અમદાવાદ આવશે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન?:ICCની મોટી મીટિંગ, મોહસિન નકવીને પણ આમંત્રણ; હજી સુધી ઈન્ડિયાને એશિયા કપની ટ્રોફી નથી આપી

Sports5/16/2026, 11:00:50 AM
અમદાવાદ આવશે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન?:ICCની મોટી મીટિંગ, મોહસિન નકવીને પણ આમંત્રણ; હજી સુધી ઈન્ડિયાને એશિયા કપની ટ્રોફી નથી આપી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ના ફાઈનલ વીકેન્ડ દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની મોટી બેઠક અમદાવાદમાં યોજાવા જઈ રહી છે. 21 મેના રોજ ICC ચીફ એક્ઝિક્યુટિવ્સ કમિટી (CEC)ની વર્ચ્યુઅલ મીટિંગ થશે, જ્યારે 30 અને 31 મેના રોજ ICC બોર્ડની મહત્વની બેઠક અમદાવાદમાં જ આયોજિત કરવામાં આવશે. પરંતુ આ બેઠક પહેલા સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસિન નકવી ભારત આવશે કે નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચેના ખરાબ સંબંધોને જોતા મોહસિન નકવીની હાજરીને લઈને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. સામાન્ય રીતે પીસીબી ચેરમેન આઈસીસી બોર્ડ મીટિંગમાં વ્યક્તિગત રીતે ભાગ લેતા હોય છે, પરંતુ વર્તમાન સંજોગોમાં એ સ્પષ્ટ નથી કે નકવી ભારત આવશે કે ઓનલાઇન જોડાશે. હજુ સુધી ભારત નથી આવી એશિયા કપ ટ્રોફી મોહસિન નકવી ગયા વર્ષે એશિયા કપ ટ્રોફી વિવાદને લઈને ખૂબ ચર્ચામાં રહ્યા હતા. ભારત ચેમ્પિયન બન્યા પછી પણ તેમણે ટ્રોફી અને મેડલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને સોંપ્યા નહોતા. અહેવાલો મુજબ, તે ટ્રોફી હજુ પણ દુબઈ સ્થિત તેમની ઓફિસમાં રાખવામાં આવી છે. મોહસીન નકવીએ બીસીસીઆઈ પાસે માફી માંગવાનો પણ ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે ભારતીય ટીમ દુબઈ આવીને ટ્રોફી લઈ જાય. આ વિવાદ બાદ બીસીસીઆઈ અને પીસીબીના સંબંધોમાં વધુ તણાવ વધી ગયો હતો. જોકે બીસીસીઆઈએ આ મામલો આઈસીસી સમક્ષ ઉઠાવવાની વાત કહી હતી, પરંતુ અત્યાર સુધી આ વિવાદનો કોઈ ઉકેલ આવી શક્યો નથી. જ્યારે નકવીનું કોઈ ક્રિકેટ બેકગ્રાઉન્ડ નથી, તો PCB ચીફ કેવી રીતે બની ગયા? પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં કામો અને ચીફની ચૂંટણીમાં સરકારની સારીએવી દખલગીરી રહે છે. ઘણા પૂર્વ ખેલાડીઓ પણ આ વાતની ફરિયાદ કરી ચૂક્યા છે. સરકાર તે વ્યક્તિને PCB ચીફ બનાવે છે, જે તેમનો નજીકનો હોય, એટલે વધારે પડતા PCB ચીફ રાજકીય કે વ્યાપારિક બેકગ્રાઉન્ડના જ રહ્યા છે. છેલ્લાં 10 વર્ષમાં રમીઝ રાજાને બાદ કરતાં કોઈ PCB ચીફ ક્રિકેટ બેકગ્રાઉન્ડના રહ્યા નથી. નકવીના PCB ચેરમેન બનવામાં પણ ઘણું રાજકારણ થયું. હકીકતમાં જાન્યુઆરી 2024માં નવા ચેરમેનની ચૂંટણીપ્રક્રિયા શરૂ કરવા માટે તત્કાલીન ચેરમેન ઝકા અશરફ બોર્ડ ઑફ ગવર્નર્સની મિટિંગ બોલાવવાના હતા. સરકાર તરફથી તેમને આવું કરવાથી રોકવામાં