લોર્ડ્સની જીત પછી સ્ટોક્સ-એટકિન્સન નાઇટક્લબ વિવાદમાં ફસાયા:રગ્બી ખેલાડીઓ સાથે દલીલ થઈ, ECBની તપાસ શરૂ; બીજી ટેસ્ટમાં રમવું મુશ્કેલ
ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગસ એટકિન્સન નવા વિવાદમાં ફસાયા છે. બંને ખેલાડીઓનો રવિવારે રાત્રે એક નાઇટક્લબમાં સરેસેન્સ રગ્બી ક્લબના ખેલાડીઓ સાથે વિવાદ થયો હતો. આ ઘટનામાં કોઈ ખેલાડીને ઈજા થઈ હોવાના સમાચાર નથી. રિપોર્ટ્સ અનુસાર, લોર્ડ્સ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ પર 115 રનની જીત બાદ સ્ટોક્સ અને એટકિન્સન સોમવારે વહેલી સવારે એક નાઇટક્લબ પહોંચ્યા હતા. તે જ સમયે સરેસેન્સ રગ્બી ક્લબના ખેલાડીઓ પણ સિઝન સમાપ્તિની ઉજવણી કરવા ત્યાં હાજર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે વિવાદની શરૂઆત ગસ એટકિન્સન અને સરેસેન્સ રગ્બી ક્લબના એક એકેડમી ખેલાડી વચ્ચે થયેલી દલીલથી થઈ હતી, જે બાદમાં વધી ગઈ. સરેસેન્સ રગ્બી ક્લબે પુષ્ટિ કરી છે કે તેમનો એક એકેડમી ખેલાડી રવિવારે રાત્રે થયેલી આ ઘટનામાં સામેલ હતો. EC એ તપાસ શરૂ કરી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ટીમ પ્રોટોકોલ ઉલ્લંઘનના આરોપમાં સ્ટોક્સ અને એટકિન્સન વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. મામલાની ગંભીરતા વચ્ચે સમાચાર છે કે સ્ટોક્સ કેપ્ટનશીપ છોડવા પર વિચાર કરી રહ્યા છે. 17 જૂનથી ધ ઓવલમાં રમાનારી બીજી ટેસ્ટ દરમિયાન પણ તપાસ ચાલુ રહેવાની સંભાવના છે. આવી સ્થિતિમાં સ્ટોક્સ અને એટકિન્સનનું તે મેચમાં રમવું મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે. ECBએ સોમવારે સાંજે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે કેસને વધુ તપાસ માટે ક્રિકેટ રેગ્યુલેટર પાસે મોકલી દેવામાં આવ્યો છે. બોર્ડ મુજબ, બેન સ્ટોક્સ અને ગસ એટકિન્સન સોમવારે વહેલી સવારે એક નાઇટક્લબમાં હાજર હતા, જ્યાં ઘટના બની. ECBએ કહ્યું કે કેસ સંબંધિત વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને બીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. હેરી બ્રૂક બીજી ટેસ્ટમાં ટીમની કેપ્ટનશીપ સંભાળી શકે છે બેન સ્ટોક્સની ગેરહાજરીમાં ટેસ્ટ ટીમનો વાઇસ-કેપ્ટન હેરી બ્રુક બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની કેપ્ટનશીપ સંભાળી શકે છે. બ્રુક પોતે પણ આ વર્ષે વિવાદોમાં રહી ચૂક્યો છે. ગત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રાત્રે થયેલા એક બાઉન્સર્સ વિવાદને કારણે ECBએ બ્રૂક પર દંડ ફટકાર્યો હતો અને ઠપકો આપ્યો હતો. ખેલાડીઓના ખરાબ વર્તન પછી ECBને ટીમ માટે 'મિડનાઇટ કર્ફ્યુ' (અડધી રાત પછી બહાર ન જવાનો નિયમ) લાગુ કરવો પડ્યો હતો. 'દારૂ છોડી ચૂક્યો છું' કહેનારા સ્ટોક્સે માંગી હતી બીયર બેન સ્ટોક્સે ગયા વર્ષે દાવો કર્યો હતો કે તેણે દારૂ પીવાનું છોડી દીધું છે. પરંતુ રવિવારે બપોરે મેચ જીત્યા પછી પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું હતું કે, 'હું ડ્રેસિંગ રૂમમાં છોકરાઓ સાથે એક સારી બીયર પીવાની રાહ જોઈ રહ્યો છું. જ્યાં સુધી હું ત્યાં જઈને ટીમ સાથે બીયર શેર નહીં કરું, ત્યાં સુધી મને સાચી ખુશી નહીં મળે.' સ્ટોક્સનો જૂનો રેકોર્ડ પણ વિવાદોથી ભરેલો રહ્યો છે. 2017માં બ્રિસ્ટલમાં એક વ-નડે મેચ પછી તે રસ્તા પર મારામારી (સ્ટ્રીટ-ફાઈટ)માં સામેલ હતા, જેના પછી તેના પર દંડ અને પ્રતિબંધ લાગ્યો હતો. કોચ બ્રેન્ડન મેકકુલમે આપી હતી ચેતવણી ફેબ્રુઆરીમાં થયેલા વિવાદો પછી ઇંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેકકુલમે કહ્યું હતું કે તેઓ ટીમને છૂટ આપતા નથી. ખેલાડીઓને સલાહ આપતા તેમણે કહ્યું હતું, "મેં છોકરાઓને પહેલી વાત એ જ કહી હતી કે એવું કંઈ ન કરતા જેનાથી તમે અખબારના ફ્રન્ટ પેજ પર આવી જાઓ. અડધી રાત્રે પછી કંઈપણ સારું થતું નથી." ઇંગ્લેન્ડ ક્રિકેટના મેનેજિંગ ડિરેક્ટર રોબ કી એ પણ સ્વીકાર્યું હતું કે ટીમમાં બે કે ત્રણ ખેલાડીઓ એવા છે જે દારૂ મળવા પર બેજવાબદાર વર્તન કરે છે.
Read Original Article →