દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ, ચાલુ બસમાં મહિલા પર ગેંગરેપ:2 કલાક સુધી દોડતી બસમાં બળાત્કાર કરતા રહ્યા, પછી રસ્તા પર ફેંકીને ભાગી ગયા; ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ
દિલ્હીમાં ફરી નિર્ભયા જેવો કાંડ થયો છે, જ્યાં એક ચાલુ સ્લીપર બસમાં મહિલા પર બે કલાક સુધી બળાત્કાર કર્યો હતો. પછી તેને રસ્તા પર ફેંકીને ભાગી ગયા. જે પ્રાઈવેટ બસમાં આ ઘટના બની તે બિહારની છે. જે દિલ્હીથી બિહારના રૂટ પર ચાલે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલાએ જણાવ્યું કે આરોપીઓ ઘટના પછી તેને સુમસામ વિસ્તારમાં ફેંકીને ભાગી ગયા. કોઈક રીતે પીડિતાએ પોલીસને ફોન કરીને આખી ઘટનાની જાણકારી આપી. જેના પછી રાણીબાગ પોલીસ સ્ટેશનની પોલીસે આસપાસ લાગેલા CCTV ફૂટેજ તપાસ્યા અને બસની ઓળખ કરી. આ પછી બસ જપ્ત કરીને ડ્રાઈવર અને કંડક્ટર બંનેની ધરપકડ કરવામાં આવી. પોલીસનું કહેવું છે કે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલમાં ધકેલવામાં આવ્યા છે અને કેસની તપાસ ચાલુ છે. ક્રમબદ્ધ રીતે જાણો કેવી રીતે બની આખી ઘટના… 2 કલાક સુધી દોડતી બસમાં બળાત્કાર કરતા રહ્યા 11 મેની રાત્રે મહિલા રોજની જેમ કામ કરીને પોતાના ઘરે પરત ફરી રહી હતી, ત્યારે સરસ્વતી વિહારના બસ સ્ટોપ પર એક સ્લીપર બસ આવીને ઊભી રહી. એવું કહેવાય છે કે મહિલાએ બસના દરવાજા પર ઉભેલા એક વ્યક્તિને ટાઈમ પૂછ્યો, તેણે સમય જણાવવાને બદલે મહિલાને બળજબરીથી અંદર ખેંચી લીધી હતી. ત્યારબાદ આરોપીઓ બસને નાંગલોઈ તરફ લઈ ગયા, જ્યાં કથિત રીતે યૌનશોષણ થયું. ચાલુ બસમાં બે લોકોએ વારાફરતી મહિલા પર દુષ્કર્મ આચર્યું. લગભગ 7 KM સુધી ચાલુ બસમાં તેઓ ગેંગરેપ કરતા રહ્યા. રાત્રે લગભગ 2 વાગ્યે આરોપીઓ તેને રસ્તા પર ફેંકીને ફરાર થઈ ગયા. બસનો ડ્રાઈવર-કંડક્ટર ઝડપાયા પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર, પીડિતાને રાણી બાગ વિસ્તારમાંથી બસમાં બળજબરીથી બેસાડવામાં આવી હતી. પછી આરોપીઓ તેને નાંગલોઈ વિસ્તારમાં લઈ ગયા અને ત્યાં તેની સાથે બળાત્કાર કર્યો. ઘટનાને લઈને દિલ્હી પોલીસે રાણી બાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા સાથે ગેંગરેપની આ ઘટના 2 દિવસ પહેલા બની છે. પીડિતા મહિલા પરિણીત છે અને તેને 3 બાળકો છે. પોલીસે પીડિતાનું મેડિકલ કરાવ્યા બાદ FIR નોંધી છે. પોલીસે મહિલાની ફરિયાદ પર કેસ નોંધ્યો છે અને ત્યારબાદ તાત્કાલિક કાર્યવાહી કરતા બસના ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે બસને પણ જપ્ત કરી છે. પડદા લાગેલા હોવાને કારણે કોઈને ખબર ન પડી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બસની અંદર પડદા લાગેલા હતા, જેના કારણે બહારથી કંઈ પણ દેખાતું ન હતું. AC બસ હોવાને કારણે તેમાં બંધ કાચ હતા, જેના કારણે ન તો પીડિતાની ચીસો બહાર નીકળી અને પડદા લાગેલા હોવાને કારણે સંભવતઃ રસ્તા પર ચાલી રહેલા અન્ય લોકોને ઘટનાનો અહેસાસ પણ ન થયો. બસની અંદરથી પુરાવા એકઠા કરવા માટે એક ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી હતી. ગોપાલગંજ RTOમાં રજિસ્ટર્ડ છે બસ જે બસમાં ગેંગરેપ થયો છે તેનો નંબર BR-28P 3949 છે, જે બિહારના ગોપાલગંજ RTOમાં રજિસ્ટર્ડ છે. અને રોયલ ટ્રાવેલ્સ એન્ડ કાર્ગો કંપની દ્વારા સંચાલિત થાય છે. આ બસ દિલ્હી-બિહાર રૂટ પર ચાલે છે. દિલ્હી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધીને બસ જપ્ત કરી છે. પોલીસે બસના ડ્રાઈવર (ઉમેશ) અને હેલ્પર (રામેન્દ્ર) ની ધરપકડ કરી છે. મહિલા ઝૂંપડપટ્ટીમાં રહે છે. પતિ અને 3 દીકરીઓ છે. પોલીસે ઇજાઓ જોઈને જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું ત્યારે મહિલાએ એમ કહીને ના પાડી દીધી કે ઘરમાં જમવાનું કોણ બનાવશે? હાલમાં તેના ઘરે જ મહિલાની સારવાર ચાલી રહી છે. 14 વર્ષ પછી ફરી નિર્ભયા જેવો કાંડ આ ઘટના 2012ના દિલ્હી બસ ગેંગરેપ કેસની યાદ અપાવે છે, જેમાં 23 વર્ષની પેરામેડિક વિદ્યાર્થ્ની, જેને બાદમાં નિર્ભયા તરીકે ઓળખવામાં આવી, તેની સાથે 16-17 ડિસેમ્બરની રાત્રે દક્ષિણ દિલ્હીમાં ચાલતી બસની અંદર 6 લોકોએ નિર્દયતાથી બળાત્કાર કર્યો હતો. તેને બાદમાં રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. બાદમાં 29 ડિસેમ્બરે સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં ઈજાઓને કારણે તેનું મૃત્યુ થયું હતું. આ કેસના તમામ 4 દોષિતોને 20 માર્ચ 2020ના રોજ તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
Read Original Article →