સુપ્રીમ કોર્ટનો ચૂંટણી કમિશનરોની નિમણૂક પર સવાલ:જ્યારે સરકારે જ નિર્ણય લેવાનો હોય, તો પછી સમિતિમાં વિપક્ષના નેતાને રાખવાનો દેખાડો શા માટે
સુપ્રીમ કોર્ટે ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરો (EC)ની નિમણૂક પ્રક્રિયા અંગે કેન્દ્ર સરકારને સવાલ કર્યો. કોર્ટે કહ્યું કે, જો સરકારે જ નિર્ણય લેવાનો હોય તો પસંદગી સમિતિમાં વિરોધ પક્ષના નેતા (LoP)ને રાખીને સ્વતંત્રતાનો દેખાવ કરવાની જરૂર શું છે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે કહ્યું કે CBI ડાયરેક્ટરની પસંદગી સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સામેલ હોય છે, પરંતુ ચૂંટણી કમિશનરોની નિમણૂક કરતી સમિતિમાં કોઈ સ્વતંત્ર સભ્ય રાખવામાં આવ્યો નથી. કોર્ટ ‘મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023’ને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આ કાયદા મુજબ, CEC અને ECની નિમણૂક વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને એક કેન્દ્રીય મંત્રી વાળી સમિતિ કરશે. અગાઉ સુપ્રીમ કોર્ટે વચગાળાની વ્યવસ્થામાં તેમાં ભારતના CJIને પણ સામેલ કર્યા હતા. અરજદારોનો દાવો- 2023નો કાયદો ચૂંટણી પંચની સ્વતંત્રતાને નબળો પાડે છે અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત 2023નો કાયદો ચૂંટણી પંચની સ્વતંત્રતાને નબળો પાડે છે. તેમાં પસંદગી સમિતિમાંથી ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને હટાવી દેવામાં આવ્યા છે. ખરેખરમાં, 2023માં સુપ્રીમ કોર્ટે ‘અનૂપ બરનવાલ વિરુદ્ધ ભારત સંઘ’ કેસમાં કહ્યું હતું કે જ્યાં સુધી સંસદ નવો કાયદો ન બનાવે ત્યાં સુધી ચૂંટણી કમિશનરોની નિમણૂક વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને CJIની સમિતિ કરશે. બાદમાં કેન્દ્ર સરકાર નવો કાયદો લઈને આવી, જેમાં CJIને સમિતિમાંથી બહાર કરી દેવામાં આવ્યા. આ જ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું- વિપક્ષના નેતા શોભાના ગાંઠિયા બની જાય છે કોર્ટે એટર્ની જનરલ આર. વેંકટરમણીને પૂછ્યું, “જો વડાપ્રધાન એક નામ પસંદ કરે અને વિપક્ષના નેતા બીજું નામ પસંદ કરે, અને બંને વચ્ચે મતભેદ થાય, તો શું ત્રીજો સભ્ય વિપક્ષના નેતાની તરફેણમાં જશે?” આના પર એટર્ની જનરલે સ્વીકાર્યું કે કદાચ આવું નહીં થાય. આના પર કોર્ટે કહ્યું- તો પછી બધું જ કાર્યપાલિકા જ નિયંત્રિત કરી રહી છે. આવી સ્થિતિમાં વિપક્ષના નેતાને શા માટે સામેલ કરવામાં આવે છે? તેઓ માત્ર શોભાના ગાંઠિયા બની જાય છે. 6 મે: SCએ પૂછ્યું હતું- શું અમારી પાસે કાયદો બનાવવાનો અધિકાર છે સુપ્રીમ કોર્ટે 6 મેના રોજ કેસની સુનાવણી દરમિયાન પૂછ્યું હતું કે શું અદાલત સંસદને નવો કાયદો બનાવવાનો નિર્દેશ આપી શકે છે. બેન્ચે કહ્યું કે એક અરજીમાં સંસદને કાયદો બનાવવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. પરંતુ શું અદાલત આવો નિર્દેશ આપી શકે છે અને શું આ અરજી સુનાવણી યોગ્ય છે કારણ કે કાયદો બનાવવો એ સંસદનો વિશેષાધિકાર છે. 12 મે: રાહુલ બોલ્યા- વિપક્ષનો નેતા રબર સ્ટેમ્પ નથી રાહુલ ગાંધીએ 12 મેના રોજ પીએમ આવાસ પર યોજાયેલી મીટિંગમાં નવા CBI ડિરેક્ટરની પસંદગી પર પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી. રાહુલે આરોપ લગાવ્યો કે પસંદગી માટે જે 69 ઉમેદવારોની યાદી આપવામાં આવી છે, તેમને તેમની વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. તેમણે બેઠક બાદ કહ્યું- સરકારે પસંદગી પ્રક્રિયાને માત્ર એક ઔપચારિકતા બનાવી દીધી છે. કોઈ પહેલેથી નક્કી કરેલા વ્યક્તિની પસંદગી થાય છે. વિપક્ષનો નેતા રબર સ્ટેમ્પ નથી હોતો. વડાપ્રધાન આવાસ 7, લોક કલ્યાણ માર્ગ પર યોજાયેલી આ બેઠકમાં CJI સૂર્યકાંત પણ સામેલ થયા હતા. બેઠક લગભગ એક કલાક ચાલી. મીટિંગમાંથી બહાર નીકળ્યા બાદ રાહુલે સોશિયલ મીડિયા પર એક પત્ર શેર કર્યો, જેમાં પોતાની અસંમતિનું કારણ જણાવ્યું.
Read Original Article →