અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ-11 શું હશે?:હર્ષ દુબે-માનવ સુથાર ડેબ્યૂ કરી શકે; નંબર-3 પર કોને રમાડવો એ કેપ્ટન-કોચ માટે માથાનો દુખાવો
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ 6 જૂનથી ન્યૂ ચંદીગઢમાં રમાશે. ભારતીય ટીમ લગભગ 6 મહિના પછી કોઈ ટેસ્ટ મેચ રમશે. આ મેચમાં ભારતના બે ખેલાડીઓ ડેબ્યૂ કરી શકે છે. તેમજ, ત્રીજા સ્પિનરને લઈને કેપ્ટન શુભમન ગિલ સામે કેટલાક મોટા સવાલો પણ છે. સ્ટોરીમાં આગળ જાણીશું કે આ ટેસ્ટ મેચમાં ભારતની પ્લેઇંગ-11 શું હોઈ શકે છે. ઓપનિંગમાં રાહુલ-જયસ્વાલની જોડી યશસ્વી જયસ્વાલ અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળશે. રાહુલે ગયા વર્ષે ઇંગ્લેન્ડ સામે 5 મેચમાં 539 રન બનાવ્યા હતા. તેનું તાજેતરનું ફોર્મ પણ શાનદાર રહ્યું છે. આ સીઝનની IPLમાં તેણે દિલ્હી કેપિટલ્સ માટે 593 રન બનાવ્યા હતા. બીજી તરફ, જયસ્વાલે રાજસ્થાન રોયલ્સ માટે 427 રન બનાવ્યા. તેણે સીઝન દરમિયાન કેટલીક મેચમાં ટીમની કેપ્ટનશીપ પણ કરી હતી. સાઈ સુદર્શનને નંબર-3 પર તક મળી શકે નંબર-3 માટે સાઈ સુદર્શન અને દેવદત્ત પડિકલ વચ્ચે મુકાબલો છે. જોકે તાજેતરનું ફોર્મ અને આજે પ્રેસ કોન્ફરન્સમાં હેડ કોચ ગૌતમ ગંભીરે પણ કહ્યું કે સાઈ સુદર્શનને ત્રીજા નંબરે બેટિંગ કરવાની યોગ્ય તક મળી નથી અને તેમણે સંકેત આપ્યો હતો કે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ પહેલા દેવદત્ત પડિકલની સરખામણીએ આ લેફ્ટી બેટરને પ્રાધાન્ય આપવામાં આવશે. તેનાથી હવે તેનું રમવું નિશ્ચિત મનાઈ રહ્યું છે. જોકે IPL 2026માં 722 રન બનાવનાર સાઈ સુદર્શન ટેસ્ટ ક્રિકેટમાં હજુ સુધી પોતાને સાબિત કરી શક્યો નથી. તેણે 6 ટેસ્ટમાં 302 રન બનાવ્યા છે. બીજી તરફ, કર્ણાટકના કેપ્ટન પડિકલે ગત રણજી સીઝનમાં 5 મેચમાં 532 રન બનાવ્યા હતા, જેમાં ઉત્તરાખંડ સામે 232 રનની ઇનિંગ્સ પણ સામેલ હતી. જ્યારે કેપ્ટન શુભમન ગિલ નંબર-4 પર બેટિંગ કરશે. પંત પર નજર રહેશે રિષભ પંત નંબર-5 પર બેટિંગ કરશે. પંત માટે IPL 2026 તેની કારકિર્દીની સૌથી ખરાબ સીઝનમાંથી એક રહી. તેણે લખનઉ સુપર જાયન્ટ્સ માટે 312 રન બનાવ્યા. ખરાબ પ્રદર્શન બાદ તેની પાસેથી ટેસ્ટ ટીમની વાઇસ કેપ્ટનશીપ પણ પાછી ખેંચી લેવામાં આવી અને આ જવાબદારી કેએલ રાહુલને સોંપવામાં આવી. જોકે, ટેસ્ટ ક્રિકેટમાં પંતનો રેકોર્ડ હજુ પણ શાનદાર છે. 