આવ્યા, જેના પછી અશરફે પોતાનો કાર્યકાળ પૂરો થવાના બે અઠવાડિયાં પહેલાં જ રાજીનામું આપી દીધું હતું. પત્રકાર રહેતાં મોહસિન નકવીએ પાકિસ્તાનની રાજકારણમાં ખૂબ સારી પહોંચ બનાવી લીધી હતી. PCB ચેરમેનના પદ માટે તેઓ કાર્યવાહક PM અનવારુલ હક કાકરની પહેલી પસંદ હતા. અશરફના રાજીનામા પછી નવા ચેરમેન માટે કાકરે તેમનું નામ નોમિનેટ કર્યું, જેમને કોઈપણ વિરોધ વિના ચૂંટી લેવામાં આવ્યા. એશિયા કપમાં ટ્રોફી લઈને થયેલો પૂરો વિવાદ શું છે? 28 સપ્ટેમ્બરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઈનલ મેચ થઈ. છેલ્લી ઓવર સુધી ચાલેલા રોમાંચમાં ભારતે 5 વિકેટે જીત નોંધાવી દીધી. તેના પછી વિનિંગ ટ્રોફી લઈને ડ્રામા શરૂ થયો… મેચ પૂરી થયા પછી ભારતીય ટીમના બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ મેદાન પર આવીને સેલિબ્રેટ કરવા લાગ્યા. ખેલાડીઓ સાથે તેમના પરિવારના સભ્યો પણ હતા. બીજી તરફ પ્રેઝન્ટેશન સેરેમની માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ACCનો સ્ટેજ તૈયાર થઈ રહ્યો હતો. મેચ પૂરી થયાને એક કલાકથી પણ વધારે સમય વીતી ગયો, પણ પ્રેઝન્ટેશન સેરેમની શરૂ ન થઈ. આ દરમિયાન ACC અધ્યક્ષ મોહસિન નકવી ઘણી વાર સુધી મેદાન પર અધિકારીઓ સાથે વાતચીત કરતા દેખાયા. થોડીવાર પછી જ્યારે પ્રેઝન્ટેશન સેરેમની શરૂ થઈ, તો ACCના એક અધિકારીએ ડાઈસ પર રાખેલી ટ્રોફી ઉઠાવી અને કંઈપણ કહ્યા વિના એને લઈને ચાલ્યા ગયા. પ્લેયર ઑફ ધ મેચ, પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ અને અન્ય વ્યક્તિગત પુરસ્કાર લેવા ભારતીય ખેલાડીઓ સ્ટેજ પર આવ્યા, પણ તેમણે નકવી પાસેથી એવૉર્ડ ન લીધા. કોઈપણ ભારતીય ખેલાડીએ નકવી સાથે હાથ પણ ન મિલાવ્યો. ત્યાં નકવીએ પણ ભારતીય ખેલાડીઓ માટે તાળી ન વગાડી. પાકિસ્તાનના ખેલાડીઓને રનર-અપ મેડલ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલએ આપ્યા. કેપ્ટન સલમાન આગાને નકવીએ રનર-અપ ચેક આપ્યો, પણ તેણે એને સાઇડમાં ફેંકી દીધો. આખરે પ્રેઝન્ટેશન સેરેમની કરાવી રહેલા ન્યૂઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર સાયમન ડૂલે જણાવ્યું કે તેમને ACC તરફથી સૂચના મળી છે કે ભારતીય ટીમ ટ્રોફી લેવા નહીં આવે. એ પછી ભારતીય ટીમે ટ્રોફી વિના જ જીતનો જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું. હવે BCCI નવેમ્બરમાં થનારી ICCની મિટિંગમાં નકવીની આ હરકતનો વિરોધ કરવાની તૈયારીમાં છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાનું સ્પષ્ટ કહેવું છે કે એશિયા કપની ટ્રોફી પર વિજેતા ટીમનો હક છે. એને જલદી ભારત મોકલવામાં આવે. ભારતીય ટીમે 26/11 મુંબઈ આતંકી હુમલાઓ પછીથી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. ભારતે આઈસીસી ટુર્નામેન્ટો અને એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચો ન્યુટ્રલ વેન્યુ પર રમી છે.
Read Original Article →