ટૂંકી વાર્તા:‘તું પાછો ક્યારે આવીશ?’

Magazine4/26/2026, 12:50:00 AM
ટૂંકી વાર્તા:‘તું પાછો ક્યારે આવીશ?’
કેતન મોટલા ‘રઘુવંશી’ અભિનંદન મનોજભાઈ, તમારા દીકરાનો ધોરણ 10 બોર્ડમાં આખા રાજ્યમાં ચોથો નંબર આવ્યો. જુઓ, આજે છાપામાં ફોટો આવ્યો છે પેંડાની પાર્ટી તો આપવી પડશે હો!’ માર્કેટિંગ યાર્ડના વેપારી સંજયભાઈ અભિનંદન આપતા બોલ્યા. ‘ખૂબ ખૂબ આભાર સંજયભાઈ, ચોક્કસ પાર્ટી તો મારે આપવી જ પડે !’ મનોજકુમાર ઉત્સાહ સાથે બોલ્યા. સૌરાષ્ટ્રના મધ્યમ કક્ષાના શહેરના માર્કેટિંગ યાર્ડમાં અનાજ કરિયાણાની દલાલીનું કામ કરતા મનોજકુમારના તેજસ્વી પુત્ર વિવાનની સફળતાથી ઘરના સૌ ખુશ હતા. પત્ની કવિતાબેન તો આડોશપાડોશમાં ઉત્સાહથી પેંડા વહેંચી પણ આવ્યાં હતાં. ઘરમાં આનંદનું વાતાવરણ છવાયેલું હતું. ન્યૂઝ ચેનલ અને સ્થાનિક અખબારવાળા ઘરે વિવાનનો ઇન્ટરવ્યૂ લેવા પહોંચી ગયા હતા. ‘બેટા, ધોરણ 10 ની સફળતા માટે કોંગ્રેચ્યુલેશન્સ! અને આ સફળતા માટેનું રહસ્ય શું છે?’ વિવાનને એક મહિલા પત્રકારે પૂછ્યું. ‘મારી સફળતા માટે સૌપ્રથમ મારાં મમ્મી-પપ્પાની મહેનત અને તેમનો સંઘર્ષ તથા મારા ક્લાસના ટીચર્સ આદરણીય ગુરુજનો એને જે ગાઈડન્સ આપી તેના કારણે મને સફળતા મળી છે. વળી દરરોજ સાતથી આઠ કલાકનું રેગ્યુલર રીડિંગ અને મોબાઈલ સ્ક્રીનથી દૂરી આ બધી બાબતને કારણે આ રિઝલ્ટ આવ્યું છે.’ વિવાને આત્મવિશ્વાસ સાથે ઉત્તર આપ્યો. ‘વેરી ગુડ બેટા!’ હવે આગળ શું કરવું છે?’ ‘મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું છે.’ વિવાને આત્મવિશ્વાસથી ઉત્તર આપ્યો. ‘થેન્ક યૂ એન્ડ વન્સ અગેઇન કોન્ગ્રેચ્યુલેશન્સ..’ ‘થેન્ક યૂ!’ ‘પપ્પા, તમને એક વાત કહું ? મારે હવે મુંબઇમાં એજ્યુકેશન લેવું છે. મારો મિત્ર આરોહ પણ ત્યાં જાય છે અમે બંને સાથે કોલેજ કરીશું.’ ‘સારું બેટા, આપણે એમ જ કરીશું. તારે મુંબઈ ભણવું છે ને તો તને મુંબઈમાં એડમિશન લઈ આપીશું.’ મનોજભાઇ વિવાનની સફળતાથી ખુશ થતા બોલ્યા. અને વિવાનના પિતાએ મુંબઈની સારામાં સારી કોલેજમાં એડમિશન અપાવ્યું અને સી. એ.ના સારા ક્લાસીસ પણ જોઈન કરાવ્યા. પાંચ વર્ષમાં વિવાને સફળતાપૂર્વક ગ્રેજ્યુએશન કમ્પ્લિટ કર્યું અને સી. એ.નું ફાઇનલ યર બાકી હતું. ‘કેમ તમે આજે ટેન્શનમાં છો ? શું કંઈ પ્રોબ્લેમ છે?’ એક સાંજે કવિતાબહેને તેમના પતિનો ચિંતાગ્રસ્ત ચહેરો જોઈ પૂછ્યું. ‘ના હવે કંઈ નથી.’ ‘હાસ્તો, તમે ભલે ના કહો પણ તમારા ચહેરા ઉપરથી એવું લાગે છે કે તમને કંઈક ચિંતા છો છે જ બે દાયકાથી તમારી સાથે રહું છું. તમારી ધર્મપત્ની છું મને કંઈ ખબર ન પડે એવું થોડું બને !’ ‘કવિતા, હમણાં હમણાં ધંધામાં બહુ મંદી ચાલે છે અને આ વખતે એરંડામાં ખાસું નુકસાન થયું.’ ‘એ તો ચાલ્યા કરે ! ધંધો હોય તો તેજી-મંદી આવ્યા કરે.’ કવિતાબહેન ધીરજ આપતાં બોલ્યાં. ‘એમ નહીં પણ આ વખતે જરા વધારે મંદી છે હમણાં લાલ મરચાંમાં પણ થોડું વધારે નુકસાન થયું અને કાલે વિવાનના ફોન હતો એને એક લાખ રૂપિયા મોકલવાના છે.’ મનોજભાઈ ચિંતિત થઈ બોલ્યા. ‘તમે કહો તો મારા મોટાભાઈ ને વાત કરું?’ ‘ના… ના સગાં પાસે બને ત્યાં સુધી પૈસા ન મગાય હું કંઈક વ્યવસ્થા કરું છું.’ ‘હેલ્લો પપ્પા, કેમ છો? મમ્મીને કેમ છે?’ ‘હા બેટા મજામાં હો , તારી મમ્મી પણ મજામાં છે.’ ‘પપ્પા મારે કાલે લાસ્ટ ડેટ છે ફીની. ફી નહીં ભરાય તો રજિસ્ટ્રેશન નહીં થાય.’ વિવાન ચિંતિત થઈ બોલ્યો ‘તું ચિંતા ન કર, દીકરા. કાલે તને પૈસા મળી જશે.’ ‘શેઠ, એક લાખના પાંચ ટકા લઈશ અને દુકાનનાં છાપાં ગીરવી મૂકવાં પડશે જોરૂભા મૂછ પર હાથ ફેરવતા બોલ્યા. ‘ભલે બાપુ, પણ હું તો વહેલાં ચૂકવી દઈશ.’ અનેક તકલીફો વેઠીને મનોજભાઈ અને કવિતાબહેને પોતાના દીકરા વિવાનને સારામાં સારો અભ્યાસ કરાવ્યો અને તેના કારણે પુત્ર વિવાન ચાર્ટર્ડએકાઉન્ટન્સીમાં સફળ થયો. તેને મુંબઈની મલ્ટિનેશનલ કંપનીમાં એકાઉન્ટ મેનેજરની સવા લાખ પગારની નોકરી મળી. દીકરો સી. એ.બની જતા મુંબઈની ધૈર્યા સાથે સગાઈ થઈ અને માત્ર ત્રણ મહિનામાં જ ત્યાં જ લગ્ન પણ થઈ ગયાં. ‘સાંભળ્યું? મને તો હજી સપનાં જેવું લાગે છે આપણો વિવાન મુંબઈમાં મોટી કંપનીમાં નોકરી પણ લાગી ગયો અને પરણી પણ ગયો.’ કવિતાબહેને મનોજભાઈને કહ્યું. ‘એ તો બધી ઈશ્વરની કૃપા છે.’ ‘હાલો દીકરા વિવાન, તારા પપ્પા હમણાં હમણાં બહુ બીમાર રહે છે. અહીંથી બે-ત્રણ વાર દવા લીધી પણ સારું નથી થતું અને ડોક્ટરે કીધું કે તેને રિપોર્ટ કરાવવા અમદાવાદ લઈ જવા પડશે તું આવી જાને, બેટા! મારાથી પણ હવે બહુ કામ થતું નથી.’ કવિતાબહેને વિવાનને ચિંતિત થઈ કહ્યું. ‘મમ્મી આ મહિનો તો મારે ઓડિટ ચાલે છે હું બિલકુલ નીકળી નહી શકું. આવતા મહિને કંઈક ગોઠવીએ.’ ‘ પણ બેટા, તારા પપ્પાને બહુ તકલીફ છે.’ ‘તું ચિંતા નહી કર, ને હા સાંભળ, તારા એકાઉન્ટમાં પચાસ હજાર મોકલું છું ને રમેશકાકાને હું ફોન કરી દઉં છું તે પપ્પાને અમદાવાદ લઈ જશે અને રિપોર્ટ કરાવી મને કહેજો અને હા વધારે પૈસા જોતા હોય તો કહેજે ! ચાલો, હું જરા કામમાં છું પછી વાત કરું.’ તેમ કહી વિવાને ફોન મૂકી દીધો. ‘શું કીધું વિવાને? એ આવવાનો છે?’ ‘ એણે ખાતામાં પૈસા મોકલ્યા ને કીધું કે કાકાને વાત કરી દઉં, એ તમને લઈ જશે.’ ‘ક્યાંય નથી જવું મારે ! જુવાન દીકરો હોય તો બાપને કે દી’ કામ આવે? અને એ એવો તો કેવો મોટો માણસ થઈ ગયો કે મા-બાપને મળવાં પણ ન આવે? મને તો લગ્ન વખતે પણ એ જ્યારે અહીં આવ્યો અને ગેસ્ટહાઉસમાં રોકાયો ત્યારે મને ખૂબ જ ગુસ્સો આવ્યો પણ નવી વહુ હતી એટલે એને કંઈ કીધું નહીં.’ મનોજભાઈ આક્રમક થઈ બોલ્યા. ‘હવે છોકરા છે , એને કામ હશે! તમે છોડો ને વાત જવા દોને!’ કવિતાબહેન શાંત પાડતાં બોલ્યાં. ‘ સોરી ! તમે બહુ લેટ આવ્યા છો. વડીલને કેન્સર આખા શરીરમાં પ્રસરી ગયું છે લાસ્ટ સ્ટેજ છે હવે માત્ર જે સેવા થાય તે કરો.’ ડો. શાહ ગંભીર થઈ બોલ્યા. ‘કવિતા આપણો વિવાન કે દી’ આવશે? મારે એનું મોઢું જોવું છે મારે બીજું કંઈ નથી જોઈતું બસ! મારા દીકરા વિવાનનું એકવાર મોઢું જોવું છે.’ મનોજભાઈ કેન્સરથી પીડાતા દુઃખી થઈ રડતાં રડતાં બોલ્યા. ‘ભાઈ વિવાન , રમેશકાકા બોલું છું તું ક્યારે આવે છે તારા પપ્પા હવે…’. ‘સમજી ગયો કાકા, હવે બસ માત્ર બે જ દિવસ આ શનિવારે ફ્લાઈટની ટિકિટ લઉં છું મારે બે જ દિવસ કામ બાકી છે.’ ‘પણ બેટા મોટાભાઈ તને મળવાની બહુ જીદ કરે છે કોઈનું માનતા જ નથી.’ ‘તમને કહ્યુંને કે બે દિવસમાં આવું છું આમ મારી સામે વેવલાવેડા કરવાના નહીં અને ઓફિસમાં મારે બીજું કામ હોય કે નહીં રાખો ફોન.’ એમ કહી વિવાને ગુસ્સામાં ફોન મૂકી દીધો. ‘ભાઈ રમેશ, તને એક સલાહ દઉં છું તારા દીકરાને એટલો મોટો માણસ ન બનાવતો કે એના માટે એના મા-બાપ નાનાં લાગવાં માંડે. ને શે’રની ભીડભાડની જિંદગીમાં ગામડાની માટીને સાવ ભૂલી જ જાય. હે પ્રભુ મારા વિવાનનું ભલું કરજે! ને એને જગતનું બધું સુખ દેજે! અંતિમ ઘડીએ મનોજભાઈ હે... રામ હે... રામ ને બદલે ‘હે… વિવાન હે... વિવાન એમ બોલી પુત્રવિયોગમાં આંખો મીંચી દીધી. ‘ભાઈ વિવાન! રમેશકાકા બોલું છું. તારા પિતાનો કાલે રાત્રે સ્વર્ગવાસ થયો છે તને કેટલા ફોન કર્યા? તને ખબર ન હોય તો કહી દઉં. તને જે એશોઆરામની નોકરી મળી છે તેમાં મારા ભાઈએ વ્યાજે પૈસા લઈ તારી ફી ભરી છે. ખેર એ બધું જવા દે! સાંભળ, આજે સાંજે પાંચ વાગ્યે સ્મશાનયાત્રા છે. ભાઈ અમારા પર એક ઉપકાર કરજે. તારા હાથે મનોજભાઇને અગ્નિદાહ મળશે તો એના આત્માને શાંતિ મળશે. ’ ‘પપ્પા, આઈ એમ સોરી! મને માફ કરી દો... મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મમ્મી... વિવાન મમ્મીને ભેટી રડી પડ્યો. મમ્મી હવે તને મૂકીને ક્યાય નહીં જાઉં. અહીં જ રહીશ, આ ઘરમાં તારી પાસે… પપ્પા, હવે હું પાછો આવી ગયો છું.’ વિવાન રડતાં રડતાં પિતાને ગંગાજળ આપતા બોલ્યો.
Read Original Article →