AAP સાંસદ રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાશે:સાંસદ અશોક મિત્તલ અને સંદીપ પાઠકે પણ પાર્ટી છોડી; કહ્યું- પાર્ટી લક્ષ્યથી ભટકી ગઈ

National4/24/2026, 10:13:48 AM
AAP સાંસદ રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાશે:સાંસદ અશોક મિત્તલ અને સંદીપ પાઠકે પણ પાર્ટી છોડી; કહ્યું- પાર્ટી લક્ષ્યથી ભટકી ગઈ
રાઘવ ચઢ્ઢાએ AAP છોડવાની જાહેરાત કરી દીધી છે. તેમણે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પાર્ટીના બે-તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છું. તેમણે કહ્યું કે જે આમ આદમી પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સિંચી હતી. તે પાર્ટી પોતાના લક્ષ્યોથી ભટકી ગઈ છે. આ પાર્ટી પોતાના અંગત ફાયદા માટે કામ કરી રહી છે. સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, “અમે આ નિર્ણય કર્યો છે કે અમે, એટલે કે રાજ્યસભામાં AAPના બે-તૃતીયાંશ સભ્યો, ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને પોતાને BJPમાં ભેળવી દઈશું.” રાઘવ ચઢ્ઢા મામલે અત્યાર સુધી શું-શું થયું ઉપનેતા પદ પરથી હટાવાયા: આમ આદમી પાર્ટીએ 2 એપ્રિલે રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર (ઉપનેતા)ના પદ પરથી હટાવ્યા. તેમની જગ્યાએ પંજાબના સાંસદ અશોક મિત્તલને આ જવાબદારી સોંપવામાં આવી. AAPએ રાજ્યસભા સચિવાલયને જાણ કરી કે રાઘવ ચઢ્ઢાને હવે સદનમાં બોલવા માટે પાર્ટીના ક્વોટામાંથી સમય ન આપવામાં આવે. રાઘવે કહ્યું- મને ચૂપ કરાવવામાં આવ્યો, હાર્યો નથી: ચઢ્ઢાએ આ અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું- મને ચૂપ કરાવવામાં આવ્યો છે, પરંતુ હું હાર્યો નથી. જે લોકોએ પાર્લામેન્ટમાં મારા બોલવાનો અધિકાર મારી પાસેથી છીનવી લીધો, મને ચૂપ કરી દીધો, હું તેમને પણ કંઈક કહેવા માંગુ છું. મારી ચૂપ્પીને મારી હાર ન સમજતા. હું એ દરિયો છું, જે સમય આવ્યે પૂર બને છે. AAP નેતાઓ સામે આવ્યા, કહ્યું- રાઘવ પાર્ટી લાઇનથી હટી ગયા: રાઘવનો વીડિયો સામે આવતા જ અનુરાગ ઢાંડા, સૌરભ ભારદ્વાજ, આતિશી માર્લેના, સીએમ ભગવંત માન જેવા ઘણા AAP નેતાઓ સામે આવ્યા. તેમણે કહ્યું કે જ્યારે કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે રાઘવ ચઢ્ઢા આંખોના ઓપરેશનની વાત કહીને UKમાં હતા. સંસદમાં કેન્દ્ર સરકાર અને PM મોદીને સવાલ પૂછતા નથી, તેઓ મોદીથી ડરે છે. તેઓ રાષ્ટ્રીય મુદ્દાઓ કરતાં સમોસાના ભાવ જેવા નાના મુદ્દાઓ ઉઠાવે છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું- સ્ક્રિપ્ટેડ કેમ્પેન ચલાવી રહ્યા છે: રાઘવે 4 એપ્રિલે બીજો વીડિયો જાહેર કરીને કહ્યું- ગઈકાલથી મારી વિરુદ્ધ એક સ્ક્રિપ્ટેડ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. એ જ ભાષા, એ જ વાતો, એ જ આરોપો. આ કોઈ સંયોગ નથી, પરંતુ એક સંકલિત હુમલો છે. હું સંસદમાં ઘોંઘાટ કરવા, બૂમો પાડવા, માઈક તોડવા કે ગાળો આપવા ગયો નથી, પરંતુ જનતાના મુદ્દા ઉઠાવવા ગયો છું. અંતે… ઘાયલ છું, તેથી ઘાતક છું એમ કહીને AAPને ચેતવણી આપી. રાઘવ ચઢ્ઢાએ નવો વીડિયો જાહેર કર્યો: રાઘવ ચઢ્ઢાએ 5 એપ્રિલે ફરી નવો વીડિયો શેર કર્યો. તેમાં તેમણે લખ્યું- મારા તે સહયોગીઓ માટે જેઓ મજબૂર થઈને વીડિયો જાહેર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે રાઘવ ચઢ્ઢા સંસદમાં પંજાબના મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા. તેમના માટે પંજાબના મુદ્દા ઉઠાવવાનો આ વીડિયો છે. ચઢ્ઢાએ આગળ લખ્યું- પંજાબ મારા માટે માત્ર એક વિષય નથી. આ મારું ઘર છે, મારું કર્તવ્ય છે, મારી માટી છે, મારો આત્મા છે. AAP નેતાએ કહ્યું- રાઘવે મોદી વિરોધી પોસ્ટ હટાવી: AAP નેતા સૌરભ ભારદ્વાજે દાવો કર્યો છે કે રાઘવ ચઢ્ઢાએ PM નરેન્દ્ર મોદી અને ભાજપની ટીકા કરતી પોતાની તમામ જૂની પોસ્ટ ડિલીટ કરી દીધી છે. હવે ફક્ત 2 પોસ્ટ છે જેમાં મોદી શબ્દ છે અને તે પણ મોદીની પ્રશંસા કરનારી છે. રાઘવ ચઢ્ઢાએ અંગ્રેજી પુસ્તકથી કેજરીવાલ પર કટાક્ષ કર્યો: રાઘવ ચઢ્ઢાએ અમેરિકી લેખક રોબર્ટ ગ્રીનના પુસ્તક 'ધ 48 લોઝ ઓફ પાવર' વાંચતા ફોટો શેર કર્યો. રાઘવ ચઢ્ઢાએ જે પાનું શેર કર્યું છે, તેમાં લખ્યું હતું કે પોતાના માલિક કે બોસ કરતાં વધારે ચમકવાની કોશિશ ક્યારેય ન કરો. જો તમે આવું કરો છો, તો તેની વિપરીત અસર થઈ શકે છે. તેમનામાં ડર અને અસુરક્ષાની ભાવના પેદા થઈ શકે છે. સમાચાર અપડેટ થઈ રહ્યા છે…
Read Original Article →