સ્ટ્રેઇટ ડ્રાઇવ:જનનીની જોડ સખી નહીં જડે રે લોલ…

Magazine5/10/2026, 12:50:00 AM
સ્ટ્રેઇટ ડ્રાઇવ:જનનીની જોડ સખી નહીં જડે રે લોલ…
મૃદુલાબહેન ભટ્ટના પુત્ર અપૂર્વ ભટ્ટ 19 ડિસેમ્બર, 2006 અને સ્થળ નવી દિલ્હીનું ફિરોઝ શાહ કોટલા ક્રિકેટ ગ્રાઉન્ડ. દિલ્હી અને કર્ણાટકની રણજી મેચ ચાલી રહી હતી અને નવી દિલ્હીનો નવોદિત 18 વર્ષીય નવયુવાન મેદાન પર રમી રહ્યો હતો. સાંજે મેચ પૂરી થઈ ત્યારે આ નવયુવાને અણનમ 40 રન બનાવ્યા હતા. તેની દિલ્હીની ટીમની સ્થિતિ કર્ણાટક સામે હજી નાજુક હતી. એ નવલોહિયો અત્યંત આકર્ષક ફટકાબાજી કરતો હતો અને 23 નવેમ્બર, 2006માં તામિલનાડુ વિરુદ્ધ તેને રણજીમાં પદાર્પણ કર્યું હતું, પણ પોતાની પહેલી જ મેચમાં તે માત્ર 10 રન બનાવી શક્યો હતો. આથી આ બીજી મેચ તેના માટે અત્યંત મહત્ત્વની હતી. રાત્રે 3. 30 વાગે અચાનક એક કારમી ઘટના બની. નવયુવકના પિતાને તીવ્ર હાર્ટ એટેક આવ્યો. તેમાં તેઓ પરલોક સિધાવી ગયા. યુવાન એટલો હતપ્રભ બની ગયો કે રડી પણ ન શક્યો. બરાબર આ સમયે તેનાં માતાએ અદભુત મક્કમતા ધારણ કરી. બધાને લાગ્યું કે પેલો નવયુવાન હવે મેચ નહીં રમે, પણ તેની માતાએ સવારે તેને એક રૂમમાં લઈ જઈ કહ્યું, ‘તારા પિતાજીનું એકમાત્ર સ્વપ્ન તને ભારત માટે ક્રિકેટ રમતો જોવાની હતી. તો હવે તું ક્રિકેટના મેદાન પર તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી તેમનું સ્વપ્ન સાકાર કર. તારી મેચ પતશે પછી જ તારા પિતાની અંતિમક્રિયા હું થવા દઈશ. અત્યારે તારી ટીમને તારી જરૂર છે, બેટા! માટે બેટ પકડી મેદાન પર જા.’ એટલું જ નહીં પોતે કાળજું કઠણ કરી રિક્ષામાં છોકરાને ફિરોજશાહ કોટલના ગ્રાઉન્ડ પર મૂકી આવ્યાં. યુવાને તે દિવસે અણનમ 90 રન બનાવ્યા અને નવી દિલ્હી માટે કર્ણાટક સામેની મેચ જીતી લીધી. મેદાન પર કર્ણાટકના ખેલાડીઓને અણસાર સુધ્ધાં ન આવ્યો કે આ યુવાન તેના જીવનની સૌથી કઠિન પરીક્ષા આપી રહ્યો છે. તેની દિલ્હી ટીમના સાથી ખેલાડીઓ તો યુવકની આવા કારમા આઘાત વખતે માનસિક સ્વસ્થતા જોઇ સ્તબ્ધ બની ગયા. સાંજે મેચ પૂરી થઈ ત્યારે નવયુવાન ઘરે પહોંચ્યો. પિતાની અંતિમ યાત્રામાં સામેલ થઈ પિતાને અગ્નિ સંસ્કાર આપ્યા. સ્મશાનમાંથી આવીને પોતાની માતાના ખોળામાં માથું નાખીને યુવાન ધ્રુસકે ધ્રુસકે રડ્યો. ત્યાં હાજર દિલ્હી અને કર્ણાટકના ખેલાડીઓની આંખો પણ ભીની થઇ ગઇ. માતાએ સજળ નયને પ્રેમથી તેના માથે હાથ ફેરવી તેને સાંત્વન આપતા કહ્યું, ‘તારા પિતાજી હવેથી આકાશમાંથી તારી દરેક મેચ જોશે, બેટા.’ મિત્રો, માતાના મક્કમ મનોબળ થકી કારકિર્દીના પ્રારંભે પોતાના જીવનની કઠિનતમ અગ્નિ પરીક્ષા ઉત્તીર્ણ કરનારો આ ખેલાડી એટલે ક્રિકેટ કિંગ વિરાટ કોહલી અને આ અત્યંત નાજુક સમયે પોતાનું કાળજું કઠણ રાખી નાના વિરાટને ક્રિકેટના ગ્રાઉન્ડ પર પહોંચાડનારાં તેના માતાજી એટલે સરોજ દેવી કોહલી. સમગ્ર વિશ્વની માતૃશક્તિનાં ચરણોમાં પ્રણામ!
Read Original Article →