શબ્દ સકળ પૃથ્વીના:એક જંગલી છોડની માનવજાત ગુલામ
અજયસિંહ ચૌહાણ વિચારો કે કોઈ છોડને શરૂઆતમાં દેવોની ભેટ માનવામાં આવતો હોય, ક્રિસ્ટોફર કોલંબસે કચરો સમજીને દરિયામાં ફેંકી દીધો હોય અને રાણીઓ એનો માથાના દુખાવા માટે ઔષધિ તરીકે ઉપયોગ કરતી હોય અથવા જેના માટે રાજાઓએ લોકોના હોઠ કાપી નાખવાની સજા ફટકારી હોય. વર્ષે એંશી લાખ લોકોના મૃત્યુનું કારણ આ છોડ; એક સમયે વિનિમય ચલણ તરીકે ઉપયોગમાં લેવાતો. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ તમાકુનો રોમાંચક ઇતિહાસ છે. જેને ઇયાન ગેટલીએ તેમના પુસ્તક ‘ટોબેકો: અ કલ્ચરલ હિસ્ટ્રી ઓફ હાઉ એન એક્ઝોટિક પ્લાન્ટ સિડ્યુસ્ડ સિવિલાઈઝેશન’માં રોચક રીતે વર્ણવ્યો છે.
આ પુસ્તક 2001માં પ્રગટ થયું ત્યારે ખૂબ લોકપ્રિય થયું હતું, કારણ કે એમાં તમાકુ એક વ્યસન તરીકે તો ખરી જ, પરંતુ વૈશ્વિક સંસ્કૃતિ અને માનવ ઇતિહાસને બદલી નાખનારા પરિબળ તરીકે રજૂ કરવામાં આવી છે. આ પુસ્તકને યાદ કરવાનું ખાસ કારણ છે. આજે ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા શરૂઆતમાં 7 એપ્રિલ, 1988ને ‘વિશ્વ ધૂમ્રપાન નિષેધ દિવસ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો; કારણ કે 7 એપ્રિલ WHOનો સ્થાપના દિવસ (વિશ્વ સ્વાસ્થ્ય દિવસ) છે. પરંતુ, WHOને સમજાયું કે તમાકુ એટલી વિકરાળ વૈશ્વિક સમસ્યા છે કે તેના માટે એક સ્વતંત્ર દિવસ હોવો જોઈએ. એથી 31 મેની તારીખ નક્કી કરવામાં આવી. શરૂઆતમાં આ દિવસ માત્ર ધૂમ્રપાન પૂરતો મર્યાદિત હતો. પછી એનો વ્યાપ વધારીને તમાકુના દરેક સ્વરૂપ (જેમ કે ગુટખા, સિગારેટ, પાન-મસાલા)ને તેમાં આવરી લેવામાં આવ્યા. WHO દર વર્ષે ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ પર એક વિષય નક્કી કરે છે. 2026નો વિષય છે ‘તમાકુમુક્ત ભવિષ્ય : યુવા પેઢીનું રક્ષણ’. આ વખતે સંપૂર્ણ ધ્યાન યુવાનો અને બાળકો પર કેન્દ્રિત કર્યું છે.
હવે મૂળ પુસ્તક પર આવીએ. ઇયાન ગેટલીના પુસ્તકમાં કુલ ઓગણીસ પ્રકરણ છે. એ તમાકુના ઇતિહાસની વાત કરતાં લખે છે કે આ છોડ મૂળ દક્ષિણ અમેરિકાનો છે. બેરિંગની સામુદ્રધુની પાર કરી એશિયાના લોકો અમેરિકા પહોંચ્યા ત્યારે પહેલીવાર આ છોડના સંપર્કમાં આવ્યાં. છેલ્લાં સાત હજાર વર્ષથી માણસ આ છોડની ખેતી કરે છે.
ઇ. સ. 1492માં ક્રિસ્ટોફર કોલંબસ જ્યારે અમેરિકા ખંડના બહામાસ ટાપુ પર પહોંચ્યો, ત્યારે સ્થાનિક લોકોએ તેને તમાકુનાં સૂકાં પાંદડાં ભેટમાં આપ્યાં. કોલંબસે તેને નકામા સમજીને દરિયામાં ફેંકી દીધાં, પણ એના સાથીદાર રોડ્રિગો ડી જેરેઝે સ્થાનિક લોકોની જેમ એને સળગાવી ધુમાડો ખેંચવાનું શરૂ કર્યું અને તે યુરોપની પહેલી ધૂમ્રપાન કરનાર વ્યક્તિ બની. એ સ્પેન પાછો ફર્યો અને જાહેરમાં ધૂમ્રપાન કર્યું, ત્યારે લોકો ગભરાઈ ગયાં. તેમણે લાગ્યું કે રોડ્રિગોમાં શેતાન પેસી ગયો છે. એટલે સ્પેનની ધાર્મિક અદાલતે એને જેલની સજા ફરમાવી.
