થેન્ક યૂ:બારી બંધ થશે તો બારણું ખૂલશે
ડો. જયેશ વાછાણી
સાંજ આથમે તો નવી સવાર ઉગે, વૃંદાવન છોડે એ નવી દ્વારકા રચે.
વીતી જાય એનો આભાર, નવું આવે એને આવકાર.
કશુંક જશે તો નવું જડશે. બારી બંધ થશે તો બારણું ખૂલશે.
નવો દિવસ, સારો સમય, અલગ અનુભવો, નવા સંબંધો મળશે.
ટાઈમ ફ્લાઇસ, બસ આપણે તો એને સાક્ષી બની જાણતા માણતા રહેવાનો.
એક જ, આમ જ, કે એ જ, એકસરખું ને એવું જ ન પણ રહે;
અહીં તો નાનું મોટું, સારું ખોટું, જૂનું નવું, આવતું ને જતું રહે!
આપડે તો બસ એ બહુ બધું; જાતે જાતે, જોતાં જોતાં, બસ જીવતા રહેવાનું.
પ્રશ્નો ને’ સમસ્યા તો આવશે, પણ એ’ય પસાર થશે જ.
સુખ ને’ દુખ પણ અનુભવાશે, પણ એ’ય વીતી જશે.
દવાની કડવી ગોળીની જેમ, ભૂલવા જેવું તરત ગળેથી ઉતારી,
યાદ રાખવા જેવું સરસ, પેલી મીઠી પીપરની જેમ ચગળવાનું.
સુખદ સ્મરણો-બહેતરીન અનુભવોને વધારતા રહી, બસ, જીવંત રહેવાનું.
થાય ક્યારેક, ભાગી છૂટવાનું મન. ને’ થાક’ય લાગે મહોરાં વચ્ચે જીવવાનો.
છોડવાનું ને છૂટવાનું, મૂકવાનું ને ભૂલવાનું.
આ બધું આમ જ ચાલવાનું, કોઈના હોવા –
ન હોવાથી, ક્યાં કશું અટકવાનું!
કોઈને દુ:ખી ન કરવાનું હંમેશાં યાદ રાખવાનું પણ
સૌને ખુશ રાખવા જાતે દુ:ખી નહીં જ થવાનું.
વહાલ હોય ત્યાં બધા સરખા ન હોય ને’ ખાસ હોય ત્યાં વ્યવહારની વાતું ન હોય.
ખેંચાઈને વ્યવહાર રાખવા તૂટી નહીં જવાનું ને’ ખાસ માટે ઘસાઈને ઊજળા થવાનું.
કોઈ શું કહેશે ને’ કોઈને શું લાગશે એમાં બહુ બધું નહીં પડવાનું,
રાખ્યું હોય એનું છડેચોક રાખવાનું, ને’ સ્વાર્થીઓને આઘેથી રામરામ કરવાના.
સારાં કર્મો જમા કરતાં રહેવાનાં, રાખ્યું હોય ત્યાંથી નહીં તો બીજેથી, બીજી રીતે,
ફળ મળશે જરૂર. માણતા ને’ મજા કરતાં કરતાં,
સૌને સિદ્ધિ સમૃદ્ધિની સરપ્રાઈઝ આપતાં આપતાં, બસ, મસ્ત જીવવાનું.
દેખાડી દેવાનો કે બદલો લેવાનો સમય જ કયા છે! એ કામ તો
સમયને જ સોંપી દેવાનું. સમય જ દેખાડી દેશે એને,
અને લઈ લેશે એનો બદલો એની રીતે. આપણે તો બસ, જમાવટથી જીવવાનું.
રાજેન્દ્ર શુક્લ યાદ આવે, અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે;
કોઈ કશું કરતું નથી, આ બધું તો થાય છે. વિચારજો.
Read Original Article →