પેપર પર નબળી દેખાતી ગુજરાત કઈ રીતે પ્લેઑફમાં પહોંચી?:કેપ્ટન શુભમન-કોચ નેહરાની આગેવાનીમાં ટીમના પરફોર્મન્સમાં સાતત્યતા; કિંગ કોહલી vs પ્રિન્સ ગિલ પર રહેશે નજર

Sports5/26/2026, 12:30:00 AM
પેપર પર નબળી દેખાતી ગુજરાત કઈ રીતે પ્લેઑફમાં પહોંચી?:કેપ્ટન શુભમન-કોચ નેહરાની આગેવાનીમાં ટીમના પરફોર્મન્સમાં સાતત્યતા; કિંગ કોહલી vs પ્રિન્સ ગિલ પર રહેશે નજર
જ્યારે IPL 2026નું ઓક્શન પૂરું થયું, ત્યારે ક્રિકેટ એક્સપર્ટ્સ કહી રહ્યા હતા કે આ વખતે પણ ગુજરાત ટાઇટન્સ (GT) કદાચ નબળી દેખાશે. પરંતુ, કોચ આશિષ નેહરા અને કેપ્ટન શુભમન ગિલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પીચ-રિપોર્ટથી લઈને ડ્રેસિંગ રૂમના માહોલ સુધી બધું જ બદલી નાખ્યું. આ સીઝનમાં ગુજરાતે સાબિત કર્યું કે T20 ક્રિકેટ માત્ર મોટા છગ્ગા મારવાનું નથી, પરંતુ સ્માર્ટ ક્રિકેટ અને છેલ્લી ઓવર સુધી લડવાનું કામ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની આખી સીઝન દરમિયાન ગુજરાત ટાઇટન્સે (GT) જોરદાર સાતત્ય અને લડાયક મિજાજ દર્શાવીને ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ ટુર્નામેન્ટની સૌથી મજબૂત ટીમમાંની એક છે. કેપ્ટન શુભમન ગિલની આગેવાની અને કોચ આશિષ નેહરાના માર્ગદર્શન હેઠળ ટીમે આ સીઝનમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને દેશના અલગ-અલગ ગ્રાઉન્ડ પર ગુજરાતે પોતાની પકડ મજબૂત બનાવી રાખી હતી. લીગ સ્ટેજના અંત સુધીમાં ટીમે પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ-2માં પોતાનું સ્થાન પાકું કરીને હવે પ્લેઑફમાં બેંગલુરુ સામે રમશે. લીગ સ્ટેજમાં સતત સારું પરફોર્મન્સ ગુજરાત ટાઇટન્સ માટે IPL 2026ની લીગ સ્ટેજ અત્યંત સફળ રહી છે. ટીમે રમેલી કુલ 14 લીગ મેચમાંથી 9 મેચમાં શાનદાર જીત મેળવી છે, જ્યારે માત્ર 5 મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. કુલ 18 પોઇન્ટ્સ અને +0.695 રન રેટ સાથે ગુજરાત પોઇન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને રહીને પ્લેઑફમાં પહોંચી છે. લીગ સ્ટેજની પોતાની છેલ્લી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે 89 રનના મોટા માર્જિનથી હરાવીને ટૉપ-2માં સ્થાન નિશ્ચિત કર્યું. સીઝનની શરૂઆતમાં પંજાબ અને રાજસ્થાન સામે નજીવા અંતરથી હાર્યા બાદ, ટીમે દિલ્હી, લખનઉ અને કોલકાતા સામે સતત જીત મેળવીને જોરદાર કમબેક કર્યું. મુંબઈ ઈન્ડિયન્સ સામેની એક મોટી હારને બાદ કરતાં, ગુજરાતે દરેક પરિસ્થિતિમાં વિરોધી ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. ટાર્ગેટ ચેઝ પણ કર્યો અને ડિફેન્ડ પણ કર્યો ભૂતકાળમાં ગુજરાતની ટીમ ટાર્ગેટને