IPLમાં આજે MI vs PBKS:આજે રોહિત શર્મા ઈજાના કારણે રમી નહીં શકે; ગત સીઝનમાં બંને મેચ PBKS જીત્યું હતું
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 24મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો સામનો પંજાબ કિંગ્સ (PBKS) સામે થશે. આ મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે, જ્યારે ટૉસ 7:00 વાગ્યે થશે. આ સીઝનમાં બંને ટીમ પહેલીવાર એકબીજા સામે ટકરાશે. ગઈ સીઝનમાં બંને ટીમ બે વાર આમને-સામને આવી હતી અને બંને વખતે પંજાબનો વિજય થયો હતો. પંજાબ આ સીઝનમાં 4માંથી 3 મેચ જીતીને બીજા નંબરે છે. આજે જીતીને પંજાબ પાસે પોઇન્ટ્સ ટેબલમાં નંબર-1 પર પહોંચવાની તક છે. તેમની કોલકાતા સામેની એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. બીજી તરફ મુંબઈને 4માંથી માત્ર 1 મેચમાં જીત મળી છે. વાનખેડેમાં બંનેનો રેકોર્ડ સરખો IPLમાં MI અને PBKS વચ્ચેનો મેચ હંમેશા રસાકસીભરી રહી છે. અત્યાર સુધી રમાયેલી કુલ 34 મેચમાં મુંબઈ 17 અને પંજાબ 16 મેચ જીત્યું છે, જ્યારે એક મેચ ટાઈ રહી હતી. વાનખેડે સ્ટેડિયમ પર બંને ટીમ 10 વાર સામસામે આવી છે, જ્યાં બંનેએ 5-5 મેચ જીતીને બરાબરી જાળવી રાખી છે. રોહિત અને શાર્દૂલ મુંબઈના સ્ટાર IPL 2026માં અત્યાર સુધી રોહિત શર્મા અને શાર્દૂલ ઠાકુરે શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિતે 4 મેચમાં 165.06ના સ્ટ્રાઈક રેટથી 137 રન બનાવ્યા છે. જોકે ક્રિકબઝના રિપોર્ટ્સ પ્રમાણે રોહિત શર્મા હેમસ્ટ્રિંગની ઈજાના કારણે આજની મેચ રમી નહીં શકે. તેને રવિવારે રમાયેલી બેંગલુરુ સામેની મેચમાં બેટિંગ કરતી વખતે રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર જવું પડ્યું હતું. બોલિંગમાં શાર્દૂલ ઠાકુરે 4 મેચમાં 5 વિકેટ ઝડપી છે. શ્રેયસ અય્યર પંજાબનો ટૉપ સ્કોરર પંજાબ કિંગ્સ માટે શ્રેયસ અય્યર સૌથી ભરોસાપાત્ર બેટર સાબિત થયો છે. તેણે 4 મેચમાં 187.67ના સ્ટ્રાઈક રેટથી અને 2 ફિફ્ટી સાથે 137 રન બનાવ્યા છે. બોલિંગમાં વિજયકુમાર વૈશાકે 4 મેચમાં 5 વિકેટ લીધી છે. પીચ રિપોર્ટ વાનખેડેની પીચ બેટિંગ માટે સાનુકૂળ છે, જોકે અહીં ઝડપી બોલરોને થોડી મદદ મળી શકે છે. આ સીઝનમાં રમાયેલી બંને મેચમાં 200+ સ્કોર બન્યા છે. એક મેચમાં મુંબઈએ 220 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો, જ્યારે બીજી મેચમાં RCBએ 240 રનનો સ્કોર ડિફેન્ડ કર્યો હતો. વાનખેડેમાં અત્યાર સુધી રમાયેલી 125 મેચમાં 67 વાર ચેઝ કરનારી ટીમ જીતી છે. હવામાનની સ્થિતિ મુંબઈમાં ગુરુવારે હવામાન સાફ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. દિવસ દરમિયાન તાપમાન 35 થી 24 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 મુંબઈ ઈન્ડિયન્સ (MI): રાયન રિકલ્ટન (વિકેટકીપર), રોબિન મિન્ઝ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, શાર્દૂલ ઠાકુર, ટ્રેન્ટ બોલ્ટ, મયંક માર્કન્ડે, જસપ્રીત બુમરાહ. (ઇમ્પેક્ટ પ્લેયર: શેરફન રધરફોર્ડ) પંજાબ કિંગ્સ (PBKS): પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), કૂપર કોનોલી, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ. (ઇમ્પેક્ટ પ્લેયર: શશાંક સિંહ)
Read Original Article →