શરદ પવારે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા:કહ્યું- PM દેશ માટે કામ કરી રહ્યા છે, દેશના સન્માનની વાત આવે ત્યારે રાજકીય મતભેદ વચ્ચે ન લાવવા જોઈએ
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે ભલે આપણી રાજકીય વિચારધારા PM નરેન્દ્ર મોદીથી અલગ હોય, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે વડાપ્રધાન તરીકે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે પણ રાષ્ટ્રીય હિતમાં સામૂહિક રીતે કામ કરવાની તક મળે, ત્યારે બધાએ સમાન ઉદ્દેશ્ય સાથે આગળ આવવું જોઈએ. તેમણે કહ્યું કે રાજકીય વિચારો અલગ હોઈ શકે છે, પરંતુ દેશના સન્માનને લઈને મતભેદ આડે આવવા ન જોઈએ. પવાર પુણે સ્થિત લક્ષ્મણરાવ ગુટ્ટે રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પૂર્વ રાજ્ય અને જિલ્લા પદાધિકારીઓના સન્માન સમારોહમાં બોલી રહ્યા હતા. જવાહરલાલ નેહરુ સાથેની મુલાકાત યાદ કરી તેમણે કહ્યું કે 1958માં 18 વર્ષની ઉંમરે તેઓ બારામતીથી પુણે આવ્યા હતા, કારણ કે તે સમયે તેમના શહેરમાં કોલેજ નહોતી. પવારે કહ્યું કે તેમણે યુવા આંદોલનથી રાજકારણની શરૂઆત કરી, ચાર વર્ષ પછી પુણે સિટી યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને બાદમાં મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસનું નેતૃત્વ કરતા રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યા. પવારે કહ્યું કે યુવાવસ્થાની સૌથી યાદગાર ઘટનાઓમાંની એક પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથેની મુલાકાત હતી. તેમણે જણાવ્યું કે દિલ્હી સ્થિત ત્રણ મૂર્તિ ભવનમાં નેહરુને મળતી વખતે તેમણે ખેડૂતો અને યુવાનો સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો તૈયાર કર્યા હતા, પરંતુ નેહરુનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી હતું કે તેઓ બધું જ ભૂલી ગયા. ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલો એક કિસ્સો પણ શેર કર્યો પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલો એક કિસ્સો શેર કરતા પવારે કહ્યું કે, સોવિયત સંઘના સત્તાવાર પ્રવાસ દરમિયાન ઇન્દિરા ગાંધીને લાગ્યું કે ભારતના વડાપ્રધાનને યોગ્ય સન્માન આપવામાં આવ્યું નથી. પૂર્વ વડાપ્રધાન ઇન્દ્ર કુમાર ગુજરાલ સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા પવારે કહ્યું કે, ઇન્દિરા ગાંધીએ સોવિયત અધિકારીઓને કહ્યું હતું કે - હું ભારતના 40 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરું છું. જો તેમની પ્રતિષ્ઠાનું સન્માન નહીં થાય, તો હું તેને ક્યારેય સ્વીકારીશ નહીં. પવારે પૂર્વ વડાપ્રધાનો પી.વી. નરસિમ્હા રાવ અને ડૉ. મનમોહન સિંહનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે આ નેતાઓએ હંમેશા દેશના ભવિષ્ય અને તેની પ્રતિષ્ઠાને પોતાની રાજનીતિના કેન્દ્રમાં રાખી. તેમણે અલગ-અલગ પક્ષોમાં ગયેલા જૂના સાથીઓના ફરી એક મંચ પર આવકાર્યા અને કહ્યું કે રાષ્ટ્રીય હિત માટે સૌએ મળીને કામ કરવું જોઈએ. પવાર પહેલા પણ કરી ચૂક્યા છે પીએમની પ્રશંસા વર્ષ 2022માં મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં શરદ પવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વહીવટ પર સારી પકડ છે અને આ જ તેમની મજબૂત બાજુ છે. શરદ પવારે પીએમના કામકાજની શૈલીની પ્રશંસા કરતા કહ્યું કે એકવાર જ્યારે તેઓ કોઈ કાર્ય કરે છે, ત્યારે તેઓ તેને પૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરે છે. પવારે કહ્યું કે મોદી ખૂબ પ્રયાસ કરે છે અને કામ પૂરું કરવા માટે પૂરતો સમય આપે છે. તેમણે કહ્યું કે મોદીનો સ્વભાવ એવો છે કે એકવાર જ્યારે તેઓ કોઈપણ કાર્ય હાથમાં લે છે, તો તેઓ સુનિશ્ચિત કરશે કે જ્યાં સુધી તે (કાર્ય) તેના નિષ્કર્ષ પર ન પહોંચે ત્યાં સુધી તેઓ અટકશે નહીં.
Read Original Article →