ટૂંકી વાર્તા:વાત એક ભેખની
યોગેશ પંડ્યા સૂર્ય ડૂબી ગયો હતો અને સંધ્યા ખીલી ઉઠી હતી. ખુશનુમા પવન વહી રહ્યો હતો. આશ્રમનાં વિશાળ ચોગાનમાં ઊભેલાં ઘટાદાર વૃક્ષો ઉપર વગડામાંથી પાછાં ફરેલા પક્ષીઓનો મીઠો ચહકાટ હતો. સ્વામિ વિશ્વેશ્વરાનંદજી હંમેશની ટેવ મુજબ તેમની ખાસ બનાવેલ બેઠક ઉપર બેસીને કુદરતની લીલા નિહાળી રહ્યા હતા કે, આશ્રમના દરવાજે, આવી પહોંચેલા એક યુવાન ઉપર તેમની નજર પડી.
એ યુવાન ખૂબ ગભરાયેલો લાગતો હતો. એનું ચિત્ત પણ ઠેકાણે નહોતું. એ માનસિક અસ્વસ્થ લાગતો હતો. સ્વામીજી તેને તાકી રહ્યા હતા કે શિષ્યોએ તેને દરવાજામાં જ રોકી લીધો. પેલો અંદર આવવા માગી રહ્યો હતો પણ શિષ્યો તેને આવવા દેતા નહોતા એટલે સ્વામીજીએ બે તાળી પાડીને શિષ્યોને કહ્યું: ‘એને રોકો નહીં, આવવા દો.’
સ્વામીજીએ શિષ્યોને આદેશ કર્યો એટલે શિષ્યોએ તેને મુક્ત કર્યો. પેલો યુવાન દોડીને વિશ્વેશ્વરાનંદનાં ચરણોમાં લાકડી જેમ ચત્તોપાટ પડી ગયો : ‘બાપજી, મને બચાવી લો. હું પાગલ થઈ જઈશ. હું ગાંડો થઈ જઈશ. હું આપઘાત કરી બેસીશ. બાપજી, મને બચાવી લો.’ અને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
‘શાંત થઈ જા, વત્સ...’ વિશ્વેશ્વરાનંદજીએ નીચા નમીને તેના બે હાથ પકડીને તેને ઊભો કર્યો. પેલો હજી આકુળવ્યાકુળ હતો. ‘બાપજી, ફસાઈ ગયો છું, મને બચાવી લો નહીંતર -’
‘અહીં ભગવાનની કૃપા છે અને રામના રખોપા છે ભાઈ……‘ સ્વામીજીએ તેના માથે હાથ મૂકીને કહ્યું : ‘રડતો રડતો આવેલો માણસ અહીંથી હસતો હસતો ગયો છે. જિંદગીથી હારી થાકીને આવેલો માણસ અહીંથી ફાંટોફાંટ આત્મવિશ્વાસ લઈને ગયો છે. જિંદગીમાં ક્યાંય પણ અને કોઈ પણ રીતે ફસાયેલો માણસ અહીં આવ્યો હશે એ ફાંસલો અને ફાંસ અહીં આવીને નીકળી ગયા છે. તો તું શા માટે ચિંતા કરે છે હવે ? ભલા, તું હવે ભગવાનનાં ચરણોમાં આવી પહોંચ્યો છે તો ખુદ ભગવાન જ તારો બેડો પાર ઉતારશે. હવે સઘળી ચિંતા મેલીને શાંત થા બેટા.’
પેલો સહેજ સ્વસ્થ થવા મથ્યો. સ્વામીજીએ ઇશારો કર્યો એટલે બે શિષ્યો આવ્યા સ્વામીજીએ એના ખભે હાથ મૂક્યો અને કહ્યું: ‘વત્સ, અત્યારે સઘળા ઉતાપો એકકોર મૂકીને મારા શિષ્યો સાથે જા. પછી આપણે રાત્રે મળીએ છીએ.’ પેલા બંને એને સામેના ખંડ તરફ લઈ ગયા. સ્વામીજી તેને જતો જોઈ રહ્યા. આછું સ્મિત કર્યું અને પછી કુદરતમાં ખોવાઈ ગયા.
