માય સ્પેસ:‘વાબી સાબી’: અપૂર્ણતાનો આદર
ભારતીય ઉત્તર પશ્ચિમ બોર્ડર પર જ્યારે અસ્થિરતા અને અરાજકતા વ્યાપી છે, ચીન આંતરરાષ્ટ્રીય પ્રશ્નોમાં દખલગીરી કરી રહ્યું છે, પરંતુ વિશ્વભરમાં વિરોધ હોવા છતાં ચાઈનીઝ પ્રોડક્ટ્સનું પરફેક્શન આપણને આકર્ષે છે. જથ્થાબંધ ઉત્પાદન, ઓછી મજૂરી અને છતાં એકસરખી, વિશ્વની ઉત્તમ બ્રાન્ડની લગભગ પરફેક્ટ કોપી એ ચીનની સિધ્ધિ પૂરવાર થઈ છે. એની સામે, જાપાન અધૂરપના સૌંદર્યની ફિલોસોફી આપે છે. બધું જ પરફેક્ટ હોવું જોઈએ, સુંદર હોવું જોઈએ એવો આગ્રહ જ આપણને અંદરથી ઉદ્વિગ્ન અને અસુરક્ષિત બનાવી દે છે.
આમ તો, ચીની અને જાપાની ચહેરા એક જેવા દેખાય છે, પરંતુ બંનેની માનસિકતા અને જીવનશૈલીમાં આસમાન-જમીનનો ફેર છે. ચીનનો વસ્તી વધારો અને જાપાનમાં બાળકોને જન્મ આપવા માટે સરકારે આપવું પડતું પ્રોત્સાહન... ચીનની કોપી કરવાની આવડત અને જાપાનની મૌલિકતા, ચીનનો યુધ્ધખોર સ્વભાવ અને જાપાનની અધ્યાત્મિકતા, શાંતિ પરત્વેનો અભિગમ આ બંને ફિલોસોફી એકમેકથી તદ્દન વિરુદ્ધ છે.
જાપાનની આ ફિલોસોફી વિશે અનેક પુસ્તકો લખાયાં છે. જેમાં બેથ કેમ્પટનનું એક પુસ્તક અને જાપાનીઝ લેખક નોબુઓ સુઝુકીનું પુસ્તક ‘વાબી સાબી’ આપણને અટકીને શ્વાસ લેતાં, અપૂર્ણતાનો આદર કરતાં, તૂટેલી વસ્તુઓમાં ઈમોશન અને ઈતિહાસને જોતાં શીખવે છે. વાબી સાબી કોઈ ફિલોસોફી નથી, જીવન જીવવાની કલા છે. વાબી સાબી કોઈ સૂત્ર કે નિયમ કે કોઈ કોર્સ કે ડિસ્કોર્સ નથી. વાબી સાબી જીવનની સૌથી સરળ છતાં ઊંડી સુંદરતા સાથે આપણને જોડે છે.
‘કિન્સુગી’ એક જાપાનીઝ કલા છે જેમાં તૂટેલી વસ્તુઓને ફેંકી દેવાને બદલે એને સોનાથી જોડવામાં આવે છે. એની તિરાડોને છુપાવવાને બદલે એ તિરાડોને સોનેરી બનાવી ચમકતી રાખવાથી આપણને સમજાય છે કે, હૃદય તૂટે ત્યારે એને જોડ્યા પછી જે તિરાડ છે એ વધુ ચમકતી અને સોનેરી બની શકે છે. ભારતીય ફિલોસોફી ક્યાંક ‘મન, મોતી અને કાચ તૂટ્યા પછી સાંધી ન શકાય’ એવી કહેવત કહે છે, જેની સામે ‘વાબી સાબી’ કહે છે કે, ‘તૂટેલી વસ્તુ જોડાયા પછી વધુ સુંદર બની જાય છે.’ કોઈ સંબંધ, અપેક્ષા, લાગણી કે પરિસ્થિતિ જ્યારે આપણા હાથમાંથી છટકીને તૂટી જાય ત્યારે એના પર અફસોસ કરવાને બદલે એને વધુ સુંદર રીતે જોડીને એમાંથી એક નવી જ વસ્તુ, નવો સંબંધ, નવી લાગણીને જન્મ આપી શકાય એ તદ્દન મૌલિક અને પોઝિટિવ વિચાર આ વાબી સાબી પાસેથી મળે છે.
‘વાબી’ એટલે સાદગી, સરળતા, તામઝામ વગરની જેવું છે તેવું વ્યક્તિ અથવા વસ્તુનું અસ્તિત્વ. કોઈ રંગરોગાન કર્યા વગરની એક સહજતા. એક બાળકના સ્મિતમાં કોઈપણ દંભ નથી, કદાચ એટલે આપણને એ સ્મિત સુંદર લાગે છે. એક ફૂલ, ઘાસની એક પત્તી, આકાશમાં દેખાતા વાદળો કે સૂર્યોદયમાં કોઈ બનાવટ નથી, કરી શકાતી પણ નથી... માટે એનું અસ્તિત્વ આપણને પવિત્ર, શુદ્ધ અને સુંદર લાગે છે.
‘સાબી’ એટલે સમયની સાથે આવતા બદલાવના સ્વીકાર સાથેની સુંદરતા. ચહેરા પરની કરચલીઓ, ધોળા વાળ, આજે ઊગેલું ફૂલ કાલે ખરી જવાનું છે એ સત્યને અનુભવીને અત્યારે, આ ક્ષણે ફૂલના સૌંદર્યને માણી લેવાની કળા એટલે સાબી. તે આપણને શીખવે છે, વર્તમાનમાં જીવતાં અને આપણા અસ્તિત્વની ક્ષણભંગુરતાને સહજતાથી સ્વીકારતાં.
