કોલકાતા-દિલ્હી વચ્ચે IPL સીઝનની છેલ્લી લીગ મેચ રમાશે:બંને પાસે પ્લેઑફમાં જવાની છેલ્લી તક; રઘુવંશી બહાર, ચક્રવર્તીના રમવા પર સસ્પેન્સ
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રવિવારની બીજી મેચ રમાશે. આ આ સીઝનની છેલ્લી લીગ મેચ પણ છે. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. આ મેચમાં બંને ટીમ પાસે પ્લેઑફમાં પહોંચવાની છેલ્લી તક છે. કોલકાતા 13 મેચમાં 13 પોઇન્ટ્સ સાથે છઠ્ઠા અને દિલ્હી 13 મેચમાં 12 પોઇન્ટ્સ સાથે આઠમા સ્થાને છે. હેડ-ટુ-હેડ રેકોર્ડ કોલકાતાનું પલડું ભારે કોલકાતા અને દિલ્હી વચ્ચે 35 મેચ રમાય છે. જેમાં કોલકાતાનું પલડું ભારે રહ્યું છે. ટીમે 20 મેચ જીતી છે, જ્યારે દિલ્હીને 14 મેચમાં જીત મળી છે. એક મેચ ટાઈ રહી છે. બન્ને ટીમના ટૉપ પ્લેયર્સ ટૉપ સ્કોરર રઘુવંશી બહાર, એલન પાસેથી આશા કોલકાતા તરફથી આ સીઝનમાં સૌથી વધુ 422 રન અંગક્રિશ રઘુવંશીએ બનાવ્યા છે, પરંતુ તે ઈજાના કારણે બાકીની આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. તેની ગેરહાજરીમાં ટીમને ફિન એલન પાસેથી આશાઓ રહેશે. એલન 10 મેચમાં એક સદી અને એક ફિફ્ટીની મદદથી 329 રન બનાવી ચૂક્યો છે. કાર્તિક ત્યાગીએ ટીમ તરફથી સૌથી વધુ વિકેટ ઝડપી છે. તેના નામે 18 વિકેટ છે. મથીશા પથિરાનાએ ઈજાના કારણે મોડી વાપસી કરી છે. હર્ષિત રાણા અને આકાશ દીપ પણ ઈજાના કારણે પહેલા જ બહાર થઈ ચૂક્યા છે. ફ્રેન્ચાઈઝીએ મુસ્તફિઝુર રહેમાનને IPL શરૂ થતા પહેલા જ બહાર કરી દીધો હતો. દિલ્હીની બેટિંગ કેએલ રાહુલ પર નિર્ભર આ સીઝનમાં દિલ્હીની બેટિંગ કેએલ રાહુલ પર નિર્ભર રહી છે. ટીમના ટૉપ સ્કોરર રાહુલે 13 મેચમાં એક સદી અને 4 ફિફ્ટીની મદદથી 533 રન બનાવ્યા છે. પથુમ નિસાંકા (278 રન), ટ્રિસ્ટન સ્ટબ્સ (275 રન) અને સમીર રિઝવી (252 રન)એ કેટલીક તકો પર યોગદાન આપ્યું છે. પરંતુ, ત્રણેયમાં સાતત્યનો અભાવ રહ્યો છે. બોલિંગમાં કેપ્ટન અક્ષર પટેલ (10 વિકેટ) અને કુલદીપ યાદવ (7 વિકેટ)ની સ્પિન જોડી ખાસ પ્રભાવ છોડી શકી નથી. ટુર્નામેન્ટમાં મોડા આવેલા મિચેલ સ્ટાર્કે ચોક્કસપણે પ્રભાવિત કર્યા છે. તે 5 મેચમાં 9 વિકેટ ઝડપી ચૂક્યો છે. પીચ એન્ડ વેધર રિપોર્ટ સામાન્ય રીતે ઈડન ગાર્ડન્સની પીચ બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે. અહીં આઉટફિલ્ડ ઝડપી છે અને બાઉન્ડરી નાની છે. આવી સ્થિતિમાં ઝડપથી રન બને છે. ઝાકળના કારણે ટૉસ જીતનારી ટીમ બોલિંગ પસંદ કરી શકે છે. મેચ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે. વાદળોના કારણે ફાસ્ટ બોલરોને વધુ સ્વિંગ મળશે, જેનાથી બેટર્સની મુશ્કેલીઓ વધી શકે છે. બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, મનીષ પાંડે, કેમરૂન ગ્રીન, રોવમેન પોવેલ, રિંકુ સિંહ, તેજસ્વી દહિયા (વિકેટકીપર), અનુકુલ રોય, સુનીલ નારાયણ, કાર્તિક ત્યાગી અને સૌરભ દુબે. દિલ્હી કેપિટલ્સ (DC): અભિષેક પોરેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), સાહિલ પરખ, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, આશુતોષ શર્મા, માધવ તિવારી, મિચેલ સ્ટાર્ક, લુંગી એન્ગિડી અને ત્રિપુર્ણા વિજય.
Read Original Article →