ચેઝ કરવા માટે જાણીતી હતી, પરંતુ IPL 2026માં એક તદ્દન નવો ટ્રેન્ડ જોવા મળ્યો. આ વર્ષે ટીમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કાળી અને લાલ માટીની પીચનો એવો ઉપયોગ કર્યો કે પહેલા બેટિંગ કરીને સ્કોર ડિફેન્ડ કરવામાં તેઓ માસ્ટર બની ગયા. તેમાં પણ હૈદરાબાદ અને ચેન્નઈ લીગ મેચમાં જ્યારે ટાઇટન્સે અનુક્રમે 82 અને 89 રને જીત મેળવી, ત્યારે વિરોધી બેટર્સ પાસે ગુજરાતની બોલિંગની કોઈ કડી નહોતી. 14માંથી 9 મેચ જીતીને +0.695ના નેટ રન રેટ સાથે ટેબલમાં બીજા ક્રમે રહેવું એ દર્શાવે છે કે આ ટીમ ક્લાસ ક્રિકેટ રમી રહી છે. ધ થ્રી મસ્કેટીયર્સ: સાઈ, શુભમન અને બટલરની ત્રિપુટી આ સીઝનમાં ગુજરાતની બેટિંગ લાઇનઅપે 'એન્કર અને એગ્રેસર'નું અદભુત મિશ્રણ બતાવ્યું છે… સાઈ સુદર્શન (638 રન): સાઈ આ સીઝનનો સરપ્રાઈઝ પેકેજ નથી, પણ રન મશીન સાબિત થયો છે. ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ રહેલા સાઈએ આ વર્ષે ક્લાસિક શોટ્સની સાથે પોતાની ગેમ પાવર-પ્લેમાં પણ અપગ્રેડ કરી છે. તેનો આ વર્ષે 157.92નો સ્ટ્રાઈક રેટ રહ્યો છે. તેણે આ સીઝનમાં અત્યાર સુધી 1 સદી અને 7 ફિફ્ટી ફટકારી છે. પોતાની આ ઇનિંગ્સ દરમિયાન સાઈએ મેદાનની ચારેય બાજુ શાનદાર શોટ્સ લગાવતા કુલ 62 ચોગ્ગા અને 29 છગ્ગા ફટકાર્યા છે. શુભમન ગિલ (616 રન): કેપ્ટન તરીકે ગિલનો આ ક્લાસિક અવતાર હતો. જ્યારે પણ ટીમ મુશ્કેલીમાં મુકાઈ, ત્યારે ગિલે ક્રિઝ પર રહીને મેચ એન્કર કરી. તેની 6 અર્ધસદીઓ દબાણની સ્થિતિમાં આવી છે. કેપ્ટન ગિલે કેપ્ટન્સ ઇનિંગ રમીને ટીમને ઘણી મેચમાં મજબૂત સ્થિતિમાં પહોંચાડી છે. તેણે 13 ઇનિંગ્સમાં બેટિંગ કરતા આ સીઝનમાં કોઈ સદી નથી ફટકારી, પરંતુ 6 મહત્વની ફિફ્ટી ફટકારી છે. ગિલે પોતાની ઇનિંગ્સ દરમિયાન ટાઇમિંગના જોરે 58 ચોગ્ગા અને 24 છગ્ગા ફટકારીને વિરોધી બોલરોને દબાણમાં રાખ્યા હતા. જોસ બટલર (469 રન): જોસ બટલર આ વર્ષે ગુજરાત માટે 'એક્સ-ફેક્ટર' રહ્યો છે. જ્યારે ઓપનિંગમાં સ્કોર ધીમો હોય, ત્યારે મિડલ ઓર્ડરમાં આવીને તેને ગિયર બદલવાની જે ભૂમિકા ભજવી, તેણે ટીમને પાવર આપ્યો. તેણે આ લીગ સ્ટેજમાં 4 ફિફ્ટી ફટકારી છે. બટલરે પોતાની એગ્રેસિવ સ્ટાઇલ જાળવી રાખતા કુલ 41 ચોગ્ગા અને ખાસ કરીને ટીમને જરૂર હતી ત્યારે 31 સિક્સર ફટકારીને સ્કોરબોર્ડને સતત ફરતું રાખ્યું હતું. બોલિંગ એટેકમાં રબાડા,સિરાજ અને રાશિદનો જલવો ટીમના બે ફાસ્ટ બોલર્સે ઓપનિંગ અને ડેથ ઓવર્સમાં વિરોધીઓની કમર તોડી નાખી છે. કાગીસો રબાડા (24 વિકેટ) અને મોહમ્મદ સિરાજ (17 વિકેટ)ની જોડીએ પાવર-પ્લેમાં જ વિરોધી ટીમોના ટૉપ ઓર્ડરને પેવેલિયન ભેગા કરવાનું મિશન ઉપાડ્યું હતું. રબાડાએ આ વખતે