જર્મનીમાં ગુરુદ્વારામાં ફાયરિંગ:બે જુથ વચ્ચે હિંસક અથડામણ, કૃપાણ-છરીથી હુમલો, 11 ઘાયલ; નાણાકીય વહીવટ મામલે ધબધબાટી બોલી

National4/21/2026, 3:56:47 AM
જર્મનીમાં ગુરુદ્વારામાં ફાયરિંગ:બે જુથ વચ્ચે હિંસક અથડામણ, કૃપાણ-છરીથી હુમલો, 11 ઘાયલ; નાણાકીય વહીવટ મામલે ધબધબાટી બોલી
જર્મન શહેરના મોર્સના ડ્યુઇસબર્ગ વિસ્તારમાં એક ગુરુદ્વારામાં હિંસક અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના વીડિયો, જે ગુરુદ્વારાની અંદરથી હોવાનું કહેવાય છે, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં બે જૂથો વચ્ચે મારામારી થતી દેખાઈ રહી છે. આ વિચલિત કરનારા વીડિયોમાં છરીઓ અને તલવારો સહિતના તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવી રહેલો જોવા મળી રહ્યો છે. જર્મન અખબાર બિલ્ડ અનુસાર, આ અથડામણમાં લગભગ 40 લોકો સામેલ હતા. ત્યારબાદ પોલીસે મોટી કાર્યવાહી કરી, જેમાં ખાસ પોલીસ ટેક્નિકલ ટીમને મોકલવામાં આવી છે. સાક્ષીઓએ અહેવાલ આપ્યો કે, ગુરુદ્વારાની અંદર તીક્ષ્ણ હથિયારો ઉપરાંત, પેપર સ્પ્રે અને પિસ્તોલથી હુમલો કરવામાં આવ્યો હતો. લોહિયાળ અથડામણ શા માટે થઈ? આ લોહિયાળ અથડામણનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે. જોકે, પ્રાથમિક તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે આ વિવાદ નવા ડિરેક્ટર બોર્ડની ચૂંટણી સાથે સંબંધિત હોઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિવાદ ગુરુદ્વારાના ભંડોળનો પણ છે, જેના પર વિવિધ જૂથો પોતાનો હક દાવો કરે છે. સોમવારે આ ઘટના જોનારા 56 વર્ષીય વ્યક્તિએ બિલ્ડ અખબારને જણાવ્યું, "આ હુમલો પૂર્વ આયોજિત લાગે છે. સેવા શરૂ થાય તેના થોડા સમય પહેલા, હુમલાખોરો અચાનક પેપર સ્પ્રે સાથે આવ્યા અને તેમના વિરોધીઓ પર છંટકાવ કર્યો. પછી તેમાંથી એકે પિસ્તોલથી ફાયરિંગ કર્યું. છરીઓથી પણ હુમલો થતો જોયો." વિસ્તારપૂર્વક વાંચો આખો મામલો હિસાબ-કિતાબને લઈને દલીલબાજી: ડ્યુસબર્ગ ખાતે ગુરુદ્વારા સિંહ સભામાં સોમવારે (20 એપ્રિલે) સવારે ગુરુદ્વારાના હિસાબ-કિતાબને લઈને બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન હિસાબ-કિતાબને લઈને હળવી દલીલ શરૂ થઈ. જોતજોતામાં દલીલ ઉગ્ર બની અને લોકો એકબીજાને ધક્કા મારવા લાગ્યા. દલીલ ઝપાઝપીમાં બદલાઈ, ગુરુદ્વારામાં અફરાતફરી: ગુરુદ્વારાની અંદર શરૂઆતમાં મુખ્ય હોલમાં ભારે ભીડ અને ઘોંઘાટ દેખાય છે અને સંભળાય છે. સંગત વચ્ચે અચાનક દલીલ શરૂ થાય છે, જે જોતજોતામાં હિંસક ઝપાઝપીમાં બદલાઈ જાય છે. લોકો એકબીજાને ધક્કા મારતા અને બૂમો પાડતા જોવા મળે છે. પૂર્વ પ્રબંધન સમિતિના સભ્યો પર હુમલાનો આરોપ: આરોપ છે કે પૂર્વ પ્રબંધન સમિતિના સભ્યો મીટિંગ દરમિયાન ગુરુદ્વારામાં ઘૂસી આવ્યા. તેમણે પહેલાં દલીલ શરૂ કરી અને હુમલો કર્યો. ઝપાઝપીમાં એક વ્યક્તિએ કૃપાણ કાઢી અને હુમલો શરૂ કરી દીધો. તેમાં 11 લોકો ઘાયલ થયા. 