શિષ્યોએ યુવાનને ચા-પાણી પિવડાવ્યાં. યુવાન થોડો સ્વસ્થ થયો. રાત પડી, આશ્રમના નિયમ મુજબ જમીને અડધી કલાક પ્રાર્થના થતી. પેલો યુવાન ,શિષ્યો જોડે સત્સંગ હૉલમાં આવ્યો. રાત્રિની પ્રાર્થના પૂરી થયા પછી, સૌ કોઈ શયન કરવા માટે પોતપોતાના ખંડ તરફ જતા હતા કે વિશ્વેશ્વરાનંદજીએ પેલા યુવાનને હસીને બોલાવ્યો: ‘ તારે રોકાવાનું છે.’
પેલો યુવાન ઊભો રહ્યો. સ્વામીજીએ ઈશારો કર્યો : ‘બેસ… શાંતિથી બેસ.. બધી ચિંતા મૂકીને બેસ.’ યુવાન બેસી ગયો. સૌ કોઈ નીંદરદેવીના ખોળે ગયા પણ આશ્રમમાં બે વ્યક્તિ જાગતી હતી. એક વિશ્વેશ્વરાનંદજી અને પેલો યુવાન!
***
રાત્રિ સરતી હતી. ચારેબાજુ નીરવ શાંતિ હતી અને તે યુવાન ઉર્ફે સમીરે પોતાની હૈયાની પેટી ખોલી નાખી હતી: ‘એને હું ખૂબ ચાહતો હતો. સ્વામીજી. રાતદિવસ હું સતત તેના વિચારમાં જ રહેતો હતો. મારું સર્વસ્વ એ હતી. મારી જિંદગી, નહીં પણ બંદગી છે એટલો પ્રેમ હું એને કરું છું. એ પણ મને ખૂબ ચાહે છે.
એકવાર કૉલેજથી આવતા ધોમધખતા તાપમાં મેં એને મારી બાઇક ઉપર લિફ્ટ આપી, એના થોડા દિવસ પછી એણે મને કહ્યું હતું કે આમ સાવ થોડોક સાથ આપીને શું કામ છોડી દો છો? આપવો જ હોય તો જિંદગીભરનો આપોને?’ સ્વામીજી મારે જે વાત કહેવી હતી એ વાત એણે સામે ચાલીને મને કહી ત્યારે હું સજ્જડ થઈ ગયો. એણે વળતી ક્ષણે મને હસીને પૂછ્યું હતું: ‘મને ખબર છે, તમે મને પ્રેમ કરો છો ને અને જો પ્રેમ કરો છો તો પછી ગભરાવ છો શા માટે?’
‘અને એણે થોડું શરમાઈને કહ્યું હતું, ‘પ્રેમનું પ્રપોઝ તો પુરુષ જ કરે, પણ આટલા બધા દિવસ પછી લાગ્યું કે તમે તો મને ક્યારેય પ્રપોઝ નહીં જ કરી શકો એટલે હું આજ સામેથી કહું છું’ અને પછી આંખોમાં ખુમાર લાવી એણે કહ્યું કે ‘મારો પુરુષ આવો ડરપોક ન હોવો જોઈએ. મારો પુરુષ તો છેડેચોક, બધાની હાજરીમાં બેધડક મારું રક્ષણ કરી શકે. બેઝિક મારા મમ્મી-પપ્પાને કહી શકે કે હું તમારી દીકરીને પ્રેમ કરું છું અને લગ્ન કરવા પણ માગું છું. એટલી હિંમત તમે કેળવો.’ પણ… પણ... હું એટલી હિંમત કેળવી ન શક્યો.’
