ઇંગ્લેન્ડનો બ્રુક નંબર-1 ટેસ્ટ બેટર:જો રૂટને પાછળ છોડ્યો, ગિલ આઠમા નંબરે પહોંચ્યો; બોલર્સમાં બુમરાહ ટોચ પર
ઇંગ્લેન્ડનો હેરી બ્રુક ICC ટેસ્ટ બેટર રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયા છે. તેમણે પોતાની કારકિર્દીમાં બીજી વખત આ સ્થાન હાંસલ કર્યું છે. બુધવારે જાહેર થયેલી રેન્કિંગમાં તેણે ઇંગ્લેન્ડના જ જો રૂટને પાછળ છોડ્યો. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ બીજા અને જો રૂટ ત્રીજા સ્થાને સરકી ગયા છે. ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને બે સ્થાનનો ફાયદો થયો છે. તે આઠમા સ્થાને પહોંચી ગયો છે. તેણે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં 126 રનની ઇનિંગ રમી હતી. બ્રુકને ફિફ્ટીનો ફાયદો મળ્યો ન્યૂઝીલેન્ડ સામે લોર્ડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં બ્રુકે ફિફ્ટી ફટકારી હતી. ઇંગ્લેન્ડે આ મેચ 115 રનથી જીતી. આ પ્રદર્શનનો ફાયદો બ્રુકને રેન્કિંગમાં મળ્યો. ડિસેમ્બર 2024માં પણ હેરી બ્રુક પહેલીવાર નંબર-1 ટેસ્ટ બેટર બન્યો હતો. ટ્રેવિસ હેડ બીજા સ્થાને પહોંચ્યો લૉર્ડ્સ ટેસ્ટમાં જો રૂટનું બેટ શાંત રહ્યું હતું. તે બંને ઇનિંગ્સમાં માત્ર 1 અને 8 રન જ બનાવી શક્યો હતો. આ પ્રદર્શનના કારણે રૂટ ત્રીજા સ્થાને સરકી ગયો છે. ઓસ્ટ્રેલિયન બેટર ટ્રેવિસ હેડ હવે વિશ્વનો બીજા નંબરનો ટેસ્ટ બેટર બની ગયો છે. ભારતીય સ્ટાર શુભમન ગિલને બે સ્થાનનો ફાયદો લેટેસ્ટ રેન્કિંગમાં ભારતીય બેટર્સને પણ ફાયદો થયો છે. અફઘાનિસ્તાન સામે સદી ફટકારનાર શુભમન ગિલ બે સ્થાન ઉપર ચઢીને આઠમા સ્થાને પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડનો બેન ડકેટ ત્રણ સ્થાનના સુધારા સાથે 15મા નંબર પર આવી ગયો છે. જેમી સ્મિથ 5 સ્થાન ચઢીને 23મા અને ન્યૂઝીલેન્ડનો ગ્લેન ફિલિપ્સ 15 સ્થાન ચઢીને 40મા નંબર પર પહોંચી ગયો છે. બોલરોમાં ગસ એટકિન્સનની ટૉપ-10માં એન્ટ્રી લૉર્ડ્સ ટેસ્ટની છેલ્લી ઇનિંગ્સમાં 30 રન આપીને 5 વિકેટ લેનાર ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ગસ એટકિન્સનને ફાયદો થયો છે. તે ટેસ્ટ રેન્કિંગમાં 7 સ્થાન ઉપર ચઢીને 10મા સ્થાને પહોંચી ગયો છે. તે ઓલરાઉન્ડર્સની યાદીમાં પણ બે સ્થાનના સુધારા સાથે છઠ્ઠા નંબર પર આવી ગયો છે. લાંબા બ્રેક પછી ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરેલા કાઈલ જેમિસન 22મા અને ઓલી રોબિન્સન 23મા સ્થાને પહોંચી ગયા છે, જ્યારે નાથન સ્મિથ 16 સ્થાન ઉપર ચઢીને 43મા નંબર પર પહોંચી ગયો છે. વન-ડે રેન્કિંગ: પાકિસ્તાનના અબરાર અહેમદ બીજા નંબર પર પહોંચ્યો ICCની તાજેતરની ODI રેન્કિંગમાં પણ મોટા ફેરફારો થયા છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં પાકિસ્તાનના સ્પિનર અબરાર અહેમદે 6 વિકેટ ઝડપી, જેના કારણે તે વન-ડે બોલરોની યાદીમાં બીજા સ્થાને આવી ગયો છે. શાહીન શાહ આફ્રિદી પણ 7 વિકેટ લીધા બાદ ચાર સ્થાન ઉપર ચઢીને નવમા સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાના નાથન એલિસ 13 સ્થાનના સુધારા સાથે 31મા સ્થાને પહોંચી ગયો છે. મીરપુર વન-ડેમાં ઓસ્ટ્રેલિયા સામે 4 વિકેટ લેનાર બાંગ્લાદેશના નાહિદ રાણા 23 સ્થાન ઉપર ચઢીને 24મા સ્થાને પહોંચી ગયો છે. વન-ડે બેટર્સમાં શ્રીલંકાના કુસલ મેન્ડિસ 12મા, જનિથ લિયાનાગે 22મા અને બાંગ્લાદેશના તંઝીદ હસન 33મા સ્થાને પહોંચી ગયા છે.
Read Original Article →