હિડન ટ્રુથ:આપણે સ્વતંત્ર રીતે વિચારીએ છીએ?

Magazine5/10/2026, 12:50:00 AM
હિડન ટ્રુથ:આપણે સ્વતંત્ર રીતે વિચારીએ છીએ?
ભારતીબહેન દવેના પુત્ર જયેશ દવે તાજેતરમાં વોશિંગ્ટન ડી. સી. વ્હાઈટ હાઉસ કોરસપોન્ડન્ટ ડિનરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય હાજર હતા અને ફાયરિંગની ઘટના બની. આ ઘટના બની ત્યારે ટ્રમ્પ અને તેમના પત્ની મેન્ટાલિસ્ટના પ્રયોગ જોઈ રહ્યા હતા. એક સમયે મેજિકનું મહત્ત્વ હતું. હવે માઈન્ડ રીડિંગ - માઈન્ડ મેજિકનું મહત્ત્વ વધી રહ્યું છે જે અહીં જોઈ શકાય છે. માઈન્ડ રીડિંગ એક અદ્દભુત કલા છે. આ કોઈ જાદુ નથી પરંતુ એક કલા છે અને તેને શીખી શકાય છે. મોટાભાગના માઈન્ડ રીડિંગ પ્રયોગો થોટ ટ્રાન્સપ્લાન્ટ એટલે કે વિચારોનું પ્રત્યારોપણ હોય છે. અહીં સામેવાળાનું મન વાંચવાનું નહીં પરંતુ પોતાના નિશ્ર્ચિત વિચારો સામેવાળાના મનમાં રોપવાના હોય છે. આ પછી તે વિચાર, વાત મનને વાંચી બતાવ્યાના નામે રજુ કરવામાં આવે છે. અલબત્ત, આમાં સામેની વ્યક્તિને ખબર પણ નથી હોતી કે પોતાના પર વિચાર થોપવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, શરીરથી શક્તિશાળી મન અને મનથી શક્તિશાળી આત્મા છે. મનનો વિશેષ મહિમા રહ્યો છે અને તેની શક્તિનો જ ઉપયોગ કરી ઋષિઓએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. આ મનને પામવું મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. સૂક્ષ્મ દૃષ્ટિ, તારણ કાઢવાની આવડત, ઘટનાઓને જોડવાની અને તેનો અર્થ તારવવાની ક્ષમતા હોય તો માઈન્ડ રીડિંગ અઘરું નથી. હા, સિકસ્થ સેન્સ - છઠ્ઠી ઈન્દ્રિય તે કુદરતી વિશેષ ક્ષમતા છે અને તે માઈન્ડ રીડિંગ માટે ઉપયોગી છે. આ ક્ષમતા ધરાવતા લોકો વિચાર, સ્થિતિ અને ભવિષ્ય પણ જાણી શકે છે. વાત માઈન્ડ રીડિંગ એક કલા તરીકેની કરીએ છીએ ત્યારે હાલના સુપર - મેન્ટાલિસ્ટ તરીકે જાણીતા લાયર સુચાર્ડના પ્રયોગો ખૂબ જાણીતા છે. ઈઝરાયલના મેન્ટાલિસ્ટ લાયર સુચાર્ડ વ્યક્તિના બેંક એકાઉન્ટ નંબર, વિવિધ પાસવર્ડ અને ગર્લ ફ્રેન્ડ - બોય ફ્રેન્ડના નામ પણ જાણી લેવાના સફળ પ્રયોગો કરે છે. તેઓ અંબાણી પરિવારને ત્યાં પણ પર્ફોમન્સ કરવા આવી ચૂક્યા છે અને વખતોવખત તેઓ ભારત આવતા હોય છે. તેઓ કહે છે કે, મેમરીમાં જઈને માહિતી મેળવતા પહેલાં કેટલીક ટેક્નિક દ્વારા વ્યક્તિના મનના દરવાજા ખોલવા પડે છે. સુચાર્ડ વિચારો વાચવાની મહારત ધરાવે છે તો યુ. કે.