1 મિનિટ 3 સેકન્ડ સુધી બંને જૂથ એકબીજા પર હુમલો કરતા રહ્યા. પગ નીચે કચડાઈ ગયેલી પાઘડીઓ: ઝપાઝપી એટલી ખતરનાક હતી કે ઘણા લોકોની પાઘડીઓ પડી ગઈ અને ફ્લોર પર વિખરાયેલી દેખાઈ. લોકો પાઘડીઓ કચડતા રહ્યા. કીર્તન માટે રાખેલા તબલા અને માઈક પણ આમતેમ ફેંકી દેવામાં આવ્યા. મધ્યસ્થી કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો: વીડિયોમાં કેટલાક વૃદ્ધો અને સેવાભાવીઓ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા, પરંતુ ઝઘડો કરી રહેલા લોકો કોઈની વાત સાંભળવા તૈયાર નહોતા. પવિત્ર દીવાન હોલ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો. અથડામણમાં 11 લોકો ઘાયલ થયા તેમણે સમજાવ્યું કે ગુરુદ્વારાના નાણાકીય વહીવટને લઈને જૂના અને નવા બોર્ડ સભ્યો વચ્ચે મતભેદો હતા. સાક્ષીએ કહ્યું, “કેટલાક સમયથી સમસ્યાઓ અને વિવાદો ચાલી રહ્યા છે. પરંતુ વાસ્તવિક મુદ્દો એ છે કે કોનો પ્રભાવ રહેશે અને અંતિમ નિર્ણયો કોણ લેશે. જ્યારે હુમલો શરૂ થયો, ત્યારે ઘણા લોકો ડરથી ગુરુદ્વારા છોડીને ભાગી ગયા. પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ શકી હોત. સારી વાત એ છે કે કોઈના જીવને જોખમ નથી.” બિલ્ડના જણાવ્યા મુજબ, આ અથડામણમાં 11 લોકો ઘાયલ થયા હતા. પેરામેડિક્સ અને એક ઇમરજન્સી ડૉક્ટરે ઘાયલોની સ્થળ પર જ સારવાર કરી. જર્મન પોલીસે કાર્યવાહી કરી છે અને એક શંકાસ્પદ વ્યક્તિને હાથકડી પહેરાવીને અટકાયતમાં લીધો છે. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) હવે તપાસ કરી રહ્યું છે કે હુમલો કોણે શરૂ કર્યો અને તેની પાછળનો મુખ્ય સૂત્રધાર કોણ હતો. સત્તાની લડાઈએ હિંસક રૂપ લીધું પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, વિવાદનું મૂળ તાજેતરમાં થયેલી મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી છે. કહેવાય છે કે જે જૂથ ચૂંટણી હારી ગયું હતું, તે સત્તા છોડવા તૈયાર નહોતું. 20 એપ્રિલની સવારે જ્યારે ગુરુદ્વારામાં સંગત હાજર હતી, ત્યારે પૂર્વ કમિટીના લોકો બળજબરીથી વહીવટ પર કબજો કરવાના ઇરાદે અંદર ઘૂસી આવ્યા. જર્મન પોલીસે ગુરુદ્વારાની બહાર સુરક્ષા ગોઠવી ઘટનાની જાણ થતાં જ જર્મન પોલીસ ગુરુદ્વારા પહોંચી. પોલીસ અનુસાર, આ અથડામણમાં કુલ 11 લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કેટલાક લોકોને કસ્ટડીમાં પણ લીધા છે અને ગુરુદ્વારાની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Read Original Article →