યુદ્ધ મોરચે પત્રકારત્વ ઘણી હિંમત માગી લેનારું છે:યુદ્ધ મેદાનમાં પત્રકારત્વ
સફળ અને સાચા પત્રકાર માટે અનિવાર્ય સદગુણો એટલે ઉંદર જેવી ચાલાકી, બુદ્ધિગમ્ય રીતભાત અને થોડી સાહિત્યિક ક્ષમતા.’ ઉપરોકત કથન એક સમયના બહાદુર બ્રિટિશ પત્રકાર નિકોલસ ટોમાલિનનું છે.
આજના સમયમાં પત્રકારત્વ કરવા માટે સાધન સગવડો તો ઘણાં વધી ગયાં છે પરંતુ ક્યાંક ખરા પત્રકારત્વનો અભાવ પણ વર્તાતો જણાતો હોય છે. નિકોલસ ટોમાલિન આજન્મ પત્રકાર હતા એમ કહીએ તો ખોટું નથી. સ્માર્ટ સેન્સ ઓફ હ્યુમર સાથે
સચ્ચાઇ બતાવી દેવાની નિકોલસ ટોમાલિનની કુનેહ કાબિલેદાદ હતી. હાલના બાંગ્લાદેશ- એ વખતના પૂર્વ પાકિસ્તાનમાં બંગાળીઓ દ્વારા પંજાબીઓની કતલના સચોટ અહેવાલ ટાંકનારા સર્વપ્રથમ પત્રકાર નિકોલસ ટોમાલિન ‘નિક’ ઉપનામથી લોકપ્રિય હતા. બ્રિટનના ઇપ્સવીચ બોટલિંગ ફેકટરીના કૌભાંડ બોગસ બરગન્ડીની હકીકતોનો પર્દાફાશ કરીને નિકોલસ ટોમાલિને બ્રિટનમાં ચકચાર જગાવી હતી. છતાં નિકોલસ ટોમાલિનનો સૌથી મોટો સદગુણ એ હતો કે એ માત્ર હંગામા- તોફાન ખડું કરનારુ પત્રકારત્વ કરતા નહોતા. યુદ્ધક્ષેત્રમાં બુદ્ધિ અને બહાદુરીથી રિપોર્ટિગ કરવામાં નિકોલસ ટોમાલિન લાજવાબ ગણાતા.
યુદ્ધ મોરચેથી થતું પત્રકારત્વ ઘણી હિંમત અને ચતુરાઇ માગી લેનારું છે એ સ્વાભાવિક બાબત છે. 1973ની સાલમાં સિનાઇ દ્વીપકલ્પ, ગોલન હાઇટસ યુદ્ધનું રણમેદાન બની ગયા. ‘યોમ કિપ્પુર’ નામે આરબ અને ઇઝરાયેલ વચ્ચે ખૂંખાર જંગ ખેલાઇ ગયો. જાંબાઝ નિકોલસ ટોમાલિન આ યુદ્ધક્ષેત્રમાં લાઇવ રિપોર્ટિગ કરતા હતા ત્યારે સિરિયાની એક વાયર ગાઇડેડ મિસાઇલ ઝિંકાઇ. નિકોલસ ટોમાલિનનું સ્થળ પર જ અવસાન થઈ ગયું.
એક બાહોશ, બહાદુર અને આનંદી પત્રકારના જીવનનો જ્યારે કરુણાંત આવ્યો ત્યારે એમની ઉંમર માત્ર એકતાલીસ વર્ષ હતી. }
- નૈતિક ઓઝા
Read Original Article →