વિકાસની વાટે:જીવનમાં વિરામને સ્થાન આપી, જિંદગીનાં વર્ષોમાં જીવન ઉમેરી, જિંદગીમાં વર્ષો ઉમેરીએ
હસમુખ પટેલ
હમણાં ત્રણ દિવસની એક તાલીમમાં જવાનું થયું ત્યારે થોડી નિરાંતનો અનુભવ થયો. લગભગ દરેક જણને અનુભવ હશે કે અઠવાડિયા-પંદર દિવસની તાલીમ આપણને ઘટમાળિયા જિંદગીમાંથી વિરામનો અનુભવ કરાવે છે. જીવન તરફ શાંતિથી નજર કરવાનો મોકો આપે છે. રોજની દોડધામ અને વિચાર્યા વિના જીવવાની ટેવને કારણે તંદુરસ્તીને નડે તેવી ટેવો પર પણ ધ્યાન જાય છે. તાલીમના વર્ગો તો આપણે જે વિષય શીખવા ગયા હોય તે ભણાવે છે પણ સાચો લાભ તો વિરામથી થાય છે, ઘટમાળ તૂટવાને કારણે થાય છે.
આ વિરામ આપણને નવી ઊર્જા આપે છે. જીવન તરફ જોવાની નવી દૃષ્ટિ આપે છે. યોગ, પ્રાણાયામ, કસરત વગેરેનો જીવનમાં પુન: પ્રવેશ થાય છે. ખોરાકમાં કાળજી રાખવાનો નિર્ણય કરીએ છીએ. જીવનની રફતારને થોડી બ્રેક લગાડવાનો નિર્ણય કરી આપણે પાછા આવીએ છીએ. થોડો સમય સમુંસૂતરું ચાલે છે. પાછા ભાગદોડમાં લાગી જઈએ છીએ. આમ છતાં ફાયદો અચૂક થાય છે. તે સતત ચાલુ રહે છે તે માટે જાગૃત રહેવું પડે. ગમે તેટલા જાગૃત રહીએ તો પણ ધીરે ધીરે બધું ભુલાઈ જાય છે. તો કરવું શું ?
કામની વચ્ચે કોઈ ને કોઈ બહાને વિરામ લેવો. તાલીમમાં જવું. પરિવાર સાથે પ્રવાસ કરવો. વચ્ચે રજા લઈ પુસ્તક વાંચવું. કોઈ નવી જગ્યાએ બે-ત્રણ દિવસ માટે જઈ વિરામ લેવો. જીવનને નિરાંત આપે, સ્ફૂર્તિ આપે, નવી દૃષ્ટિ આપે તેવી વાતો કરવી, તેવી રીતે જીવવું. કેટલાક કવિમિત્રો વરસમાં એકવાર હિલ સ્ટેશન જઈ મજાની વાતો કરતા હોય છે. તેના જેવું કંઈક વિચારી શકાય.
ઘણીવાર આપણે પ્રવાસને પણ કામ જેવો જ બોજદાયક બનાવી મૂકીએ છીએ. થોડા દિવસમાં ઘણુંબધું ફરી લેવાની લાલચ. એવું જ પાર્ટીઓનું પણ થાય છે. કોઈ ને કોઈ બહાને મિત્રો મળી પાર્ટી કરે. કોલેજની બેચનાં રિયુનિયન થાય છે. ત્યાં લોકો ખૂબ ખાય-પીએ, નાચે-ગાય. પંદર દિવસની કસરત કરીને બાળવી પડે તેટલી ચરબી ભેગી કરે. તેનાથી વધુ નુકસાન તો પાર્ટીની હાઈ બિટ જિંદગી. આવી પાર્ટીઓમાં હૃદયરોગના હુમલાના પ્રસંગો અજાણ્યા નથી. આપણા તહેવારો, પ્રસંગો, મેળાઓ આનંદના ઉત્સવો હતા. આજે તે ધનપ્રદર્શનનાં માધ્યમો બન્યાં. લગ્નમાં ગાવાનો તો શું વાત કરવાનોય અવકાશ હોતો નથી. લગ્ન પ્રસંગોનો ઘોંઘાટ આપણી તાણ વધારતો નહીં હોય ?