કશુંય પૂર્ણ નથી (ઈનકમ્પલિટનેસ), કશું ટકવાનું નથી (ઈમ્પર્મેનન્સ) અને સંપૂર્ણતાનો કોન્સેપ્ટ જ ખોટો છે (ઈમ્પરફેક્શન), એ વાત આપણને જે ક્ષણે સમજાઈ જાય એ ક્ષણે આપણે આ વિશ્વના સૌથી સુખી અને શાંત વ્યક્તિ બની જઈએ છીએ. આપણે સતત કશુંક સુધારવાના, પૂરું કરવાના, પહોંચી વળવાના કે સાબિત કરી દેવાના પ્રયત્નમાં દોડતા રહીએ છીએ. વાબી સાબી કહે છે, ‘જ્યાં પહોંચી શકાતું નથી ત્યાં પહોંચવાનો પ્રયત્ન આપણને થકવી નાખે છે. આપણે જાણીએ છીએ કે, અંત શું છે તેમ છતાં આપણે એ અંતને સ્વીકારવાને બદલે એ અંતને વધુને વધુ પાછળ ધકેલવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. અહીંથી અશાંતિ અને અસુરક્ષાની શરૂઆત થાય છે...’
અનિત્યતા એ જ સત્ય છે. જાપાની ફિલોસોફી ‘ઈચી ગો ઈચી એ’ કહે છે કે, આ પળ ફરી નહીં આવે. કદાચ, સારી પળ આવશે, કદાચ ખરાબ પળ આવશે, પરંતુ આ ક્ષણ તો જીવનમાં એક જ વાર આવી છે-એને અત્યારે જ જીવી લો. જો આ પળ જીવવાનું ચૂકી જવાશે. કોઈપણ અપેક્ષા વગર પૂરા હૃદયથી આ પળનો સત્કાર કરવાની આપણી તૈયારી કે તત્પરતાને જાપાની ભાષામાં ‘ઓમોતેનાશી’ કહે છે. અતિથિ સત્કાર આપણી સંસ્કૃતિનો પણ બહુ મહત્ત્વ નો હિસ્સો છે.
દુલા ભાયા ‘કાગ’ની કવિતા, ‘તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે...’ જીવનની આ જ ફિલોસોફી છે. જાપાની સંસ્કૃતિ કહે છે કે, ફક્ત વ્યક્તિ જ નહીં, વિચાર અથવા વર્તમાનની ક્ષણ પણ અતિથિ બનીને જ આવે છે. એને પૂર્ણ આદરથી, સ્નેહથી આવકારીએ. ‘ઓમોતે’ એટલે સામે જે દેખાય છે, સત્ય છે તે અને નાશી એટલે જેમાં કંઈ જ છુપાવવાની જરૂર નથી તે... દિલમાં, મનમાં જે છે એને કોઈ છળ વગર ક્ષણ કે સંબંધને સમર્પિત કરી દેવું, એટલે ‘ઓમોતેનાશી’. જાપાની ફિલોસોફીનો એક વિચાર છે ‘મા’ એટલે ખાલી જગ્યા અથવા રિક્તતા. ખાલીપણું માત્ર અધૂરપ કે અભાવ નથી. સંગીતમાં જે સૂર વચ્ચેનું મૌન છે, કવિતામાં જે નથી કહેવાયું એ જ તો અર્થ આપે છે.
એ રીતે જીવનમાં પણ, સતત શબ્દો, સંપત્તિ કે સંબંધોથી ભરવાને બદલે થોડું ખાલીપણું, થોડી સ્પેસ જરૂરી છે. ટોળાંમાં કદાચ એક વ્યક્તિ પરત્વે ધ્યાન ન જાય, પરંતુ ખાલી મેદાનમાં ઉભેલો એક માણસ તરત જ દેખાય છે. બારીમાં મૂકેલું એકાદ કુંડુ વધુ સુંદર લાગે છે. એકાંત, શાંતિ, મૌન અને અપૂર્ણતાનો આવકાર આપણને અનિત્યતાના શાશ્વત અસ્તિત્વની ઓળખ કરાવે છે.
આપણા દુઃખને, અધૂરપને, વધતી ઉંમરને, વધેલા વજનને, ચામડીના રંગને, ચહેરાના આકારને, અણઆવડતને સંપૂર્ણ રીતે સ્વીકારીએ ત્યારે આપણે આ જગતના સર્જનહારનો પણ સ્વીકાર કરીએ છીએ. સાદગી અને બદલાવ, જીવનનું સત્ય છે. ગઈકાલે જે વ્યક્તિને મળ્યા હતા એ આજે વધુ સમજદાર, થોડી બદલાયેલી કે કદાચ વધુ શાંત અને ક્ષમાશીલ બની હશે એ વાતને જો સ્વીકારીએ તો આપણા સંબંધોને રોજેરોજ થોડા વધુ બહેતર બનાવી શકીએ એમ ‘વાબી સાબી’ કહે છે.
દોડવા-ભાગવા કે હાંફીને થાકી જવાને બદલે થોડું ધીમું ચાલીને કોમ્પિટિશનમાં પાછળ રહી જવાય તો કંઈ ખોટું નથી. આપણી અણઆવડત, અધૂરપ, વિતેલા જીવનનો પશ્ચાતાપ કે પીડા છુપાવવાની જરૂર નથી. આપણે જે છીએ, જ્યાં છીએ અને જેવા છીએ એ જ સાચી પૂર્ણતા છે.
Read Original Article →