દાવો- I-PACએ બંગાળમાં 20 દિવસ સુધી કામ બંધ કર્યુ:આ કંપની મમતા બેનર્જીનું ચૂંટણી મેનેજમેન્ટ સંભાળે છે; TMCએ કહ્યું- આ ખોટુ છે
પશ્ચિમ બંગાળમાં TMCનું ચૂંટણી મેનેજમેન્ટ સંભાળતી સંસ્થા (I-PAC) એ અચાનક રાજ્યમાં પોતાની તમામ કામગીરી કામચલાઉ ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રો અનુસાર, સંસ્થાએ ઈ-મેલ દ્વારા પશ્ચિમ બંગાળમાં કામ કરી રહેલા પોતાના કર્મચારીઓને આગામી 20 દિવસની રજા પર મોકલી દીધા છે. મેલમાં લખવામાં આવ્યું છે કે 11 મેના રોજ પરિસ્થિતિની સમીક્ષા કરીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. સંસ્થા દ્વારા મોકલવામાં આવેલા મેસેજમાં ‘કાયદાકીય કારણો’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે TMC એ કહ્યું- આ દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો છે અને એવું લાગે છે કે આ જમીની સ્તરે ભ્રમ પેદા કરવાનો એક ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે. I-PAC અને તેના ડિરેક્ટર પર કરોડો રૂપિયાના કોલસા ચોરી કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગનો આરોપ છે. આ મામલે CBI એ 27 નવેમ્બર 2020 ના રોજ FIR કરી હતી. આખો મામલો લગભગ 2,742 કરોડ રૂપિયા સાથે સંકળાયેલો છે. છેલ્લા ચાર મહિનામાં બે વાર દેશભરની ચારથી વધુ ઓફિસોમાં રેડ પડી ચૂકી છે. TMC બોલી- આ ભ્રમ પેદા કરવાનો જાણી જોઈને પ્રયાસ કરવામાં આવ્યો TMCએ એક નિવેદન જારી કરીને કહ્યું- અમને એક મીડિયા રિપોર્ટ મળ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે IPACએ આગામી 20 દિવસ માટે પશ્ચિમ બંગાળમાં પોતાનું કામ રોકી દીધું છે. આ દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો છે અને એવું લાગે છે કે આ જમીની સ્તરે ભ્રમ પેદા કરવાનો એક જાણી જોઈને કરવામાં આવેલો પ્રયાસ છે. IPAC ટીમ TMC સાથે સંપૂર્ણપણે જોડાયેલી છે અને સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચારનું કામ યોજના મુજબ ચાલુ છે. બંગાળના લોકો આ પ્રયાસોને સમજવામાં સંપૂર્ણપણે સક્ષમ છે અને તેઓ લોકતાંત્રિક રીતે તેનો જવાબ આપશે. પશ્ચિમ બંગાળ પર ખોટી માહિતી કે ધમકીઓની અસર થશે નહીં. તેઓ 23 અને 29 તારીખે નિર્ણાયક રીતે જવાબ આપશે અને 4 મેના રોજ આવનારા પરિણામો તેમના નિર્ણયને બતાવશે. I-PAC ના ઠેકાણાઓ પર અગાઉની બે રેડ… 2 એપ્રિલે દિલ્હી-બેંગલુરુ, હૈદરાબાદના ઠેકાણાઓ પર રેડ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 2 એપ્રિલે પોલિટિકલ કન્સલ્ટન્ટ કંપની I-PAC ના ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા હતા. ટીમે દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદમાં કંપનીની ઓફિસો પર કાર્યવાહી કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દરોડા કોલસા ચોરી અને કૌભાંડ સંબંધિત કેસમાં પાડવામાં આવ્યા હતા. 8 જાન્યુઆરીએ મમતા પહેલીવાર દરોડા વચ્ચે પહોંચ્યા હતા 8 જાન્યુઆરીના રોજ EDની ટીમે પ્રતીક જૈનના કોલકાતાના ગુલાઉડન સ્ટ્રીટ ખાતે ઘર અને બીજી ટીમે સોલ્ટલેક ખાતે ઓફિસ પર દરોડા પાડ્યા હતા. પ્રતીક જૈન જ મમતા બેનર્જી માટે પોલિટિકલ સ્ટ્રેટેજી તૈયાર કરે છે. કાર્યવાહી સવારે 6 વાગ્યે શરૂ થઈ હતી, પરંતુ લગભગ 11:30 વાગ્યા પછી મામલો ગરમાયો. સૌથી પહેલા કોલકાતા પોલીસ કમિશનર, પ્રતીકના નિવાસસ્થાને પહોંચ્યા. થોડા સમય પછી સીએમ મમતા બેનર્જી પોતે લાઉડન સ્ટ્રીટ સ્થિત તેમના ઘરે પહોંચી ગયા. મમતા ત્યાં થોડીવાર રોકાયા. જ્યારે તેઓ બહાર નીકળ્યા, ત્યારે તેમના હાથમાં એક લીલી ફાઇલ દેખાઈ. આ પછી તેઓ I-PACની ઓફિસે પણ ગયા હતા. નોલેજ પોઈન્ટ: I-PAC વિશે જાણો I-PAC (ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી) એક પોલિટિકલ કન્સલ્ટન્ટ ફર્મ છે. તેના ડાયરેક્ટર પ્રતીક જૈન છે. આ રાજકીય પક્ષોને ચૂંટણી રણનીતિ, ડેટા-આધારિત ઝુંબેશ, મીડિયા પ્લાનિંગ અને મતદારો સુધી પહોંચવામાં મદદ કરે છે. I-PAC અગાઉ Citizens for Accountable Governance (CAG) હતી. તેની શરૂઆત 2013માં પ્રશાંત કિશોરે પ્રતીક સાથે કરી હતી. બાદમાં તેનું નામ I-PAC રાખવામાં આવ્યું. પ્રશાંત કિશોરના હટ્યા પછી I-PACની કમાન પ્રતીક પાસે આવી ગઈ. પ્રશાંતે બાદમાં બિહારમાં ‘જન સુરાજ’ પાર્ટી બનાવી. I-PAC તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે 2021થી જોડાયેલી છે.
Read Original Article →