MPમાં જૈન સાધ્વીઓને કારે કચડી નાખ્યા:2ના મોત, એક ગંભીર; જૈન સમાજ આવતીકાલે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે

National5/24/2026, 11:04:51 AM
MPમાં જૈન સાધ્વીઓને કારે કચડી નાખ્યા:2ના મોત, એક ગંભીર; જૈન સમાજ આવતીકાલે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે
MPના રીવામાં જૈન સાધ્વીઓને કારથી કચડવાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રોડ કિનારે શાંતિપૂર્વક પદયાત્રા કરી રહેલી ત્રણ જૈન સાધ્વીઓને પુરપાટ ઝડપે જઈ રહેલી એક કારે પાછળથી જોરદાર ટક્કર મારી. આ અકસ્માતમાં બે સાધ્વીઓના મોત થયા છે, જ્યારે અન્ય એકની હાલત ગંભીર બનેલી છે. શનિવારે વીડિયો સામે આવ્યા બાદ જૈન સમાજમાં ભારે આક્રોશ છે અને 25 મેના રોજ સમગ્ર ભારતમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. પહેલા જુઓ અકસ્માતની ત્રણ તસવીરો… સાધ્વીઓ પગપાળા જઈ રહી હતી, ટક્કર બાદ અફરાતફરી મચી ગઈ નજરેજોનાર અને પોલીસ અનુસાર, 20 મેની બપોરે ત્રણેય સાધ્વીઓ નિયમ અને પરંપરા અનુસાર રસ્તાની સાઈડમાં ચાલી રહી હતી, ત્યારે અચાનક આવેલી પુરપાટ ઝડપે કારે તેમને અડફેટમાં લીધા. આનાથી પૂજ્ય શ્રુતિ મતિ માતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું અને ઉપસમિતિ માતાનું સંજય ગાંધી હોસ્પિટલમાં મોત થયું. જ્યારે આર્યિકા માતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની હાલત ગંભીર બનેલી છે. અકસ્માતના તરત જ બાદ સ્થાનિક લોકોએ તત્પરતા દાખવીને ત્રણેયને હોસ્પિટલ પહોંચાડ્યા, પરંતુ ત્યાં સુધીમાં એક સાધ્વીના શ્વાસ થંભી ચૂક્યા હતા. કચડ્યા બાદ 270 કિલોમીટર ભાગ્યો ડ્રાઈવર, જબલપુરમાં પકડાયો અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક રશીદ આબાદ અલી શાહે રોકાવાને બદલે કારની ગતિ વધારી દીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. આરોપી ડ્રાઈવર રીવાથી લગભગ 270 કિલોમીટર દૂર ભાગી ગયો હતો. રીવા પોલીસના ઇનપુટ પર જબલપુરની બરગી પોલીસે કાર્યવાહી કરી. બહોરીપાર ટોલ નાકા પર પોલીસે ઘેરાબંધી કરીને આરોપી ડ્રાઈવરને પકડી લીધો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કમિશનર બી.એસ. જામોદ, ડેપ્યુટી કમિશનર નરેન્દ્ર સૂર્યવંશી અને એસપી ગુરુકરણ સિંહે પોતે હોસ્પિટલ અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું છે. જૈન સમાજે કહ્યું- સરકાર ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસ કરાવે ઘટના બાદ જૈન સમાજે સરકાર અને પ્રશાસન સમક્ષ ગંભીર માંગણીઓ મૂકી છે. સમાજનું કહેવું છે કે આ માત્ર એક અકસ્માત નથી, પરંતુ મોટી બેદરકારી કે ષડયંત્ર હોઈ શકે છે. મામલાની ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસ અથવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરાવવામાં આવે. સાથે જ તમામ ડિજિટલ અને સીસીટીવી પુરાવા સુરક્ષિત રાખવામાં આવે. દેશભરમાં પગપાળા વિહાર કરતા સાધુ-સંતોની સુરક્ષા માટે રાષ્ટ્રીય સ્તરે સંત સુરક્ષા નીતિ અને સંત સુરક્ષા પ્રોટોકોલ લાગુ થાય. જો તપાસમાં કોઈપણ પ્રકારના ષડયંત્રની પુષ્ટિ થાય તો દોષિતોને ફાંસી અથવા સખતમાં સખત સજા કરવામાં આવે. કાલે દેશવ્યાપી બંધ અને ખંડવામાં નીકળશે મૌન રેલી આ ઘટનાના વિરોધમાં 25 મેના રોજ દેશના અલગ-અલગ ભાગોમાં વિરોધ પ્રદર્શનો થશે. આ જ કડીમાં ખંડવાના સકલ જૈન સમાજે સવારે 8 વાગ્યાથી એક વિશાળ મૌન રેલી કાઢવાનો નિર્ણય લીધો છે. આ રેલી મહાવીર ઉદ્યાન કીર્તિ સ્તંભથી શરૂ થઈને ઘંટાઘર, મુંબઈ બજાર અને ફૂલ ગલી થઈને પોલીસ કંટ્રોલ રૂમ પહોંચશે. રેલીના સમાપન પર જિલ્લા કલેક્ટર મારફતે દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના નામે આવેદનપત્ર સુપરત કરવામાં આવશે. જૈન સમાજના અધ્યક્ષ વીરેન્દ્ર જૈન, સચિવ સુનીલ જૈન સહિત દિલીપ પહાડિયા, સંજય જૈન અને વિકાસ બોથરા જેવા પદાધિકારીઓએ સમાજના દરેક વર્ગ અને માતૃશક્તિને આ મૌન રેલીમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવા અપીલ કરી છે. જૈન સમાજનું કહેવું છે કે સંતોની સુરક્ષા ફક્ત એક સમાજનો વિષય નથી, પરંતુ સમગ્ર ભારતની આધ્યાત્મિક વિરાસતની સુરક્ષાનો પ્રશ્ન છે.
Read Original Article →