IPLમાં આજે કોલકાતા vs મુંબઈ:KKR માટે 'કરો કે મરો'ની મેચ; MI માટે હાર્દિક પંડ્યા આજે કમબેક કરી શકે

Sports5/20/2026, 12:54:00 AM
IPLમાં આજે કોલકાતા vs મુંબઈ:KKR માટે 'કરો કે મરો'ની મેચ; MI માટે હાર્દિક પંડ્યા આજે કમબેક કરી શકે
IPL 2026ની 65મી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ઈડન ગાર્ડન્સમાં સાંજે 7.30 વાગ્યે રમાશે. પ્લેઑફની રેસમાં ટકી રહેવા માટે કોલકાતાએ કોઈપણ ભોગે જીતવું જ પડશે. જો ટીમ હારશે તો પ્લેઑફની દોડમાંથી બહાર થઈ જશે. પોઇન્ટ્સ ટેબલમાં કોલકાતા 12 મેચમાં 11 પોઇન્ટ્સ સાથે આઠમા સ્થાને છે. જ્યારે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂકેલી મુંબઈની ટીમ 12 મેચમાં 8 પોઇન્ટ્સ સાથે નવમા સ્થાને છે. બંને ટીમ 37મી વખત સામસામે ટકરાશે બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 36 મેચ રમાઈ છે. KKRએ 11 અને MIએ 25 મેચ જીતી છે. ગત સીઝન અને આ સીઝનની પહેલી મેચમાં મુંબઈએ જીત મેળવી હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પહેલી મેચ મુંબઈ જીત્યું હતું. જીત્યા પછી પણ KKRએ બીજી ટીમના પ્રદર્શન પર નિર્ભર રહેવું પડશે કોલકાતા નાઈટ રાઈડર્સ બુધવારની મેચ જીતી જાય તો પણ તેનું નસીબ પંજાબ કિંગ્સના હાથમાં રહેશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત ટાઇટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઑફમાં જગ્યા પાકી કરી ચૂક્યા છે. હવે માત્ર એક જ સ્થાન બાકી બચ્યું છે, જેના માટે 5 ટીમ રેસમાં છે. પંજાબ કિંગ્સના 13 પોઇન્ટ્સ છે. રાજસ્થાન રોયલ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના 12-12 પોઇન્ટ્સ છે. જ્યારે કોલકાતાના 11 પોઇન્ટ્સ છે. શરૂઆતમાં સતત 6 હારનું નુકસાન KKRને ભોગવવું પડ્યું KKRએ છેલ્લી 6 મેચમાંથી 5 જીતીને શાનદાર કમબેક કર્યું છે, પરંતુ આ બદલાવ ઘણો મોડો આવ્યો. સીઝનની શરૂઆતમાં સતત 6 હારનું નુકસાન હવે ટીમે ઉઠાવવું પડી રહ્યું છે. ગુજરાત ટાઈટન્સ સામેની જીત બાદ ટીમના સૌથી મોંઘા વિદેશી ખેલાડી કેમરૂન ગ્રીને સ્વીકાર્યું કે સાચું કોમ્બિનેશન શોધવામાં ટીમે મોડું કરી દીધું. ગ્રીને કહ્યું, ‘કદાચ સાચા ખેલાડીઓને સાચી પોઝિશન અને સાચો રોલ આપવામાં અમને થોડો વધારે સમય લાગી ગયો.’ ફોર્મમાં પરત ફરેલા ખેલાડીઓ ફિન એલને ઓપનિંગમાં શાનદાર રમત બતાવી છે. છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં તેણે એક સદી અને 35 બોલમાં 93 રન બનાવ્યા છે. અંગક્રિશ રઘુવંશી અને વાઇસ-કેપ્ટન રિંકુ સિંહ મિડલ ઓર્ડરને મજબૂતી આપી રહ્યા છે. રઘુવંશી ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. કેપ્ટન હાર્દિક પંડ્યાના પરત ફરવાથી ટીમની સ્ટ્રેન્થ વધશે મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે, પરંતુ તે KKRનું ગણિત બગાડવા માટે મેદાનમાં ઉતરશે. ઈજાના કારણે છેલ્લી ત્રણ મેચ ગુમાવનાર કેપ્ટન હાર્દિક પંડ્યા કમબેક માટે તૈયાર છે. તેણે સોમવારે નેટ્સ પર પ્રેક્ટિસ કરી હતી. હાર્દિક માટે આ સીઝન ખરાબ રહી છે. તેણે 8 ઇનિંગ્સમાં 20.85ની એવરેજથી 146 રન બનાવ્યા છે, જ્યારે બોલિંગમાં 11.90ની ઇકોનોમીથી 4 વિકેટ લીધી છે. રાયન રિકલટન ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનાર અને અલ્લાહ મોહમ્મદ ગઝનફર ટીમનો ટૉપ વિકેટ ટેકર છે. પીચ બેટર્સ માટે મદદરૂપ ઈડન ગાર્ડન્સની પીચ બેટર્સ માટે મદદરૂપ માનવામાં આવે છે. પીચ સપાટ હોવાને કારણે બોલ બેટ પર સારા બાઉન્સ સાથે આવે છે. ફાસ્ટ આઉટફિલ્ડ અને નાની બાઉન્ડરીના કારણે અહીં હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે છે. શરૂઆતમાં ફાસ્ટ બોલરોને સ્વિંગ મળે છે. મેચ આગળ વધવાની સાથે સ્પિનરો પોતાની અસર છોડી શકે છે. જોકે, બેટર સેટ થયા પછી મોટા શોટ્સ રમી શકે છે. ઈડન ગાર્ડન્સમાં અત્યાર સુધી 105 મેચ રમાઈ છે. પહેલા બેટિંગ કરનારી ટીમ 44 વખત જીતી છે, જ્યારે બાદમાં બેટિંગ કરનારી ટીમ 59 વખત જીતી છે. હવામાન રિપોર્ટ 20 મેના રોજ કોલકાતાનું હવામાન ચોખ્ખું, ગરમ અને ભેજવાળું રહેવાનું અનુમાન છે. દિવસનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને રાતનું લઘુત્તમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહી શકે છે. સાંજના સમયે હળવા વરસાદની 25% શક્યતા છે, પરંતુ મેચ દરમિયાન આકાશ સ્વચ્છ રહેવાની આશા છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, અનુકૂલ રોય, કાર્તિક ત્યાગી, સૌરભ દુબે, વરુણ ચક્રવર્તી. મુંબઈ ઈન્ડિયન્સ (MI): હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, રાયન રિકલટન (વિકેટકીપર), નમન ધીર, તિલક વર્મા, શેરફેન રધરફોર્ડ, વિલ જેક્સ, કોર્બિન બૉશ, શાર્દૂલ ઠાકુર, દીપક ચહર, જસપ્રીત બુમરાહ.
Read Original Article →