સાત મહિનાની પ્રેગ્નેન્ટ સગીરાને અબોર્શનની મંજૂરી:SCએ કહ્યું- આ બાળક નહીં, મહિલાની ઈચ્છાનો સવાલ છે, તેને ડિલિવરી માટે મજબૂર કરી શકાય નહીં
સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાના એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સાત મહિનાથી વધુ સમયથી ગર્ભવતી 15 વર્ષની સગીર છોકરીને મેડિકલ ટર્મિનેશન (ગર્ભપાત)ની મંજૂરી આપી. છોકરીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તે ગર્ભાવસ્થા ચાલુ રાખવા માંગતી નથી. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાંની બેન્ચે કહ્યું, 'આ જન્મ લેનાર બાળકની વાત નથી. મહત્વનું એ છે કે મહિલા શું ઈચ્છે છે. જો મહિલા બાળકને જન્મ આપવા માંગતી ન હોય તો તેને મજબૂર કરી શકાય નહીં. ભલે બાળકને જન્મ પછી દત્તક આપવાનો વિકલ્પ ઉપલબ્ધ હોય.’ સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મેડિકલ રિપોર્ટનો હવાલો આપતા કહ્યું હતું કે આ તબક્કે ગર્ભપાત કરવો માતા અને બાળક બંને માટે જોખમી હોઈ શકે છે. તેમણે ડિલિવરી પછી બાળકને દત્તક આપવાનું સૂચન કર્યું હતું. કોર્ટે કહ્યું- મહિલાને પ્રજનન સંબંધિત નિર્ણયો લેવાની આઝાદી કોર્ટે કહ્યું, ‘કોઈપણ મહિલા, ખાસ કરીને સગીર, ને તેની ઈચ્છા વિરુદ્ધ ગર્ભાવસ્થા પૂર્ણ કરવા દબાણ કરવું તેની માનસિક, ભાવનાત્મક અને શારીરિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. તેથી તેની ઈચ્છાનું સન્માન કરવું જરૂરી છે.’ કોર્ટે કહ્યું કે પ્રજનન સંબંધિત નિર્ણયો લેવાનો અધિકાર વ્યક્તિગત સ્વતંત્રતા અને ગરિમાનો ભાગ છે. તેથી દત્તક આપવાનો વિકલ્પ કોઈ મહિલાને બળજબરીથી બાળકને જન્મ આપવા માટે મજબૂર કરવાનો આધાર બની શકે નહીં. SCએ કહ્યું- રાહત નહીં અપાય તો મહિલાઓ ગેરકાયદેસર ગર્ભપાત કરાવશે કોર્ટે કહ્યું કે જો અદાલતો અનિચ્છનીય ગર્ભાવસ્થા ચાલુ રાખવા પર ભાર મૂકશે, તો મહિલાઓ ગેરકાયદેસર ગર્ભપાત કેન્દ્રોનો આશ્રય લેવા અથવા છુપાઈને ગર્ભપાત કરાવવા મજબૂર થઈ શકે છે. આનાથી તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો વધી જશે. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક કહ્યું કે આવા કિસ્સાઓમાં બંધારણીય અદાલતોએ એ જોવું જોઈએ કે ગર્ભવતી મહિલાના હિતમાં શું શ્રેષ્ઠ છે, ખાસ કરીને ત્યારે જ્યારે ગર્ભ સ્પષ્ટપણે અનિચ્છનીય હોય. અંતે કોર્ટે સગીરાનો AIIMS દિલ્હીમાં તમામ જરૂરી તબીબી સાવચેતીઓ સાથે ગર્ભપાત કરાવવાનો નિર્દેશ આપ્યો.
Read Original Article →