‘સ્વામીજી! એક દિવસ એણે કહ્યું કે મારી સગાઈની વાતો ચાલે છે. તમારો આખરી નિર્ણય જણાવો. કાં તો ઉસ પાર, કાં તો ઈસ પાર! તમે જો મારું અપહરણ કરીને ભગાડી શક્તા હો તો હું અડધી રાતે તમે કહો ત્યાં આવવા તૈયાર છું. પણ એક વાત યાદ રાખજો એકવાર તમારી સાથે ચાલી નીકળી પછી મારું રક્ષણ કરવાની જવાબદારી તમારી છે. બાકી, મારાં મા-બાપ મને ભલે ગમે ત્યાં પરણાવી દે. કદાચ, મારા પતિને મારું તન મળશે પણ મન નહીં મળે! કેમ કે હું રુક્મિણી બની બેઠી છું અને તમે મારા કૃષ્ણ છો. આ રુક્મિણીને એનો કૃષ્ણ મેળવી શકશે ? બાકી, પછી જિંદગીના ઝાઝા જુહાર! પછીની જિંદગીમાં ફળફળતા નિશ્વાસ તમારેય નાખવાના છે અને મારેય! એકવાર હિંમત કરો, હું તૈયાર થઈને તમારી રાહ જોતી ઊભી છું... પણ…’
સમીરનો અવાજ રૂંધાઈ ગયો, ‘પણ હું હિંમત કેળવી શક્યો નહીં. મને મારી જાત ઉપર ખૂબ ખીજ ચડી. હું પાગલ થઈ ગયો. મારા ડેડી તો મને નાનપણમાં મૂકીને ગુજરી ગયા છે. પણ મારી સ્થિતિ જોઈને મારી મા દુ:ખી દુ:ખી થઈ ગઈ. એક દિવસ હું ટ્રેનના પાટે પડ્યો પણ કોઈએ મને બચાવી લીધો.’
‘મારી માએ રડતાં રડતાં મને એટલું જ કહ્યું કે, તારે મરી જઈને મને શું જીવતી રાખવી છે? તું તો એક ક્ષણમાં જીવ ત્યજી દઈશ, પણ બાકીની જિંદગી હું ટુકડે ટુકડે જીવીશ અને ટુકડે ટુકડે મરીશ. એના કરતાં એને ભૂલી જા ! દુનિયામાં સેંકડો પુરુષો, એની પ્રેમિકાને ભૂલી જતા હોય છે. તો તું એક વધારે ! બીજું શું?
પણ… પણ… સમીર રડી પડ્યો: ‘હું કેમ ભૂલું, સ્વામીજી? એને કેમ ભૂલું? અંતે, મેં નિશ્ચય કરી લીધો કે બસ! આજીવન સંસાર છોડી દઉં અને ભગવા પહેરી લઉં…’ બોલતો સમીર હથેળીમાં ચહેરો છુપાવી રડી પડ્યો.
‘સમીર…’ વિશ્વેશ્વરાનંદનો હાથ તેના માથાં પર મુકાયો. સમીરના શરીરમાં જાણે વીજળી ચમકી! સ્વામીજી હસીને કહેતા હતા: ‘બેટા, સમીર, ભગવા પહેરી લીધા પછીય જૂનાં જે વળગણ છે એ તારા હૈયા ઉપરથી ઊતરી શકશે? બેટા, ભગવા પહેરી લેવા કે સંસાર છોડી દેવો એ એનો ઉકેલ નથી. એનો ઉકેલ, તારા ખમીરને જાગ્રત કરવાનો છે. આ સંન્યાસ કરતાંય કાંટાળો મારગ તો પ્રેમનો છે!’
