ લાગી?..તો રુચિતે આ બાબતે જણાવ્યું, ‘આ વખતે મુંબઈનો ટાઇમ અઘરો રહ્યો છે. છતાં પણ તેમની એબિલિટીને બેક કરીને તેમની જીતવાની જે જીદ હોય છે, એના પર જ રમતા હતા.. એવું નહોતું કે ટુર્નામેન્ટની બહાર નીકળી ગયા તો પછી સાવ કેઝ્યુઅલી રમતા હતા. તેમણે છેલ્લી મેચ સુધી ટીમનો ઇન્ટેન્ટ હાઈ રહ્યો હતો.. હું જ્યારે છેલ્લી મેચ માટે જોડાયો, ત્યારે પણ એ લોકોએ ગ્રાઉન્ડ પર 100% આપ્યું... મને એ વાત શીખવા મળી કે ગેમમાં ભલે ક્યાંય આગળ જઈ શકવાના નહોતા, છતાંય ટીમે પોતાનું 100% આપ્યું છે.’ રવીન્દ્ર જાડેજાને મળ્યો, બાપુએ વખાણ કર્યા રુચિત આહીર મુંબઈ માટે સિલેક્ટ થયો, ત્યારે તેમની છેલ્લી લીગ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે હતી. તો હાલ રવીન્દ્ર જાડેજા રાજસ્થાન તરફથી રમતો હોય, ત્યારે સૌરાષ્ટ્રના જ ટીમ-મેટ મળ્યા હતા. ત્યારે રુચિતે જાડેજા સાથે વાત કરી. રુચિતે જડ્ડુ વિશે જણાવ્યું, ‘એમને ખ્યાલ હતો કે હું સિલેક્ટ થયો છું, એટલે હું ત્યારે મળ્યો, તો તેમણે મને અભિનંદન આપ્યા. તેમણે એમ પણ કહ્યું કે સારું છે કે આપણા સ્ટેટના છોકરાઓ આટલા બધા આગળ આવે છે. તારી મહેનત પણ ઘણી છે. વિજય હઝારેમાં અમે બન્ને સાથે જ રમ્યા હતા. એટલે તેમણે કહ્યું પણ ખરા કે તું ત્યારે સતત સારું રમતો હતો અને અંતે તને તેનું ફળ મળ્યું. સૌરાષ્ટ્રના ટીમ-મેટ સાથે પણ કૉલ અને ટેક્સ્ટ આવ્યા અને મને અભિનંદન આપ્યા હતા.’ એકને એક શોટ રિપિટ કરીને કરીને જ હિટિંગ શીખ્યો રુચિત છેલ્લી બે સીઝનથી સૌરાષ્ટ્રની સિનિયર ડોમેસ્ટિક ટીમમાં રમે છે. ત્યારે ડેબ્યૂ સીઝન અને ગત સીઝનમાં તેની હિટિંગ અને સ્ટ્રાઈક રેટના ગુજરાતમાં તો ખરા પણ સોશિયલ મીડિયામાં પણ જોરદાર ચર્ચાઓ થતી રહેતી હોય છે. આ વખતના ઓક્શનમાં જ્યારે રુચિત અનસોલ્ડ ગયો, ત્યારે તેની રમતને જોયેલા ઘણાને આંચકો લાગ્યો. તેના ડોમેસ્ટિકની સ્ટ્રાઈક રેટ અને હિટિંગ એબિલિટી વિશે વાત કરતા કહ્યું, મારા કોચ નીરજભાઈ છે. એમણે મને આમાં ઘણી હેલ્પ કરી છે. એમની સાથે હું છેલ્લા 4 વર્ષથી કામ કરું છું. એટલે આ બધું મને સતત એક ને એક શોટ્સ રમાડી-રમાડીને જ આ એબિલિટીને ડેવલોપ કરી છે.’ ‘SPLમાં રમવાનું પણ પ્રેશર લાગે છે…’ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ વિશે રુચિતે જણાવ્યું કે, ‘IPLમાં રમવા કે ડોમેસ્ટિકમાં રમવા માટે SPL એ એક બોવ મોટું પ્લેટફોર્મ છે. અહીંથી તમે ઘણા ઝડપથી હાઇલાઇટ થાવ છો. આ ટુર્નામેન્ટ બધા માટે ઘણી હેલ્પફૂલ રહે છે. અહીં પણ બધાનું ધ્યાન રહે છે. એટલે પ્રેશર તો હોય જ છે. એટલે અહીં સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં રમવું એ પણ ગર્વની જ વાત કહેવાય.’ રુચિત આહીરનો ફેવરિટ પ્લેયર કોણ? રુચિત આહીર વિકેટકીપર બેટર છે. ત્યારે તેનો ફેવરિટ પ્લેયર કોણ છે, તો તેનો જવાબ હતો વિકેટકીપર-બેટર એમ એસ ધોની. તેણે વધુમાં જણાવ્યું કે ધોની જે રીતના યંગ પ્લેયર્સ પર ભરોસો રાખે છે…તેમને જે રીતના રમાડે છે.. બસ..આ જ કારણે તે તેનો ફેન છે. રુચિતની સ્ટ્રાઈક રેટથી લાઇમ લાઇટમાં આવ્યો સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક રમતા રુચિત આહીર છેલ્લી બે સીઝનથી રમે છે. તે લોઅર ઓર્ડરમાં બેટિંગ કરે છે. વિકેટકીપર-બેટર રુચિત પહેલી સીઝનથી જ લાઇમ લાઇટમાં આવી ગયો હતો. તેની હિટિંગ એબિલિટીની ચારેકોર વાતો થાય છે. રુચિતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અત્યાર સુધી રમેલી 12 મેચમાં 169.03ની સ્ટ્રાઈક રેટથી 333 રન ફટકાર્યા છે. જેમાં તેની બાઉન્ડરીની વાત કરીએ તો 15 ચોગ્ગા અને 25 છગ્ગા ફટકાર્યા છે. તેના લિસ્ટ-A કરિયરની વાત કરીએ તો તેણે 16 મેચમાં 40ની એવરેજથી 360 રન બનાવ્યા છે. જેમાં તેણે બે ફિફ્ટી પણ ફટકારી છે. આ ઉપરાંત તેનો હાઇએસ્ટ સ્કોર નોટઆઉટ 95 રન પણ છે. આમ, તેની વિસ્ફોટક બેટિંગથી સૌરાષ્ટ્રને તો ફાયદો થયો છે. ત્યારે હવે તે આવતી સીઝનથી કદાચ મુંબઈ માટે પણ આવી જ તોફાની બેટિંગ કરે તો નવાઈ નહીં..!
Read Original Article →