AAPએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવ્યા:કહ્યું- ગૃહમાં પાર્ટી વતી નહીં બોલે; ગિર્ગ વર્કર્સ-રીચાર્જ જેવા મુદ્દા ઉઠાવી ચૂક્યા છે
આમ આદમી પાર્ટી (AAP) એ ગુરુવારે સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ આ પદ રાજ્યસભા સાંસદ અશોક મિત્તલને આપવામાં આવ્યું છે. પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને આ માહિતી આપી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે સદનમાં પાર્ટી તરફથી બોલવાનો સમય ન આપવામાં આવે. રાઘવ 2022થી પંજાબથી રાજ્યસભા સાંસદ છે. તેમનો કાર્યકાળ 2028 સુધીનો છે. પાર્ટીએ આ નિર્ણયનું કારણ જણાવ્યું નથી. જોકે, તેમણે લાંબા સમયથી પાર્ટીથી અંતર બનાવી લીધું હતું અને AAPને લઈને કોઈ નિવેદન આપી રહ્યા ન હતા. 27 ફેબ્રુઆરીએ જ્યારે એક નીચલી કોર્ટમાંથી અરવિંદ કેજરીવાલને દિલ્હી લીકર પોલિસી કેસમાં રાહત મળી, ત્યારે પણ તેમણે કોઈ નિવેદન આપ્યું ન હતું. રાજ્યસભામાં પણ તેઓ ગીગ વર્કર્સ અને સ્કૂલ ફી જેવા મુદ્દા ઉઠાવી રહ્યા હતા. અશોક મિત્તલ પણ પંજાબથી AAPના રાજ્યસભા સાંસદ છે. તેઓ જલંધરના રહેવાસી છે. પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના સ્થાપક અને ચાન્સેલર છે. 2022માં રાજ્યસભા સાંસદ બન્યા હતા. રાજકારણમાં આવતા પહેલા તેઓ સફળ ઉદ્યોગપતિ રહ્યા છે. તેમનો પરિવાર 'લવલી ગ્રુપ'નો માલિક છે, જે ઓટોમોબાઈલ અને મીઠાઈ (લવલી સ્વીટ્સ)ના વ્યવસાય સાથે સંકળાયેલું છે. સંસદના છેલ્લા બે સત્રોમાં રાઘવે સામાન્ય લોકો સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવ્યા શિયાળુ સત્ર 2025 ગિગ વર્કર્સનો મુદ્દો: બ્લિંકિટ, ઝોમેટો અને સ્વિગી જેવા ડિલિવરી પાર્ટનર્સના ઓછા વેતન, 10-મિનિટ ડિલિવરી મોડેલ અને સામાજિક સુરક્ષાનો અભાવ. ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ: કોપીરાઈટ એક્ટ 1957માં સુધારાની માંગ કરી, જેથી શિક્ષકો અને ઇન્ફ્લુએન્સર્સને અલ્ગોરિધમ અને ખોટા 'ટેકડાઉન'થી બચાવી શકાય. સ્વાસ્થ્ય ક્ષેત્ર: 'એક દેશ, એક સ્વાસ્થ્ય સારવાર' (One Nation, One Health Treatment) ની હિમાયત કરી અને ખાનગી હોસ્પિટલોની ખરાબ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. બજેટ સત્ર 2026 ખાદ્ય ભેળસેળ: રાજ્યસભામાં યુરિયા અને અન્ય ભેળસેળનો મુદ્દો ઉઠાવ્યો. એરપોર્ટ પર સસ્તું ભોજન: એરપોર્ટ પર મુસાફરોને સસ્તું ભોજન મળે તે માટે, તમામ 150+ એરપોર્ટના ડિપાર્ચર એરિયામાં સસ્તું કેફેની માંગ કરી. 28-દિવસનું રિચાર્જ: મોબાઇલ રિચાર્જ 28 દિવસને બદલે આખા કેલેન્ડર મહિના (30 કે 31)નું હોય, અને બાકી રહેલો ડેટા આવતા મહિને ઉમેરાય. બેંક પેનલ્ટી: મિનિમમ બેલેન્સ ન રાખવા પર લાગતા દંડને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. સંયુક્ત ઇનકમ ટેક્સ ફાઇલિંગ: વિવાહિત યુગલો માટે એકસાથે ઇનકમ ટેક્સ ફાઇલિંગનો વિકલ્પ આપવામાં આવે. પિતૃત્વ રજા: ભારતમાં પિતૃત્વ રજા (paternity leave) ને કાનૂની અધિકાર બનાવવો જોઈએ.
Read Original Article →