2018માં ડેબ્યૂ કર્યા પછી ભારત માટે કોઈ પણ બેટરે તેનાથી વધુ ટેસ્ટ રન બનાવ્યા નથી. ગયા વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસ પર તેણે 68.43ની સરેરાશથી 479 રન બનાવ્યા હતા અને આ જ પ્રદર્શનના આધારે તેને વિઝડનના ફાઇવ ક્રિકેટર્સ ઓફ ધ યરમાં પસંદ કર્યો હતો. સુંદર-નીતિશ સંભાળશે ઓલરાઉન્ડરની જવાબદારી વોશિંગ્ટન સુંદર અને નીતિશ કુમાર રેડ્ડી ટીમના બે મુખ્ય ઓલરાઉન્ડર હશે. સુંદરે છેલ્લી ટેસ્ટ સિરીઝમાં સાઉથ આફ્રિકા સામે નંબર-3 પર બેટિંગ પણ કરી હતી. જ્યારે, નીતિશ કુમાર રેડ્ડી સતત પોતાની બોલિંગમાં સુધારો કરી રહ્યો છે. IPL 2026માં તેણે 135 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરી હતી. તેની હાજરી ટીમને વધારાનો ઝડપી બોલિંગનો વિકલ્પ પણ આપશે. હર્ષ કે માનવ કરી શકે છે ડેબ્યૂ રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને આરામ આપ્યા બાદ ભારતને લેફ્ટ આર્મ સ્પિન ઓલરાઉન્ડરની શોધ છે. વિદર્ભના હર્ષ દુબે અને રાજસ્થાનના માનવ સુથારમાંથી કોઈ એકને ટેસ્ટ ડેબ્યૂની તક મળી શકે છે. હર્ષ દુબેએ રણજી ટ્રોફી 2024-25માં સૌથી વધુ 69 વિકેટ લઈને વિદર્ભને ચેમ્પિયન બનાવ્યું હતું. માનવ સુથાર લાંબા સમયથી ઈન્ડિયા-Aનો ભાગ રહ્યો છે. ટીમના આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોશેટે પણ જણાવ્યું છે કે દુબે કે સુથારમાંથી એક ખેલાડી પ્લેઇંગ-11નો ભાગ બની શકે છે. પ્રસિદ્ધ-ગુરનૂરમાં બીજા પેસરની જંગ જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવતા સિરાજ પેસ બોલરોનું નેતૃત્વ કરશે. બીજા ઝડપી બોલર તરીકે પ્રસિદ્ધ ક્રિષ્ના મજબૂત દાવેદાર છે. પંજાબના ગુરનૂર બરાર પણ આ રેસમાં છે. ગુરનૂરે શેર-એ-પંજાબ T20 લીગમાં સૌથી વધુ 22 વિકેટ લીધી હતી. ગ્રાફિકમાં જુઓ ભારતની સંભવિત પ્લેઇંગ-11 શાહિદી અફઘાનિસ્તાનની કેપ્ટનશીપ કરશે અફઘાનિસ્તાન ટીમની કમાન હશમતુલ્લાહ શાહિદી સંભાળશે. ટીમમાં અબ્દુલ મલિક, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ અને વિકેટકીપર રહેમાનુલ્લાહ ગુરબાઝ બેટિંગની જવાબદારી નિભાવી શકે છે. ઓલરાઉન્ડર તરીકે અઝમતુલ્લાહ ઓમરઝાઈ, અફસર ઝઝાઈ અને શરાફુદ્દીન અશરફને તક મળી શકે છે. અફઘાનિસ્તાનની સંભવિત પ્લેઇંગ-11 હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અબ્દુલ મલિક, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), અઝમતુલ્લાહ ઓમરઝાઈ, અફસર ઝઝાઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેયાલિયા ખારોટે, કાયસ અહેમદ અને બિલાલ સામી. અન્ય વિકલ્પો: ઇકરામ અલીખિલ, રહેમાનુલ્લાહ ઝાદરાન, ઝિયા શરીફી અને સલીમ સફી. ટેસ્ટ બાદ 3 વન-ડે રમાશે ટેસ્ટ બાદ બંને ટીમ વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝ રમાશે. પહેલી વન-ડે 14 જૂને ધર્મશાલામાં, બીજી 17 જૂને લખનઉમાં અને ત્રીજી 20 જૂને ચેન્નઈમાં રમાશે. ત્રણેય વન-ડે મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.
Read Original Article →