અમલપિયાલી:કેટલાંક દુ:ખની કવિતા થઈ શકતી નથી અને કેટલાંક સુખની કવિતા કરવી નથી
વિનોદ જોશી
સુખી થવાની કલ્પના કરતો માણસ
અત્યંત સુખી છે.
મિત્ર, એની કલ્પનામાં દુઃખને
ક્યાંય સ્થાન નથી હોતું…
- પ્રાણજીવન મહેતા કુદરતે પ્રાણીમાત્રને કલ્પના કરવાની જોગવાઈ આપી તેનાથી ચડિયાતી ભેટ બીજી કોઈ હોઈ શકે નહીં. આયુષ્ય ભલે અમુક વર્ષનું જ હોય પણ બીજી રીતે જોઈએ તો સહુ કલ્પનાના જગતમાં આયુષ્યની મર્યાદા કરતાં પણ વધુ જીવે છે.
મનુષ્ય પોતાના મર્યાદિત જીવનમાં પાંચ, પંદર, પચાસ કે અમુક સંખ્યામાં ગણી શકાય તેટલાં માણસોના પરિચયમાં આવે છે. પણ કલ્પનાથી તો એ હજારો માણસોને મળે છે. પોતાના ભૂભાગમાં રહેતો હોવા છતાં કલ્પનાથી બ્રહ્માંડનાં અનેક સ્તરોએ વિહરી શકે છે. ખરેખર તો આ કલ્પનાજગત એ જ પ્રાણીમાત્રનો ખરો વિસામો છે.આપણી સન્મુખ જે કંઈ છે તે તો માત્ર ઇન્દ્રિયોથી અનુભવાતું જગત છે. મનોજગતનો વ્યાપ તો પાર ન પામી શકાય તેટલો છે.
કવિ અહીં સુખ અને દુ:ખને લક્ષમાં લઈને વાત કરે છે. કોઈ માણસ દુ:ખ ઈચ્છે ખરો? તેનો જવાબ નકારમાં જ હોય. સહુને સુખી થવું છે. તો પછી કોઈ દુ:ખની કલ્પના ન કરે તે પણ સ્વાભાવિક છે. અહીં કવિ કહે છે કે જો માણસ સુખની જ કલ્પના કરે છે તો પછી તે સુખી જ હોવો જોઈએ. સુખ વિશે વિચારનાર માણસ સુખથી બહાર કઈ રીતે હોઈ શકે? જે પોતાની વર્તમાન ક્ષણને સુખની કલ્પનાથી ભરી દઈ શકતો હોય તે મનુષ્ય સુખી જ છે. કવિના કહેવા પ્રમાણે એની કલ્પનામાં દુ:ખને ક્યાંય સ્થાન નથી હોતું.
શું ખરેખર સુખ કે દુ:ખ જેવું કશું હોય છે ખરું? આમ તો આપણને અનુકૂળ પરિસ્થિતિ તે સુખ અને પ્રતિકૂળ પરિસ્થિતિ તે દુ:ખ. આ અનુકૂળતા અને પ્રતિકૂળતા સહુની પોતપોતાની હોય છે. એકને અનુકૂળ હોય તે જ અન્યને પ્રતિકૂળ હોય અને તે જ રીતે એકને પ્રતિકૂળ હોય તે અન્યને અનુકૂળ હોય તેવું બનતું હોય છે, તેથી સુખ અને દુ:ખનું કોઈ છેવટનું ધોરણ સ્થાપી શકાતું નથી. માટે જ કવિ કલ્પનામાં રચી શકાતી સુખની સાહ્યબીનો મહિમા કરે છે.
ખરેખર તો કલ્પનાનું સુખ જ સર્વોપરી છે. તેનું એક કારણ એ છે કે તે આપણી ઈચ્છા મુજબનું હોય છે. બીજું એ કે તેમાં કોઈનો પણ હસ્તક્ષેપ હોતો નથી અને ત્રીજું તે એ કે આપણે ઈચ્છીએ ત્યારે તે આપણને સાંપડે છે. વળી તેમાં કશું ગુમાવવાનું હોતું નથી. ઈચ્છા પ્રમાણે કલ્પનાને ઘાટ આપી શકાય છે, ઈચ્છીએ તેવો તેમાંથી આનંદ મેળવી શકાય છે. તો પછી સુખની કલ્પના કરનાર પાસે દુ:ખ ફરકી જ ન શકે. વાસ્તવિક દુ:ખને વિસારે પાડવાનો કીમિયો આપતા કવિ એટલે જ કહી દે છે કે સુખની કલ્પના કરનારને કદી દુ:ખ હોતું જ નથી.
કલ્પિત જગત આભાસી છે તે આપણે જાણીએ છીએ. પરંતુ વાસ્તવિક જગતમાં પણ જે સાચું દેખાય છે તે મિથ્યા હોવાનો તર્ક જ્ઞાનીઓ કરે છે. નરી આંખે દેખાય છે તેને આભાસ માનીને કલ્પનાનું જગત સાચું માનવાનો મનસૂબો કરીએ તો બધું જ સુખદાયી બની જાય. કલ્પનાનું પણ એક સત્ય છે. નહીં તો જે કેવળ મનમાં હોય તે આપણને સુખ કે દુ:ખ કેમ આપી શકે?
જે અનુભવમાં આવી ચૂક્યું હોય તેને આપણે કલ્પનાથી પુનર્જિવિત પણ કરી શકીએ છીએ. આ અર્થમાં કલ્પના સ્મૃતિને ટેકો આપે છે અને આપણામાં તેને જગાડે છે. કલ્પના ન હોત તો કલા કે વિજ્ઞાન પણ ક્યાંથી હોત? એક પક્ષીનું વિમાનમાં રૂપાંતર થાય ત્યારે તેમાં કલ્પનાનો કેટલો હિસ્સો છે તે આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ.
પણ આ તો કવિતા છે. સુખની કલ્પના વિશેની કવિતા છે. જો સુખની કલ્પના પોતે જ આનંદદાયી હોય તો પછી દુ:ખની કલ્પના કોઈએ શા માટે કરવી? આમેય પ્રતિકૂળ પરિસ્થિતિને દુ:ખનો સિક્કો મારતા પહેલાં એ પરિસ્થિતિ કોઇકના સુખનું કારણ પણ હોય તેમ પણ ન વિચારી શકાય? જેવું વિચારશો તેવાં થઈ જશો તેવું બોધવચન ક્યાંક વાંચ્યાનું યાદ આવે છે. સુખ અને દુ:ખ એ પરિસ્થિતિઓનાં નામ છે. શાયર મરીઝ કહે છે :
પૂરતો નથી નસીબનો આનંદ, ઓ ખુદા!
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ.
Read Original Article →