ના ડેરન બ્રાઉન સાઇકોલોજિકલ મેનિપ્યુલેશન અને સંમોહનમાં નિષ્ણાત છે. મોર્ડન મેન્ટાલિઝમના જનક કહી શકાય તેવા ડેરન બ્રાઉનના પ્રયોગો ચમત્કાર કહી શકાય તેવા છે. સાઇકોલોજી સજેશન્સ અને હિપ્નોસીસ દ્વારા મનને સરળતાથી કોઈ પણ દિશામાં પ્રેરિત કરી શકાય તેના પ્રયોગો વિચારતા કરી મૂકે તેવા છે. 2016માં તેમણે The Push નામનો પ્રયોગ કર્યો. સામાજિક દબાણ દ્વારા કોઈ વ્યક્તિ કોઈની હત્યા કરવા તૈયાર થઈ જાય તેવા આ પ્રયોગમાં વ્યક્તિમાં વિચારોનું પ્રત્યારોપણ અને સામાજિક દબાણ ઊભું કરી કોઈને તે છત પરથી ધક્કો મારવા તૈયાર થઈ જાય છે. The Push નામથી જ આ ઘટનાની ડોક્યુમેન્ટરી પણ ઉપલબ્ધ છે. થોડા સમય અને માત્ર થોડી ટેક્નિકથી જો આ શક્ય બનતું હોય તો મનોવૈજ્ઞાનિક પદ્ધતિ કે ચાલાકી દ્વારા વ્યક્તિના મનમાં ઘૂસી તેને અનેકની હત્યા કરનાર આતંકવાદી તૈયાર કરવા તે પણ આખરે તો આ જ છે. ડેરન બ્રાઉને બીમારી દૂર કરવાનો દાવો કરતા ધર્મ ગુરુઓની પણ પોલ ખોલી અને સાબિત કર્યું કે આખરે બધુ મનનો જ ખેલ છે. 2018માં તેમણે કરેલા Sacrifice નામના પ્રયોગમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિ માટે ગોળી ખાઈને મરવા તૈયાર થઈ જાય છે. આપણે સ્વતંત્ર રીતે નિર્ણય લઈએ છીએ, આપણા વિચાર - વ્યવહાર આપણા નિયંત્રણમાં છે તેવી માન્યતાને જડમૂળથી ઉખેડી નાખતો એક પ્રયોગ The Heist પણ તેમણે 2006માં કરેલો. બ્રાઉને વિવિધ કંપની અને સંસ્થામાં કામ કરતા કેટલાક ઉચ્ચ અધિકારીઓને સાઇકોલોજિકલ સજેશન્સ અને ટેક્નિકો દ્વારા એક બેન્ક લૂંટ માટે તૈયાર કર્યા હતા. નકલી બેન્ક લૂંટ માટે તૈયાર થનાર આ એવા લોકો હતા જે સામાન્ય રીતે કોઈ નાનો ગુનો કરવા પણ વિચાર ન કરે તેવા હતા પરંતુ બેન્ક લૂંટવાની યોજના બનાવવા લાગ્યા હતા! ડેરન બ્રાઉનની 2002થી લગભગ ત્રણ વર્ષ ચાલેલી ‘Mind Control’ નામની પહેલી મોટી સિરીઝથી શરૂ કરી ઉપર જેની વાત કરી તે તમામ પ્રયોગોની ડોક્યુમેન્ટરી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. 20મી સદીમાં થયેલા એક મેન્ટાલિસ્ટ પોતાના વિચારનો અન્ય પર એટલો પ્રભાવ ઊભો કરતો કે સામેવાળી વ્યક્તિ અસંભવ લાગતી બાબતને પણ અંજામ આપતી. આ વાત કરીએ આગળના ક્રમે.
Read Original Article →