કૉલાજ:તમને એક કરોડ રૂપિયાની લોટરી લાગે તો શું કરો?

Magazine4/26/2026, 12:50:00 AM
કૉલાજ:તમને એક કરોડ રૂપિયાની લોટરી લાગે તો શું કરો?
હરદ્વાર ગોસ્વામી આપણે દુકાને સાબુ પણ મફતમાં નથી માગતા અને લેખક પાસે સ્વચ્છતા પર મફત લખાવી લેવાની લાલચ રાખીએ છીએ. ઘણા કાર્યક્રમમાં આયોજક કહે છે કે ‘પુરસ્કાર રાખ્યો છે હો !’ ‘રાખ્યો છે’ મતલબ શું? આપવાનો જ હોયને ! માઈકવાળા, મંડપવાળા, બેનરવાળાને આપવા પૈસા છે અને જેના થકી કાર્યક્રમ રૂડો થવાનો છે એ વક્તાને આપવા પૈસા નથી! મજૂરનો પરસેવો સુકાય અને વક્તાને તાળીઓ સંભળાતી બંધ થાય એ પહેલાં પુરસ્કાર આપી દેવો જોઈએ. જોકે, કાનોમાતર વગરના ‘મફત’ની ટપોરી ટેવ કેટલાક વખાણખોર વક્તાઓએ પાડી છે. આજે વિશ્વ બૌદ્ધિક સંપદા (Intellectual Property) દિવસ છે. સર્જક, શોધક અને સાહસિકના વિચારનું ગૌરવ કરવાનો દિવસ છે. બૌદ્ધિક સંપતિનું મૂલ્ય ઓછું જ અંકાયું છે. મોટા ભાગે કલાકારો એગ્રીમેન્ટ વગર પ્રોજેક્ટ કરતા હોય છે, જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે કલાકારને કંકોડા જ મળતા હોય છે. અક્ષર પટેલને જાણતા લોકો પન્નાલાલ પટેલના અક્ષર સુધી બહુ ઓછી વાર પહોંચ્યા છે. મલ્હાર ઠાકરને આખું ગુજરાત ઓળખે છે પણ લાભશંકર ઠાકરને...? જે હોય તે પણ કલાકાર જેટલો આનંદ કોઈને નહીં મળતો હોય. એમને ખુશીનું વરદાન હોય છે. સર્જનપ્રકિયા દરમિયાન મળેલો આનંદ આઠમા આસમાને વિલસતો હોય છે. એક માણસને એક કરોડ રૂપિયાની લોટરી લાગી. એનું હૃદય નબળું હતું. આ સમાચાર સંભાળીને એનું હાર્ટ ફેલ ન થઇ જાય એટલે એક મનોવૈજ્ઞાનિક પાસે લઇ ગયા. ડોકટરે ધીરે ધીરે એને કરોડ રૂપિયા મળ્યા છે, એ જણાવવા વાતાવરણ બનાવ્યું અને ફાઈનલી કહ્યું, ‘તમને એક કરોડ રૂપિયાની લોટરી લાગે તો શું કરો?’ પેલા માણસે જવાબ આપ્યો કે ‘તો તો સાહેબ પચાસ લાખ તમને આપી દઉં.’ અને ડોક્ટરનું હાર્ટ ફેલ થઇ ગયું. અનાયાસ અચાનકનો આનંદ અઢળક હોય છે. કોઈને એ પીડાનું પરબીડિયું લાગે તો કોઈને ખુશીનો ખજાનો... તમે એને કઈ ફૂટપટ્ટીથી માપો છો, એના પર બહુ મોટો દારોમદાર છે. પ્રવાસમાં ફરવા નીકળ્યા હો અને અચાનક વરસાદ પડે તો સોને પે સુહાગા. હિલ સ્ટેશનની વહાલુડી વાદીઓમાં વિહાર કરતા હો અને સાંજુકો અસબાબ તમને ઘેરી વળે ત્યારે દોડવું’તું ને ઢાળ મળ્યા જેવી મજા મળે. ‘આજકી શામ લગે પિક્ચરકા સીન કોઇ....’ વજન કાંટામાં અચાનક તમારું વજન ઓછું દેખાય અને તમે સિક્સ પેકની કલ્પનામાં સરી પડો. ઈર્શાદ કામિલના શબ્દો આગળ વધે છે: ‘મેં હીરો જૈસા ઔર તું હિરોઈન કોઈ…’ રસ્તામાં વર્ષો પછી કોલેજ ફ્રેન્ડ મળી જાય પછી તો ‘તને સાંભરે રે… મને કેમ વિસરે રે…’ના અગણિત આખ્યાન ખૂલે અને ખીલે. સ્લો મોશનના સીન શરૂ થઇ જાય. આ આનંદનો અધિકમાસ અને અધિકમાસનો આનંદ દરેકના જીવનમાં આવતો હોય છે. અંતરની આંખોથી જોઈશું તો એ જરૂર દેખાશે. બાકી માછલીની આંખ જેમ પહેલી તારીખ જ બતાતી હોય એના જીવનમાં હરખ હાંસિયામાં હોય છે. હકારાત્મક દૃષ્ટિ હોય તો સર્વત્ર સુખ દેખાવાનું છે. એક પ્રોગ્રામમાં એક કલાકારને રૂપિયા ઓછા મળ્યા. તો એણે વિચાર્યું કે બીજા પ્રોગ્રામમાં મને વધારે મળેલા છે. ક્યારેક આમ પણ બને છે. અડધો પ્યાલો ભરેલો… હકારનો ડકાર. એકવાર એક રોંગ નંબરમાં એક સ્કૂલ ટાઈમનો મિત્ર મળી ગયો તો લોટરી લાગ્યા જેટલો આનંદ થઇ ગયેલો. પ્લાનિંગ વગરના પ્લેઝરની વાત કંઇ ઓર હોય છે. સવારસવારમાં મળેલા કોઈ અજાણ્યા સ્મિતનું માધુર્ય આખા દિવસને આહ્લાદક બનાવે છે. બે દિલ અને ચાર આંખોના સરવાળાથી અચાનક થતો પ્રેમ રોમરોમે સ્વર્ગની સુવાસ ફેલાવે છે. બાળકને અચાનક મળી જતાં રમકડાં જેટલો આનંદ નવી ગાડીમાં પણ આપણે માણી નથી શકતા, કેમ આપણે આઠે પ્રહરના આનંદી કાગડા બની નથી શકતા. ‘बलीयसी केवलमीश्वरेच्छा’ કહી બેસી રહેવાથી તો કશું મળતું નથી. ગાંધીજી વકીલ બનવા ગયા હતા અને રાષ્ટ્રભક્ત બની ગયા. સંજોગો એ આપેલી આકસ્મિકતાએ જ એમને વિશ્વખ્યાત બનાવ્યા. એક નાના બાળકે ગાંધીબાપુને સવાલ પૂછ્યો કે ‘તમે પહેરણ કેમ નથી પહેરતા ?’ ત્યારે બાપુએ કહ્યું કે ‘મારી પાસે પૈસા ક્યાં છે?’ વિદ્યાર્થીએ કહ્યું, ‘હું મારી માને કહીશ, એ સીવીને આપશે.’ બાપુએ કહ્યું, ‘મારે તો ચાલીસ કરોડ ભાઈભાંડુ છે, એ પછી મારો વારો આવે.’ બાળક કંઇ સમજ્યું નહીં, પણ બાપુએ બાળકની ભાવનાને બિરદાવી. ગાંધીજી અને ટાગોર સમકાલીન હતા અને બંને હિન્દુસ્તાનના વિકાસ માટે સદાસક્રિય હતા. ગાંધીજી ખેતર જેવા હતા અને ટાગોર બગીચો. દેશગાન માટે બંને વચ્ચે હંમેશાં એકરાગિતા અને એક સૂર નીકળતો હતો. ગાંધીજીની સહજતાને સો સો સલામ કરવાનું મન થાય છે, એમણે કહેલું કે ‘મને ‘મહાત્મા’ કહેનાર અગર તો મારો ચરણસ્પર્શ કરનાર પર ઘાતકી ગુનાના આરોપસર કામ ચલાવવામાં આવવું જોઈએ. એવો કાયદો જો કોઈ કરાવે તો તે કાયદો પાસ કરવામાં મદદ કરવા હું તૈયાર છું.’ મોટા ભાગે મોટા માણસોના જીવનમાં મોટા વળાંકો આવતા હોય છે. વિચારો શું અને થાય બીજું, ત્યારે કુદરતી સંકેત સમજવા. એ સંકેતને સિદ્ધિમાં બદલી શકે એ ભડવીર. બલ્ગેરિયન કહેવત છે કે ‘આવેલી તકને એની દાઢીથી ઝાલો, કેમ કે એના માથા પર ટાલ હોય છે.’ રાતે ખૂબ થાક્યા હો, સવારે વહેલા પાંચ વાગ્યે ઊઠવાનું હોય અને સવારે એલાર્મ વાગે અને તમને ખ્યાલ આવે કે હજુ તો ચાર વાગ્યા છે. આ એક કલાકનો ડનલોપી આનંદ સાત ભવ સુખ આપનારો હોય છે. અમેરિકન ખગોળશાસ્ત્રી, લાઇબ્રેરિયન, શિક્ષિકા અને પ્રકૃતિવાદી મારિયા મિશેલ કહે છે કે ‘Be happy. There is no cosmetic for beauty like happiness.’ સાત જન્મનું પુણ્ય કાર્ય કર્યું હોય એને જ આ સાહજિક સુખ મળે છે. રાશિ ફળ વાંચતા એવું લખેલું આવે કે આજે તમને આકસ્મિક ફાયદો થશે તોય રાજીના રેડ થઇ જનારા આપણે... આનંદ શોધવા આપણે બહાર બહુ ફાંફાં અને ફાંકા મારીએ છીએ પણ ખરેખર તો એ અંદર છે. આ તો હાથી પર બેસીને જ હાથી શોધવા જેવું… પોથીઓની પોથીઓ ફંફોસ્યાં પછી અંતે તો વાત ભર્યાભાદર્યાં ભીતર પર જ વાત આવે છે. અનેક મંદિર ફર્યા પછી મનમંદિર સાચું છે, એ ખબર પડે છે. અખો કહે તેમ ‘એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. એ અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત’ એચ. જી. વેલ્સની નવલકથાનું એક પાત્ર કહે છે કે ‘તમારું જીવન તમે બદલી શકો છો, જો તમને એ ન ગમતું હોય તો...’ આપણા જીવનના લેખક આપણે જ છીએ. એમાં મનગમતી કલ્પનાઓ ઉમેરી શકીએ. ‘આ તો નિયતિમાં જ લખાયેલું છે’ એમ કહીને બેસી રહીએ તો અનેક વર્ષ આવીને જતા રહે પણ આપણે ત્યાંના ત્યાં જ રહીશું. મહેનત વગર મોકા મળતા નથી અને તકના ટકોરા ઊંઘતા માણસને તો કદી સંભળાતા નથી. આનંદથી આગળ કશું નથી અને ‘કશું નથી’માં પણ આનંદ મેળવી શકે એ સાચો. સાચું જીવન જીવનારના જીવનમાં અનેક આકસ્મિક આનંદના પડાવ આવતા રહે છે, બસ સહેજ ઝીણી નજરે જોવું પડે, એટલું જ.... આવજો... સહાનુભૂતિ એ સાર્વભૌમિક ભાષા છે, જેને પશુ પણ સમજી લે છે અને એનું સન્માન કરે છે. - જેમ્સ એલન (અમેરિકન સર્જક)
Read Original Article →