પોતાના પેસમાં જબરદસ્ત સુધારો કર્યો છે અને 150ની સ્પીડ પર ક્લિક કર્યો છે. તેની સચોટ લાઇન એન્ડ લેન્થ અને પેસ સામે બેટર્સ ઘૂંટણીએ પડતા હતા. જ્યારે મિડલ ઓવર્સમાં રાશિદ ખાન (19 વિકેટ) બેટર્સને રન માટે તરસાવી દેતો હતો. રાજસ્થાન સામેની મેચમાં જ્યારે સ્કોર ઓછો હતો, ત્યારે રાશિદની 3 ઓવરના સ્પેલમાં માત્ર 12 રન આપીને 2 વિકેટ લેવાની ઓવરે આખી મેચ પલટી નાખી હતી. ગુજરાતની બોલિંગ સામે કોહલીનું ફોર્મ સૌથી મોટું ચેલેન્જ વિરાટ કોહલીએ આ વર્ષે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં પોતાના બેટિંગ ક્લાસના દમ પર IPL ઇતિહાસમાં 9,000 રન પૂરા કરનાર પહેલો બેટર બન્યો છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પણ તેણે 44 બોલમાં 81 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી, જે દર્શાવે છે કે પ્લેઑફની આગામી ટક્કરમાં ગુજરાતના બોલર્સ માટે કોહલીને રોકવો એ સૌથી મોટો પડકાર રહેશે. ગુજરાતની બેટિંગ સામે RCBનો સૌથી મોટો પડકાર: ભુવનેશ્વર કુમાર IPL 2026માં બેંગલુરુના બોલિંગ એટેકની આગેવાની કરી રહેલા અનુભવી બોલર ભુવનેશ્વર કુમારે આ સીઝનમાં ઘાતક ફોર્મ બતાવ્યું છે. તે ચાલુ સીઝનના લીગ સ્ટેજમાં 14 મેચમાં 24 વિકેટ ઝડપીને પર્પલ કેપની રેસમાં સંયુક્ત રીતે ટોચના સ્થાને છે. ગુજરાતના ઓપનર્સ સાઈ સુદર્શન અને શુભમન ગિલ જે રીતે રન બનાવી રહ્યા છે, તેમની સામે પાવર-પ્લેમાં ભુવીનો નવો બોલ બંને બાજુ સ્વિંગ કરાવવાનો ક્લાસ એક મોટો અવરોધ બની શકે છે. ભુવનેશ્વર કુમારે આ સીઝનમાં માત્ર 8.07ની ઇકોનોમી અને 18.50ની શાનદાર એવરેજથી રન રોકી રાખવાની સાથે પાવર-પ્લે અને ડેથ ઓવરોમાં વિરોધી ટીમને ભારે નુકસાન પહોંચાડ્યું છે. કિંગ કોહલી vs પ્રિન્સ ગિલની ટક્કર જ્યારે પણ ગુજરાત અને બેંગલુરુ આમને-સામને થાય છે, ત્યારે મેદાન પર એક અલગ જ રોમાંચ હોય છે. 2022થી શરૂ થયેલી આ રાઇવલરીમાં બંને વચ્ચે અત્યાર સુધી 8 મેચ રમાઈ છે, જેમાં બન્ને ટીમ 4-4ની બરાબરી પર છે. પરંતુ IPL 2026ના લીગ સ્ટેજની બે મેેએ આ સીઝનનો ટોન સેટ કરી દીધો. ચિન્નાસ્વામીમાં વિરાટ કોહલીની જોરદાર ઇનિંગ્સે ગુજરાતને હરાવ્યું હતું. આ પછી ટીમ અમદાવાદની મહેમાન બની હતી. ત્યારે નમો સ્ટેડિયમમાં ગુજરાતે RCBને ઘૂંટણિયે લાવી દીધા. જેસન હોલ્ડર અને રાશિદ ખાને ચિન્નાસ્વામીની હારનો બદલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બરાબર વસૂલ કર્યો. હવે પ્લેઑફના રોમાંચક જંગમાં આ બંને ટીમ ફરી ટકરાવાની છે, ત્યારે જોવાનું એ રહેશે કોણ ફરી ફાઈનલ માટે ડાયરેક્ટ અમદાવાદની ટિકિટ બૂક કરાવશે… વિરાટ કોહલીનો GT સામે રેકોર્ડ શુભમન ગિલનો RCB સામે રેકોર્ડ
Read Original Article →