આવી IPL પહેલાં ક્યારેય નહીં જોઈ હોય!:બેટર મસ્ત, બોલર્સ ત્રસ્ત...પહેલીવાર 1300 છગ્ગા લાગ્યા; સીઝનમાં 61 વખત 200+નો સ્કોર, 16 વખત ચેઝ પણ થયો

Sports5/26/2026, 4:37:58 AM
આવી IPL પહેલાં ક્યારેય નહીં જોઈ હોય!:બેટર મસ્ત, બોલર્સ ત્રસ્ત...પહેલીવાર 1300 છગ્ગા લાગ્યા; સીઝનમાં 61 વખત 200+નો સ્કોર, 16 વખત ચેઝ પણ થયો
લીગ સ્ટેજ પૂરો થતાં-થતાં IPL 2026 રનરેટ, સિક્સર્સ અને 200થી ઉપરના સ્કોરના મામલામાં અત્યાર સુધીની સૌથી મોટી સીઝન બની ગઈ છે. 70 મેચોમાં જ 61 વખત 200 કે તેથી વધુનો સ્કોર બની ચૂક્યો છે. શરૂઆતની 9 સીઝન- 2008થી 2016 સુધી રમાયેલી 538 મેચોમાં માત્ર 57 વખત જ 200+નો સ્કોર બન્યો હતો. આગળ આવા જ 8 ટ્રેન્ડ્સ વિશે વિગતવાર જાણો, જે સાબિત કરે છે કે આવો IPL અત્યાર સુધી થયો નથી… 1. સૌથી ઝડપી રનરેટવાળી સીઝન આ સીઝનનો ઓવરઓલ રનરેટ 9.85 રહ્યો, જે IPL ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ છે. આ પહેલા 2025માં રનરેટ 9.62 અને 2024માં 9.56 હતો. રસપ્રદ વાત એ છે કે 2022 સુધી કોઈ પણ સીઝનનો રનરેટ 9 સુધી પહોંચ્યો ન હતો. 2008માં IPLનો રનરેટ 8.30 હતો, એટલે કે 18 વર્ષમાં બેટિંગની ગતિ લગભગ દોઢ રન પ્રતિ ઓવર વધી ગઈ છે. 2. 61 વખત 200+ સ્કોર બન્યો, મોટા ટાર્ગેટ પણ હવે સુરક્ષિત નથી IPL 2025 માં 52 વખત 200+ સ્કોર બન્યો હતો, પરંતુ 2026માં આ આંકડો વધીને 61 સુધી પહોંચી ગયો. આ IPL ઇતિહાસમાં કોઈ એક સીઝનમાં સૌથી વધુ 200+ ટોટલ છે. ખાસ વાત એ છે કે 2022 સુધી કોઈ પણ સીઝનમાં 20થી વધુ વખત 200+ સ્કોર બન્યો નહતો. આ સીઝનમાં માત્ર મોટા સ્કોર જ બન્યા નથી, પરંતુ મોટા ટાર્ગેટ ચેઝ કરવા પણ સામાન્ય બની ગયું. IPL 2026 માં 16 વખત 200+ રનચેઝ થયો, જે કોઈ પણ સીઝનમાં સૌથી વધુ છે. આ પહેલા 2025 માં 9 અને 2023માં 8 વખત આવું થયું હતું. સૌથી મોટો બદલાવ 220+ ટાર્ગેટ ચેઝમાં જોવા મળ્યો. આ સીઝનમાં 220 કે તેથી વધુનો સ્કોર 9 વખત ચેઝ થયો, જ્યારે IPLની અગાઉની 18 સીઝન મળીને આવું માત્ર 5 વખત થયું હતું. આ સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સે સૌથી વધુ 9-9 વખત 200+ સ્કોર બનાવ્યો, જે કોઈ એક T-20 ટુર્નામેન્ટમાં કોઈ ટીમ દ્વારા સૌથી વધુ છે. 3. પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર અને વિનિંગ ટોટલ રેકોર્ડ સ્તર પર IPL 2026 માત્ર રનરેટ અને 200+ સ્કોરના મામલે જ નહીં, પરંતુ સરેરાશ સ્કોરિંગમાં પણ સૌથી આગળ નીકળી ગયું. આ સીઝનમાં પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 192 રહ્યો, જે IPL ઇતિહાસમાં સૌથી વધુ છે. આ પહેલા 2025માં તે 191 અને 2024માં 190 હતો. સૌથી મોટો બદલાવ વિનિંગ ટોટલમાં જોવા મળ્યો. IPL 2026માં જીતનારી ટીમનો સરેરાશ સ્કોર 217 રહ્યો, જે IPL ઇતિહાસમાં પહેલીવાર 215ને પાર પહોંચ્યો. આ પહેલા 2025માં તે 211 અને 2024માં 211 હતો. રસપ્રદ વાત એ છે કે 2022 સુધી કોઈપણ સીઝનમાં સરેરાશ વિનિંગ સ્કોર 200 સુધી પહોંચ્યો ન હતો. આ સીઝનનો સૌથી મોટો ટોટલ પંજાબ કિંગ્સના નામે છે. ટીમે દિલ્હી સામે 265/4નો સ્કોર બનાવ્યો હતો. આ IPLનો સૌથી મોટો રનચેઝ પણ છે. 4. સદીઓમાં રેકોર્ડની બરાબરી, હજુ 4 મેચ બાકી આ સીઝનની લીગ મેચોમાં અત્યાર સુધીમાં 14 સદી ફટકારાઈ ચૂકી છે. આ એક સીઝનમાં સૌથી વધુ સદીના રેકોર્ડની બરાબરી છે. આ પહેલા 2024માં પણ 14 સદી બની હતી. હજુ IPL 2026માં પ્લેઓફની મેચો થવાની છે. આવી સ્થિતિમાં, આ રેકોર્ડ પણ તૂટી જવાની આશા છે. 2022 સુધીમાં કોઈપણ સીઝનમાં 10થી વધુ સદી ફટકારાઈ ન હતી. 5. દર 12મી બોલ પર સિક્સ 2025માં 1294 અને 2024માં 1260 સિક્સર લાગી હતી, પરંતુ 2026એ આ બંને રેકોર્ડને પાછળ છોડી દીધા છે. આ સીઝનમાં અત્યાર સુધીમાં 1349 છગ્ગા લાગી ચૂક્યા છે. સૌથી મોટો બદલાવ સિક્સર મારવાની ફ્રીક્વન્સીમાં જોવા મળ્યો. આ સીઝનમાં લગભગ દર 12 બોલે એક સિક્સર લાગી, જે IPL ઇતિહાસમાં સૌથી ઝડપી છે. 2009માં જ્યાં એક સિક્સર માટે સરેરાશ 26 બોલ લાગતા હતા, ત્યાં હવે બેટ્સમેન લગભગ દર બે ઓવરમાં એક સિક્સર મારી રહ્યા છે. આ સીઝનમાં પંજાબ કિંગ્સે લીગ સ્ટેજમાં સૌથી વધુ 163 સિક્સર ફટકારી, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે 162 સિક્સર ફટકારી. IPL ઇતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ 178 સિક્સરનો રેકોર્ડ હૈદરાબાદના નામે છે, જેને ટીમ પ્લેઓફમાં તોડી શકે છે. 6. પહેલીવાર પાવરપ્લેમાં રનરેટ 10થી ઉપર પહોંચ્યો IPL ઇતિહાસમાં પ્રથમ વખત પાવરપ્લે (1-6 ઓવર) નો રનરેટ 10 ને પાર કરી ગયો. આ પહેલા 2025 માં તે 9.60 અને 2024 માં 9.47 હતો. 