તેલંગાણાની સરકારી સ્કૂલમાં AIથી અભ્યાસ:105 બેઠકો માટે 3500 અરજીઓ આવી; ડિજિટલ સ્કૂલમાં એડમિશન માટે વાલીઓની લાંબી લાઈન લાગી
તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી 104 કિમી દૂર નલગોંડામાં આવેલી કોમટિરેડ્ડી પ્રતીક સરકારી સ્કૂલનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. હવે તે એસી કેમ્પસ, 36 સ્માર્ટ ક્લાસ, આધુનિક લેબ, લાઇબ્રેરી અને AI આધારિત શિક્ષણથી સજ્જ મોડેલ સરકારી સ્કૂલ બની ગઈ છે. સ્કૂલમાં બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. ધોરણ 2 અને 3 માટે રમતગમત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, વાર્તા, ફોનિક્સ, ઓડિયો-વીડિયો અને પ્રેક્ટિકલ લર્નિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. પર્યાવરણ શિક્ષણ માટે કિચન ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે. સ્કૂલમાં સ્વચ્છ શૌચાલય, શુદ્ધ પીવાનું પાણી, ડાઇનિંગ હોલ અને દરેક માળ માટે લિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે. આ તમામ સુવિધાઓ વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. તેલંગાણાના માર્ગ અને મકાન મંત્રી કોમાટિરેડ્ડીએ તેમના ટ્રસ્ટમાંથી 8 કરોડ રૂપિયા ખર્ચીને સ્કૂલનું પુનર્નિર્માણ કરાવ્યું છે. બેઠકો મર્યાદિત હોવાથી સમયસર અરજી કરનાર વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળ્યો છે, જેના કારણે પ્રવેશ માટે વાલીઓની લાંબી કતારો લાગી રહી છે. 105 બેઠકો માટે 3500 અરજીઓ આવી સ્કૂલમાં 12 શિક્ષકો અને લગભગ 250 બાળકો છે. અત્યાર સુધીમાં વાલીઓ 3500 અરજી ફોર્મ ભર્યા છે. તેમાંથી 2084 અરજી ફોર્મ જમા પણ થઈ ગયા છે. પરંતુ બેઠકો માત્ર 105 છે. મંત્રીએ સરકારને પ્રસ્તાવ આપ્યો છે કે આ સ્કૂલમાં શિક્ષકોની સંખ્યા વધારવામાં આવે. અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્રની યાદમાં બનાવી મંત્રી કોમટિરેડ્ડી વેંકટ રેડ્ડીએ જણાવ્યું કે મારા 19 વર્ષના પુત્ર પ્રતીકનું 2011માં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેની યાદ જાળવી રાખવા માટે મેં નક્કી કર્યુ હતું કે પુત્રની યાદમાં એક સ્કૂલ બનાવીશ અથવા કોઈ સ્કૂલને મદદ કરીશ, જ્યાં શિક્ષણની ગુણવત્તા સુધારી શકાય.
Read Original Article →