ત્યારબાદ અનેક યુરોપિયન તમાકુના સંપર્કમાં આવ્યાં અને થોડા જ દાયકાઓમાં યુરોપમાં ચિત્ર બદલાઈ ગયું. કેટલાંક લોકો તમાકુને જાદુઈ ઔષધિ માનવા લાગ્યા. ફ્રેન્ચ રાજદૂત જીન નિકોટે (જેમના નામ પરથી ‘નિકોટિન’ શબ્દ પડ્યો છે) દાવો કર્યો કે તમાકુ કેન્સર મટાડી શકે છે. તેમણે ફ્રાન્સની રાણી કેથરિન ડી મેડિસીને માથાના દુખાવા માટે છીંકણી લેવાની સલાહ આપી હતી. એ પછી યુરોપના રાજવી પરિવારોમાં તમાકુની ભારે માગ ઊભી થઈ.
આમ છતાં બધાને જ તમાકુ પસંદ હતી એવું નહોતું. ઇયાન ગેટલી લખે છે, ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાએ તમાકુને શેતાની અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ગણાવીને તેના પર ભારે ટેક્સ નાખેલો. રશિયાના ઝારે તો ધૂમ્રપાન કરનારાઓના હોઠ કાપી નાખવાની કે કોરડા મારવાની ક્રૂર સજાઓ ફરમાવેલી. ઓટ્ટોમાન સામ્રાજ્યના ક્રૂર શાસક મુરાદ ચોથાએ દારૂ, તમાકુ અને કોફી પર પ્રતિબંધ મૂક્યો હતો. પોતે ચાંપતી નજર રાખીને ધૂમ્રપાન કરનારા પચીસ હજાર લોકોને મૃત્યુદંડ આપ્યો હતો. છતાં અનેક લોકોથી તમાકુની લત છૂટી નહીં.
અમેરિકામાં જેમ્સ બોનસેક નામની વ્યક્તિએ સિગારેટ બનાવવાનું મશીન શોધ્યું. એણે એક જ દિવસમાં એક લાખ વીસ હજાર સિગારેટ બનાવીને ઉત્પાદન સસ્તું અને ઝડપી બનાવી દીધું. પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં સૈનિકોને રાશનમાં સિગારેટ મફત આપવામાં આવતી હતી, જેથી યુદ્ધના ભયાનક માહોલમાં તેઓ તણાવમુક્ત રહી શકે. ત્યારબાદ સિનેમાનો યુગ આવ્યો. હોલિવૂડની ફિલ્મોએ સિગારેટને રોમાન્સ, બંડખોરી અને ગ્લેમરનું પ્રતીક બનાવી દીધી. હમ્ફ્રી બોગાર્ટ અને જેમ્સ ડીન જેવા સ્ટાર્સે સિગારેટને એક નવી સ્ટાઈલ અને કુલ ઈમેજ આપી.
1950ના દાયકામાં રિચાર્ડ ડોલ અને એર્ન્સ્ટ વાઇન્ડર જેવા વૈજ્ઞાનિકોના સંશોધનોએ સાબિત કરી દીધું કે સિગારેટ અને ફેફસાંના કેન્સર વચ્ચે સીધો સંબંધ છે. આ શોધથી ગભરાયેલી તમાકુ કંપનીઓએ ફિલ્ટરવાળી અને મેન્થોલ સિગારેટ બજારમાં મૂકી ‘સલામત’ ધૂમ્રપાનનો ભ્રમ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સત્યને છુપાવી શક્યા નહીં. વિશ્વના અનેક દેશોમાં સિગારેટના પેકેટ પર ચેતવણીઓ છાપવાનું શરૂ થયું. ટેલિવિઝન સિગારેટની જાહેરાતો પર પ્રતિબંધો મૂકાયા. આપણે ત્યાં પાન-મસાલા અને ગુટખાને છૂટા પાડી છીંડાં શોધવામાં આવે છે.
ઇયાન ગેટલીનું આ પુસ્તક આપણને વિચારતા કરી મૂકે છે કે કેવી રીતે એક સામાન્ય પાંદડાએ યુદ્ધો, અર્થતંત્રો, સંસ્કૃતિઓ અને સ્વાસ્થ્ય પર આટલો મોટો પ્રભાવ પાડ્યો. આ માત્ર એક વ્યસનની કથા નથી, પરંતુ માનવ સ્વભાવની નબળાઈઓ, સામાજિક માન્યતાઓ અને મૂડીવાદની તાકાતની વિચારણા છે. જો આપણે ઇતિહાસ અને મનોવિજ્ઞાનને એક અલગ જ દૃષ્ટિકોણથી સમજવા માગતા હોઈએ તો આ પુસ્તક વાંચવા જેવું છે. }
Read Original Article →