'આસારામ સરન્ડર કરે, આજીવન કેદની સજા યથાવત':રાજસ્થાન હાઈકોર્ટનો ચૂકાદો, સગીરાના યૌન શોષણ કેસમાં આસારામના શિષ્યો શિલ્પી અને શરતચંદ્ર નિર્દોષ
રાજસ્થાન હાઈકોર્ટ (જોધપુર) એ બુધવારે (27 મે) સવારે આસારામની સજા પર ચુકાદો આપ્યો. હાઈકોર્ટે સગીર સાથેના યૌન શોષણના કેસમાં આજીવન કેદની સજાને યથાવત રાખી છે. જસ્ટિસ અરુણ મોંગા અને જસ્ટિસ યોગેન્દ્ર કુમાર પુરોહિતની ડિવિઝન બેન્ચે આ ચુકાદો આપ્યો. કેસમાં સહ-આરોપી શિલ્પી અને શરતચંદને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આસારામ હાલમાં વચગાળાના જામીન પર છે, પરંતુ હવે તેને સરેન્ડર કરવું પડશે. સૌ પ્રથમ જાણો - શું છે આખો મામલો ઓગસ્ટ 2013માં જોધપુર સ્થિત આશ્રમમાં એક સગીર વિદ્યાર્થિની સાથે બળાત્કારના કેસના આરોપમાં આસારામની ધરપકડ કરવામાં આવી હતી. લાંબી સુનાવણી બાદ જોધપુરની વિશેષ પોક્સો કોર્ટે 25 એપ્રિલ 2018ના રોજ તેમને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી હતી. લગભગ 3 મહિનાની સુનાવણી બાદ નિર્ણય હાઈકોર્ટમાં 16 ફેબ્રુઆરીથી 20 એપ્રિલ 2026 સુધી દૈનિક સુનાવણી ચાલી હતી. ખંડપીઠે 20 એપ્રિલે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. જે 27 મેના રોજ સંભળાવવામાં આવ્યો. સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો શું હતી… બચાવ પક્ષની દલીલ: આસારામના વકીલોએ તેને મનઘડંત કેસ ગણાવતાં કહ્યું કે પીડિતાના માતા-પિતાના નિવેદનોમાં ભારે વિરોધાભાસ છે. ઘટનાની રાત્રે આસારામ અને પીડિતા વચ્ચે કોઈ કોલ રેકોર્ડ મળ્યો નથી. બચાવ પક્ષે 'સમાનતાના સિદ્ધાંત'નો હવાલો આપતા કહ્યું કે જ્યારે આ જ પુરાવાના આધારે ટ્રાયલ કોર્ટે સહ-આરોપી શરદ અને પ્રકાશને નિર્દોષ છોડી દીધા, તો આસારામને દોષિત કેવી રીતે ઠેરવી શકાય. પ્રોસિક્યુશન પક્ષની દલીલ: પીડિતાના વકીલ પી.સી. સોલંકી અને સરકારી વકીલોએ દલીલ કરી કે પોક્સો કેસોમાં પીડિતાનું એકલ નિવેદન જ સજા માટે પર્યાપ્ત પુરાવો હોય છે, જેને સુપ્રીમ કોર્ટે સ્થાપિત કર્યું છે. પ્રોસિક્યુશને કહ્યું કે સાક્ષીઓની સતત હત્યાઓ અને હુમલાઓ એ વાતનો ખુલ્લો પુરાવો છે કે આરોપીઓએ પુરાવા નષ્ટ કરવાની કાવતરું રચ્યું, જે તેના ગુનાને સાબિત કરે છે. અન્ય એક કેસમાં આજીવન કેદની સજા મળી ચૂકી છે આ ઉપરાંત જાન્યુઆરી 2023માં ગુજરાતના ગાંધીનગર આશ્રમમાં એક મહિલા અનુયાયી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં પણ આસારામને આજીવન કેદની સજા મળી ચૂકી છે. 86 વર્ષીય આસારામ વધતી ઉંમર અને બીમારીઓના કારણે સતત જામીન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અગાઉ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર હાઈકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાના જામીન આપ્યા હતા, જેની અવધિ કોર્ટે ઘણી વખત વધારી છે. …. આ સમાચાર પણ વાંચો… આસારામના વચગાળાના જામીન 7 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા: મેડિકલ આધાર પર અવધિ લંબાવવામાં આવી; હાઈકોર્ટે સજા સ્થગિત કરવાના કેસ પર 20 એપ્રિલથી ચુકાદો અનામત રાખ્યો રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર મુખ્યપીઠે રેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી રાહત આપી છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્મા અને જસ્ટિસ યોગેન્દ્ર કુમાર પુરોહિતની ડિવિઝન બેન્ચે મેડિકલ ગ્રાઉન્ડ પર મળેલી વચગાળાની જામીનની અવધિ 7 જુલાઈ સુધી લંબાવી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →