NEET પેપર લીકની આરોપી ફિઝિક્સ ટીચર સસ્પેન્ડ:ધરપકડ બાદ મેનેજમેન્ટે કાર્યવાહી કરી, અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ

National5/23/2026, 8:43:21 AM
NEET પેપર લીકની આરોપી ફિઝિક્સ ટીચર સસ્પેન્ડ:ધરપકડ બાદ મેનેજમેન્ટે કાર્યવાહી કરી, અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ
મહારાષ્ટ્રની સ્કૂલ શેઠ હીરાલાલ સરસ્વતી પ્રશાલાએ સિનિયર ફિઝિક્સ લેક્ચરર મનીષા સંજય હવાલદારને NEET પેપર લીકમાં સામેલ હોવાના આરોપસર ધરપકડ બાદ તરત જ સસ્પેન્ડ કરી દીધા છે. સ્કૂલ સેક્રેટરી ડો. સતીશ ગાવડેએ જણાવ્યું કે મનીષા, 1992થી સંસ્થામાં ફિઝિક્સના લેક્ચરર છે. તેમની પાસે MSc. BEdની ડિગ્રી છે. તેઓ 30 જૂને નિવૃત્ત થવાના છે. ગાવડેએ મનીષાના આ કૃત્યને વિદ્યાર્થીઓ, સંસ્થા અને દેશ સાથે વિશ્વાસઘાત ગણાવ્યો. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય આંતરિક તપાસ સમિતિ બનાવવામાં આવી છે. ડો. ગાવડેએ કહ્યું- અમને આ NEET મામલા વિશે કોઈ જાણકારી નથી કે તેઓ શું કરી રહ્યા હતા, તેમને ક્યારે નિયુક્ત કરવામાં આવ્યા હતા, કે કોણે નિયુક્ત કર્યા હતા. NEET પેપર લીક કેસમાં 11મા આરોપી તરીકે ધરપકડ કરાયેલા મનીષા પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હતા. NTAએ તેમને નિષ્ણાત તરીકે નિયુક્ત કર્યા હતા. મનીષાની પહોંચ ફિઝિક્સના પ્રશ્નપત્ર સુધી હતી. એપ્રિલ 2026માં તેમણે ફિઝિક્સ સંબંધિત કેટલાક પ્રશ્નો અન્ય આરોપી મનીષા મંધારે સાથે શેર કર્યા હતા. 3 મેના રોજ યોજાયેલી NEET પરીક્ષા પછી તેના પેપર લીક થવાના સમાચાર સામે આવ્યા. આ કેસમાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે, લાતુર અને અહિલ્યાનગરથી 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ફી રિફંડ માટે છેલ્લી તારીખ 27 મે NTA એ શુક્રવારે NEET-UG 2026 ના ઉમેદવારો માટે એક ખાસ પોર્ટલ ખોલ્યું છે, જેથી તેઓ આ મહિનાની શરૂઆતમાં પ્રવેશ પરીક્ષા રદ થયા પછી પરીક્ષા ફી રિફંડ માટે તેમના બેંક ખાતાની વિગતો જમા કરાવી શકે. બેંક ખાતાની વિગતો જમા કરાવવાની સુવિધા 22 મે થી 27 મે (રાત્રે 11:50 વાગ્યા સુધી) સુધી ઉપલબ્ધ રહેશે. 3 મેના રોજ લેવાયેલી પરીક્ષા 12 મેના રોજ રદ NEET-UG પરીક્ષા 3 મેના રોજ દેશના 551 શહેરો અને વિદેશના 14 કેન્દ્રો પર યોજાઈ હતી. તેમાં લગભગ 23 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. NTA અનુસાર, 7 મેની સાંજે પરીક્ષામાં ગેરરીતિની માહિતી મળી હતી. ત્યારબાદ આ મામલો કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો. 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નીટ યુજી- 2026 પેપર લીક કૌભાંડમાં સીબીઆઈની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. સીબીઆઈના જણાવ્યા મુજબ, પાંચ રાજ્યોમાં નીટના પ્રશ્નપત્રો વેચાયા હતા, જેમાં મહારાષ્ટ્ર સૌથી મોટું કેન્દ્ર બનીને સામે આવ્યું છે, જ્યારે રાજસ્થાન બીજા ક્રમે છે. અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ અને ડિજિટલ ઉપકરણોની તપાસમાં જાણવા મળ્યું છે કે, મહારાષ્ટ્રમાંથી તૈયાર કરાયેલા પ્રશ્ન સંચ અન્ય રાજ્યો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. સીબીઆઈના અધિકારીઓનું માનવું છે કે, આ કૌભાંડ હજુ વધુ મોટું બહાર આવી શકે છે, કારણ કે અનેક વાલીઓએ મોટી રકમ ચૂકવીને પ્રશ્નપત્ર મેળવ્યા બાદ તેને અન્ય વિદ્યાર્થીઓ અને પરિવારોને પણ વેચ્યા હોવાના પુરાવા મળ્યા છે. સીબીઆઈ હાલમાં તે તમામ માતા- પિતાની યાદી તૈયાર કરી રહી છે, જેમણે આરોપી શિવરાજ મોટેગાવકર, પી.વી. કુલકર્ણી અને તેમના સાગરીતોનાં ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં. તપાસમાં સામે આવ્યું છે કે, પેપરની નકલો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તૈયાર કરવામાં આવી હતી અને પછી વિવિધ શહેરોમાં પહોંચાડવામાં આવી હતી. સીબીઆઈની અલગ અલગ ટીમો હવે દલાલો, માસ્ટરમાઇન્ડ અને પેપર ખરીદનારા વિદ્યાર્થીઓ તથા વાલીઓ સુધી પહોંચવા માટે દરોડા પાડી રહી છે.
Read Original Article →