એક વર્ષમાં 1788 ડોમેસ્ટિક ક્રિકેટ મેચ રમાશે:ઑગસ્ટમાં દિલીપ ટ્રોફીથી સીઝનની શરૂઆત; રણજી ટ્રોફી ફરી બે તબક્કામાં રમાશે
ભારતના આગામી ડોમેસ્ટિક ક્રિકેટ સીઝનમાં 1788 મેચ રમાશે. 23 ઓગસ્ટે દલીપ ટ્રોફીની મેચથી સીઝનની શરૂઆત થશે. BCCIએ ગુરુવારે આ માહિતી આપી. દલીપ ટ્રોફી પછી 1 ઓક્ટોબરથી ઈરાની કપ રમાશે. તેમાં રણજી ટ્રોફીની ડિફેન્ડિંગ ચેમ્પિયન જમ્મુ-કાશ્મીરની ટીમ રેસ્ટ ઑફ ઇન્ડિયા સામે ટકરાશે. રણજી ટ્રોફી 11 ઓક્ટોબરથી શરૂ થશે રણજી ટ્રોફી આ વખતે પણ બે તબક્કામાં રમાશે. પ્રથમ તબક્કો ઓક્ટોબર-નવેમ્બર 2026માં અને બીજો તબક્કો જાન્યુઆરી-ફેબ્રુઆરી 2027માં યોજાશે. રણજીમાં 32 ટીમનો એલિટ ગ્રુપ અને 6 ટીમનો પ્લેટ ગ્રુપ રહેશે. આ દરમિયાન વચ્ચે સિનિયર મેન્સ T20 (સૈયદ મુશ્તાક અલી) અને વન-ડે (વિજય હઝારે) ટ્રોફી રમાશે. T20 ટ્રોફીથી મહિલા ડોમેસ્ટિક સીઝન શરૂ થશે મહિલાઓની ડોમેસ્ટિક સીઝન ઓક્ટોબર-નવેમ્બરમાં સિનિયર મહિલા T20 ટ્રોફીથી શરૂ થશે. ત્યારબાદ ઇન્ટર-ઝોનલ ટ્રોફી અને વન-ડે ટ્રોફી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી રમાશે. અંડર-એજ ટુર્નામેન્ટ નવેમ્બરથી જાન્યુઆરી સુધી ચાલશે. સીકે નાયડુની વિજેતા ટીમ ‘રેસ્ટ ઓફ ઇન્ડિયા’ સામે રમશે આ સીઝનમાં એક નવી મેચ ઉમેરવામાં આવી છે. સીકે નાયડુ ટ્રોફીની વિજેતા ટીમ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રમશે. આનાથી ઉભરતા અંડર-23 ખેલાડીઓને વધુ સારું મંચ મળશે. પુરુષ અંડર-23 સ્ટેટ એ ટ્રોફી અને યુનિવર્સિટી લેવલ પર રમાતી ‘વિઝી ટ્રોફી’ને હવે વનડેને બદલે ટી-20 ફોર્મેટમાં રમાશે. હવામાનને ધ્યાનમાં રાખીને શેડ્યૂલમાં ફેરફાર જાન્યુઆરીમાં કેટલાક વિસ્તારોના હવામાનને ધ્યાનમાં રાખીને, અંડર-19 કૂચ બિહાર ટ્રોફી (એલિટ ગ્રુપ)ની તમામ મેચ બેંગલુરુ અને મૈસૂરમાં રમાશે. અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીને નવેમ્બર-જાન્યુઆરીમાં ખસેડવામાં આવી છે.
Read Original Article →