2022 સુધી કોઈપણ સીઝનમાં પાવરપ્લે રનરેટ 9 સુધી પહોંચ્યો ન હતો. આ સીઝનનો હાઈએસ્ટ પાવરપ્લે ટોટલ પંજાબ કિંગ્સના નામે છે. ટીમે દિલ્હી સામે શરૂઆતની 6 ઓવરમાં 116 રન બનાવ્યા હતા. 7. બોલરોની ખરાબ હાલત, પેસર્સ-સ્પિનર્સ બંને ધોવાયા IPL 2026 નો હાઈ સ્કોરિંગ ટ્રેન્ડ બોલરો પર સૌથી ભારે પડ્યો. આ સીઝન સ્પિનર્સ અને પેસર્સ, બંને માટે સૌથી મોંઘી સાબિત થઈ. સ્પિન બોલરોએ 9.26 ની ઇકોનોમીથી રન આપ્યા, જે IPL ઇતિહાસમાં સૌથી વધુ છે. આ પહેલા 2025 માં આ આંકડો 8.86 અને 2024 માં 8.68 હતો. ફાસ્ટ બોલરોની સ્થિતિ પણ બહુ અલગ નહોતી. IPL 2026માં પેસર્સની ઇકોનોમી 9.94 રહી. આ IPL ઇતિહાસમાં સૌથી ખરાબ છે. આ પહેલા 2025માં પેસર્સની ઇકોનોમી 9.90 અને 2024માં 9.78 હતી. આ સીઝનમાં લીગ સ્ટેજના ટોપ-10 વિકેટ લેનારાઓમાં માત્ર બે સ્પિનરો સામેલ છે- રાશિદ ખાન (19 વિકેટ) અને સુનીલ નારાયણ (15 વિકેટ). ગુજરાતના પ્લેઓફમાં પહોંચવાને કારણે એવી સંભાવના છે કે સીઝન પૂરી થાય ત્યાં સુધી રાશિદ જ ટોપ-10માં એકમાત્ર સ્પિનર ​​બચશે. આ પહેલા આવું માત્ર 2016માં થયું હતું, જ્યારે યુઝવેન્દ્ર ચહલ ટોપ-10માં સામેલ એકમાત્ર સ્પિનર ​​હતો. 8. ફિલ્ડિંગના દબાણમાં, 169 કેચ છૂટ્યા હાઈ-સ્કોરિંગ ક્રિકેટની અસર માત્ર બોલરો પર જ નહીં, પરંતુ ફિલ્ડિંગ પર પણ સ્પષ્ટપણે જોવા મળી. IPL 2025માં રેકોર્ડ 188 કેચ છોડવામાં આવ્યા હતા, જ્યારે 2026માં આ સંખ્યા 169 રહી. 2022 પછી સતત દરેક સીઝનમાં 148થી વધુ કેચ છૂટ્યા છે. ટીમોના હિસાબે જોઈએ તો આ સીઝનમાં સૌથી ખરાબ ફિલ્ડિંગ રેકોર્ડ હૈદરાબાદનો રહ્યો. ટીમે સૌથી વધુ 26 કેચ છોડ્યા. ત્યારબાદ પંજાબ અને ચેન્નાઈએ 20-20 કેચ છોડ્યા. --------------------------------------------------- IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો… IPLની ક્વોલિફાયર-1 આજે, બેંગલુરુ-ગુજરાત વચ્ચે મેચ:જીતનારી ટીમને સીધી ફાઈનલની ટિકિટ મળશે PL 2026ના ક્વોલિફાયર-1માં મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) આમને-સામને ટકરાશે. આ મેચ ધર્મશાલામાં રમાશે. જે ટીમ જીતશે તે સીધી ફાઈનલમાં પહોંચશે. જોકે, મેચના દિવસે 80% વરસાદ પડવાની આશંકા છે. વાંચો પૂરા સમાચાર
Read Original Article →