‘સંન્યાસની યાત્રામાં તો મનુષ્યે માત્ર પોતાની જાત સાથે લડવાનું છે, જ્યારે પ્રેમના રસ્તા ઉપર ચાલતા તો બધાની સાથે લડવાનું છે. સંન્યાસના પથ ઉપર એક-બે વિઘ્ન આવે, જ્યારે પ્યારના રસ્તા ઉપર સો વિઘ્ન આવે છે. પ્રેમ કરવો મરદનું કામ છે, બાયલાનું નહીં! અને જો આપણને ખબર જ હોય કે, એનો હાથ પકડીને આપણે સરેઆમ નીકળી જ શકવાના નથી, તો પછી પ્રેમ કરીને સામેવાળાને રીબાવવું એ પણ આપણો ધર્મ પણ નથી.’
‘તું જેમ તડપે છે, એમ એ પણ તડપે છે. તું ઝૂરે છે એમ એ પણ ઝૂરે છે પણ તું પુરુષ છે, મર્દ છે, જ્યારે એ સ્ત્રી છે. દીવો તારે પ્રગટાવવાનો છે. દીવેલ તો એ પૂરશે પણ તું પીછેહઠ કરી ગયો, તો સઘળું પાપ તારે શિરે છે અને એ પાપ, તારી સંન્યાસયાત્રામાંય તને ક્યાંય ઠરીઠામ નહીં થવા દે. એના કરતાં એકવાર મર્દ થઈ જા ! તારી અંદર જે પ્રેમ છે એમાં તારે ઝનૂન પ્રગટાવવાનું છે અને એ જ તને તારી વ્યક્તિ મેળવી આપશે. જો તે એને દિલથી પ્યાર કર્યો હશે તો, મારે હવે તને વધારે કહેવું નહીં પડે, બાકી લફરું કર્યું હોય તો જુદી વાત છે!’
બીજા દિવસની સવાર પડી. સ્વામીજીએ, સમીરને બોલાવવા શિષ્યોને મોકલ્યા. પણ સમીરની પથારી ખાલી હતી. સ્વામીજી મંદ મંદ સ્મિત કરી રહ્યા.
બરાબર પંદર દિવસ પછી એક કાર આશ્રમમાં આવીને ઊભી રહી. સાંજનો સમય હતો. સ્વામીજી કારને તાકી રહ્યા, ત્યાં જ એમાંથી ફૂલહાર કરેલું એક નવદંપતી નીકળ્યું. સ્વામીજી ઓળખી ગયા. નવદંપતી ધીમે પગલે નજીક આવ્યું. ને પછી સ્વામીજીના ચરણોમાં ઝૂકી ગયું. એક કામદેવ જેવો વરરાજા અને અપ્સરા જેવી નવવધૂ: સમીર અને નેહાને સ્વામીજીએ આશીર્વાદ આપ્યા: ‘સર્વે ભવન્તુ સુખિન: તમારી તમામ મનોકામના પૂર્ણ થાય.’
નવદંપતી અતિપ્રસન્ન મને આશીર્વાદ લઈને નીકળ્યું. સ્વામીજી મંદ મંદ મુસ્કુરાતા વળી પાછાં કુદરતની લીલા જોવામાં ડૂબી ગયા કે, અચાનક કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો : ‘પ્રણામ સ્વામીજી…’
પણ અવાજ સાંભળીને સ્વામીજી ચમક્યા. પાછું ફરીને જોયું તો સ્વામીજી ચમકી ઊઠ્યા, ‘તું? તમે?’-
‘હા હું ! સમીર મારો દીકરો છે અને કહેવાનું ફક્ત એટલું જ છે, કે, તમે મારા દીકરાનો જીવ પણ બચાવ્યો અને જિંદગી પણ બચાવી લીધી છે. આ એક ઋણ તો હું ક્યારેય નહીં ઉતારી શકું. બાકી, તો એક પુરુષને મેં પણ પ્રેમ જ કર્યો હતો, લફરું નહીં, સમજ્યા?’
એકવાર પાછું ફરીને એમણે વિશ્વેશ્વરાનંદજીને તો જોઈ લીધા પણ એમની આંખમાંથી ટપકી રહેલાં આંસુઓને તે જોઈ શકી નહીં. }
Read Original Article →