આપણે વિરામ લેતાં શીખવું પડશે. જીવનની રફતાર એટલી ઝડપી છે કે ચાર છ મહિને કે વરસે બે વરસે તાલીમ જેવો કોઈ વિરામ પર્યાપ્ત નથી. રોજિંદા જીવનમાં રોજે રોજ વિરામનો અનુભવ કરતા રહેવો પડશે. જ્યારે શક્ય બને ત્યારે કામ કરતાં કરતાં જાગૃતિપૂર્વક શ્વાસ લેવા પ્રયત્ન કરતા રહેવું પડશે. વિપશ્યના ધ્યાન શિબિર તેમ કરવામાં સહાયભૂત થશે.
ચોવીસ કલાકમાં અડતાલીસ કલાક જીવી લેવાનો મોહ છોડવો પડશે. કામના સમયે કામ અને આરામના સમયે આરામ તેવો અભિગમ કેળવવો પડશે. પરિવાર સાથે દરરોજ નિરાંતનો સમય મળી રહે તે રીતે જીવન ગોઠવવું પડશે. પારિવારિક સંબંધો મજબૂત હોય તે રીતે જીવવું પડશે. દિવસમાં કમ સે કમ એક વાર સાથે બેસી જમાય તે રીતે ઘરના દરેક સભ્યનું સમયપત્રક ગોઠવવું પડશે. આપણી જેમ જ આપણા સંતાનોને રેસના ઘોડા બનાવવાની જરૂર નથી. નહીં તો તેમને માથે આપણા અને તેમના બંનેના આરોગ્યનો બોજ આવશે. આપણી જેમ જ તેઓ પૈસા કમાશે પણ દવાખાનાઓમાં વાપરશે.
આપણા નગર નિયોજકોએ એક પ્રશ્ન પૂછવા જેવો છે કે શહેરોમાં બગીચાઓનું ક્ષેત્રફળ વધુ છે કે હોસ્પિટલનું? નગર નિયોજકો બગીચા આપી દેશે તેનાથી કામ થઈ જવાનું નથી. કોવિડના લોકડાઉન વખતે આપણે ગરમાળા અને ગુલમોહરનાં ફૂલોને જેટલી તીવ્રતાથી અનુભવ્યાં હતાં તેટલા જીવનમાં ક્યારેય અનુભવ્યા છે? લીમડા પાસેથી પસાર થતાં આપણને અનુભવ થાય છે કે તેના પર મૉર આવ્યો છે. મહોરેલા આંબાની સુગંધ આપણે ક્યારે માણી હતી? આવી દરેક ક્ષણ આપણને જીવનસત્ત્વ સાથે જોડે છે, પેલા શ્વાસ પ્રત્યેની જાગૃતિની જેમ જ.
યાદ કરીએ કે આપણે નિરાંતે બેસીને કોઈ ગીત ક્યારે સાંભળ્યું હતું? ક્યારે કોઈ પુસ્તક કશું પામવા માટે નહીં પણ વાંચનના આનંદ માટે વાંચ્યું હતું? ક્યારે પોતાની જાત સાથે સમય ગાળ્યો હતો? શરીર માટે કસરત આવશ્યક છે તેમ મન માટે શાંતિ કે આનંદનો અનુભવ જરૂરી નહીં હોય? શારીરિક કસરતથી મેળવેલ લાભ ઉપર માનસિક અશાંતિ કે તાણ પાણી નહીં ફેરવતાં હોય?
જીવનમાં વિરામને સ્થાન આપી, જિંદગીનાં વર્ષોમાં જીવન ઉમેરી, જિંદગીમાં વર્ષો ઉમેરીએ.
Read Original Article →