કર્ણાટકની સ્કૂલોમાં હિજાબ પ્રતિબંધનો આદેશ પાછો ખેંચાયો:2022માં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો; નવા આદેશમાં રુદ્રાક્ષ અને જનોઈની પણ મંજૂરી

National5/14/2026, 4:14:48 AM
કર્ણાટકની સ્કૂલોમાં હિજાબ પ્રતિબંધનો આદેશ પાછો ખેંચાયો:2022માં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો; નવા આદેશમાં રુદ્રાક્ષ અને જનોઈની પણ મંજૂરી
કર્ણાટક સરકારે સ્કૂલો-કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાના 2022ના નિર્ણયને પાછો ખેંચી લીધો છે. નવા આદેશ હેઠળ વિદ્યાર્થીઓને હિજાબ ઉપરાંત કલાવા, રુદ્રાક્ષ અને જનોઈની પણ મંજૂરી આપવામાં આવી છે. શરત એ છે કે આ સ્કૂલના અનુશાસન અને નિયમો હેઠળ હોય. કર્ણાટકની તત્કાલીન BJP સરકારે ફેબ્રુઆરી 2022માં એક આદેશ જારી કર્યો હતો. જે અંતર્ગત સરકારી પ્રી-યુનિવર્સિટી કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે નિર્ધારિત યુનિફોર્મનું પાલન કરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે એવા કપડાં પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં જે 'સમાનતા, એકતા અને જાહેર વ્યવસ્થા'ને અસર કરે. આ આદેશ પછી ઘણા સરકારી શિક્ષણ સંસ્થાનોમાં હિજાબ પહેરીને ક્લાસમાં પ્રવેશ પર રોક લાગી ગઈ હતી. હવે કર્ણાટકમાં હિજાબ વિવાદને જાણો… ડિસેમ્બર 2021માં હિજાબ પર વિવાદ શરૂ થયો હતો કર્ણાટકના ઉડુપી જિલ્લાની એક કોલેજમાં 31 ડિસેમ્બર 2021ના રોજ 6 મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાથી રોકવામાં આવી હતી, ત્યારબાદ તેઓ ધરણા પર બેસી ગઈ હતી. આ વિવાદ રાજ્યના બાકીના ભાગોમાં પણ ફેલાઈ ગયો. ત્યારબાદ હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ બદલામાં ભગવા શાલ પહેરીને કોલેજ આવવાનું શરૂ કર્યું. હિંસા થઈ તો ફેબ્રુઆરી 2022માં રાજ્ય સરકારે સ્કૂલ-કોલેજોમાં તમામ પ્રકારના ધાર્મિક ઓળખવાળા કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂક્યો. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ કપડું જે સમાનતા, અખંડિતતા અને જાહેર કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડશે, તેને પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ આદેશને લઈને ભારે હોબાળો થયો હતો. માર્ચ 2022માં મામલો હાઈકોર્ટ પહોંચ્યો, આદેશ યથાવત રહ્યો માર્ચ 2022માં કર્ણાટક હાઈકોર્ટે સરકારના આદેશને યોગ્ય ઠેરવ્યો અને કહ્યું કે ઇસ્લામમાં હિજાબ 'અનિવાર્ય ધાર્મિક પ્રથા' સાબિત થયો નથી. પછી મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. ઓક્ટોબર 2022માં સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચમાં વિભાજિત ચુકાદો આવ્યો. એક જજે પ્રતિબંધ હટાવવાની વાત કરી, બીજાએ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો. કર્ણાટક સરકારને નિર્ણય બદલવામાં 4 વર્ષ કેમ લાગ્યા? ઓક્ટોબર 2022માં સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે વિભાજિત ચુકાદો આપ્યો. જસ્ટિસ હેમંત ગુપ્તાએ કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય અને પ્રતિબંધને યોગ્ય માન્યો. જસ્ટિસ સુધાંશુ ધૂલિયાએ કહ્યું કે વિદ્યાર્થિનીઓનું શિક્ષણ અને પસંદગી વધુ મહત્વપૂર્ણ છે અને પ્રતિબંધ ખોટો છે. બંને જજોનો અભિપ્રાય અલગ હોવાને કારણે મામલો મોટી બેન્ચને રેફર કરવામાં આવ્યો. આ પછી ઘણા વર્ષો સુધી મોટી બેન્ચમાં નિયમિત સુનાવણી શરૂ થઈ નહીં અને અંતિમ બંધારણીય નિર્ણય પેન્ડિંગ રહ્યો. આ દરમિયાન કાનૂની સ્થિતિ એ જ રહી કે કર્ણાટક હાઈકોર્ટનો 2022નો નિર્ણય પ્રભાવી માનવામાં આવતો રહ્યો, કારણ કે સુપ્રીમ કોર્ટે તેને સંપૂર્ણપણે રદ કર્યો ન હતો. ચાર વર્ષની રાહ જોયા પછી જ્યારે કોર્ટ તરફથી કોઈ અંતિમ નિર્ણય ન આવ્યો. ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે વહીવટી સ્તરે જૂનો પ્રતિબંધ આદેશ પાછો ખેંચી લીધો. ---------------------------- આ સમાચાર પણ વાંચો… ડેપ્યુટી CM શિવકુમાર બોલ્યા- આખરે અમે પણ હિન્દુ છીએ: રોજ કરું છું ભગવાન રામની પૂજા કર્ણાટકના ડેપ્યુટી CM ડીકે શિવકુમારે રામ મંદિરને લઈને ચાલી રહેલી રાજનીતિ પર કહ્યું, ભગવાન રામ કોઈ એકના નથી. આખરે આપણે બધા હિન્દુ છીએ. શિવકુમારે આ વાત પોતાની સરકારના તે નિર્ણયનો બચાવ કરતા કહી. જેમાં રાજ્ય સરકારે 22 જાન્યુઆરીએ કર્ણાટકના તમામ મંદિરોમાં વિશેષ પૂજા કરાવવાનો આદેશ આપ્યો છે.
Read Original Article →