ગુજરાત ટાઇટન્સની ટીમ બસમાં શોર્ટ સર્કિટ થઈ:પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફને તાત્કાલિક બહાર કાઢ્યા; પ્લેયર્સ રસ્તા પર બેઠા, સિરાજે ઇન્સ્ટાગ્રામ પર ફોટો અપલોડ કર્યો

Sports6/1/2026, 2:05:03 AM
ગુજરાત ટાઇટન્સની ટીમ બસમાં શોર્ટ સર્કિટ થઈ:પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફને તાત્કાલિક બહાર કાઢ્યા; પ્લેયર્સ રસ્તા પર બેઠા, સિરાજે ઇન્સ્ટાગ્રામ પર ફોટો અપલોડ કર્યો
IPL-2026ની ફાઈનલના આ નિરાશાજનક અંત બાદ, રનર-અપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી માંડ-માંડ બચી હતી. રવિવારે રાત્રે મેચ પૂરી થયા બાદ જ્યારે ટીમ બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ખેલાડીઓને લઈને અમદાવાદની હોટેલ પર પરત ફરી રહી હતી, ત્યારે બસમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. સદનસીબે તમામ ખેલાડીઓને સમયસર અને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી કોઈ મોટી જાનહાની કે નુકસાન થયું ન હતું. આ ઘટનાને કારણે પ્લેયર્સે લગભગ એક કલાક સુધી રસ્તા પર જ અટવાઈ રહેવું પડ્યું હતું. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ગુજરાત ટાઇટન્સને પહેલાથી જ ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. TOIના રિપોર્ટ્સ મુજબ, ફાઈનલ બાદ જ્યારે ટીમ સ્ટેડિયમથી હોટેલ પરત ફરી રહી હતી, ત્યારે જ રસ્તામાં બસમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. શોર્ટ સર્કિટના કારણે બસને રોકવી પડી હતી અને ખેલાડીઓ અંદાજે એક કલાક સુધી રોડ પર જ ફસાયેલા રહ્યા હતા. જોકે, રાહતની વાત એ રહી કે કોઈ ખેલાડી કે સ્ટાફ મેમ્બરને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. ટીમ મેનેજમેન્ટે તાત્કાલિક તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને બાદમાં બીજી બસ કરીને તેમને હોટેલ પહોંચાડ્યા હતા. ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી અપલોડ કરી. જેમાં તે ટીમના અન્ય ખેલાડીઓ સાથે નીચે જમીન પર બેસેલો દેખાય છે અને કેપ્શનમાં ‘બ્રેકડાઉન’ લખ્યું છે. એવું માની શકાય કે બસમાં શોર્ટ સર્કિટ થઈ હોય, ત્યારનો આ ફોટો હોય શકે. ટીમના છેલ્લા કેટલાક દિવસો અત્યંત થકવી નાખનારા રહ્યા ગુજરાત ટાઇટન્સ માટે છેલ્લા કેટલાક દિવસો સતત પડકારોથી ભરેલા રહ્યા છે. ફાઈનલ પહેલા પણ ટીમે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ખરાબ હવામાનના કારણે અમદાવાદ પહોંચનારી ટીમની ચાર્ટર્ડ ફ્લાઇટ અંદાજે ત્રણ કલાક મોડી નીકળી હતી. આના કારણે ટીમ 30 મેની મોડી રાત્રે અમદાવાદ પહોંચી શકી હતી. એટલું જ નહીં, વિલંબ થવાના કારણે શુભમન ગિલ અને રજત પાટીદાર વચ્ચે યોજાનારો કેપ્ટન્સ ફોટોશૂટ પણ સ્થગિત કરવો પડ્યો હતો. ફાઈનલ પહેલા ખૂબ મુસાફરી કરી ગુજરાત ટાઇટન્સે છેલ્લા પાંચ દિવસમાં અત્યંત વ્યસ્ત શેડ્યૂલનો સામનો કર્યો. 26 મેના રોજ ધર્મશાલામાં રમાયેલા ક્વોલિફાયર-1માં ટીમનો RCB સામે પરાજય થયો હતો. આ પછી ટીમ ચંદીગઢ પહોંચી અને પછી 29 મેના રોજ મુલ્લાનપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે ક્વોલિફાયર-2 રમીને ફાઈનલની ટિકિટ મેળવી હતી. સતત મુસાફરી, દબાણ અને મોટી મેચ વચ્ચે ગુજરાત ટાઇટન્સે શાનદાર સંઘર્ષ કર્યો, પરંતુ હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી ફાઈનલમાં ગુજરાતની ટીમ ટ્રોફી જીતવાથી ચૂકી ગઈ.
Read Original Article →