અમલપિયાલી:જેઓ સંવેદનાનો અનુભવ કરી શકતા નથી તેઓ વસ્તુથી વિશેષ કંઈ નથી
વિનોદ જોશી તમારે રંગો છે,
અને આકારો છે;
પરંતુ જાણ્યું છે?
કદી વા માણ્યું છે?
શશીનું ભાનુનું ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું?
વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું?
- પ્રહ્લાદ પારેખ ધું જ મળ્યું હોય અને છતાં હજી જાણે કશું જ મળ્યું ન હોય તેવું કોઈને ક્યારેય થાય ખરું? તેનો ઉત્તર એ છે કે એવું થાય. એવું થઈ શકે. આ પંક્તિઓ બનાવટી ફૂલોને સંબોધીને કહેવાયેલી છે. આ ફૂલોને બધું જ મળ્યું છે છતાં જાણે કશું જ નથી મળ્યું! તેઓ બનાવટી છે એટલે ઝાડ કે છોડ પર ઊગેલાં નથી એ સ્પષ્ટ છે અને તે છતાં એ ફૂલો કહેવાય છે. આમ તો આ વાત જ વિચિત્ર લાગે તેવી છે. જે બનાવટી છે તેને પણ ફૂલો કહીશું તો જે નૈસર્ગિક રીતે ઊગેલાં છે તેને શું કહીશું?
બનાવટી ફૂલોને રંગો છે. કદાચ સાચાં ફૂલોને હોય છે તેથી પણ વધુ પ્રભાવક રંગો છે અને તે જ રીતે તેને વિવિધ આકારો પણ છે. બનાવટી ફૂલોના સર્જનહાર આપણે છીએ તેથી આપણી ઈચ્છા પ્રમાણે તેનું રંગો અને આકારોમાં આપણે નિર્માણ કરી શકીએ છીએ, પણ એ બનાવટી સૌંદર્યનો આપણને અનુભવ આપનાર ફૂલોનું સૂર્ય-ચંદ્રનાં ઊગવા કે આથમવા સાથે કોઈ અનુસંધાન નથી. એને વાસંતી વાયરાના માદક સ્પર્શની પ્રતીતિ થતી નથી. આ અનુભવ કરવાથી જે વંચિત રહી જાય છે તે ખરેખરું જીવી શકતા નથી પણ બનાવટી જીવે છે.
વસ્તુજગતની ભ્રમજાળ એવી તો મોહક છે કે તેનાંથી અળગાં રહેવું મુશ્કેલ છે. કવિ અહીં જે ભ્રામક છે તેને વિષય બનાવીને તેની સામે આપણો મુકાબલો કરાવે છે. જાણે આપણે આ બનાવટી ફૂલોને પ્રશ્નો કરીને આપણને જ કહી રહ્યાં છીએ કે જેમને પ્રકૃતિએ સૂર્ય-ચંદ્રના ઉદય અને અસ્તની કે ઋતુઓના જીવંત સ્પર્શની જોગવાઈ નથી આપી તેવા શબવત્ બનાવટી ફૂલો પ્રત્યે આપણે કેમ આકર્ષાઈએ છીએ?
કદાચ એવું પણ બને કે કાળક્રમે આપણે બનાવટી હોય તે જ સાચું એવું માનતા થઈ જઈએ. સાચા અને ખોટાનો દ્વંદ્વ આપણને સદૈવ પજવતો રહે છે. બેમાંથી એકનો જ સ્વીકાર કરવાનો હોય ત્યારે આ વાત વધુ ઘેરી બની જતી હોય છે. પછી તો, ઘણીવાર ખોટું એ જ સાચું લાગતું હોય છે. કવિ અહીં બનાવટી ફૂલોની ઓળખ આપતાં એમને પણ સાચાં ફૂલોની માફક રંગો અને આકારો તો છે તેમ તો કહે છે. બંને વચ્ચે રહેલું આટલું સામ્ય આપણાંમાં ભ્રમ ઊભો કરે છે. કોણ અસલી છે અને કોણ નકલી તે આપણાથી કળી શકાતું નથી. કવિ જાણે છે કે બનાવટી ફૂલોને એની અસલિયત પૂછવાથી કોઈ ઉત્તર મળવાનો નથી. પણ તોયે એ એમણે શું જાણ્યું અને માણ્યું છે તે અહીં પૂછી બેસે છે.
બનાવટી ફૂલોની મજબૂરી તો એ છે કે પોતે બનાવટી છે તેવું તેઓ કોઈને કહી શકતા નથી. ઘણીવાર તો કહેવાની ઈચ્છા હોય તો પણ કહી શકાતું હોતું નથી. વળી બનાવટી હોય એને તો વાચા પણ ક્યાં હોય છે? એણે તો પોતે અને અન્યોએ ઊભા કરેલા ભ્રમને ટકાવી રાખવામાં જ પોતાનું આયુષ્ય ખર્ચવાનું હોય છે. સાચાં ફૂલોએ દિવસ પૂરો થાય ત્યારે પોતાનું સર્વસ્વ આપીને ખરી જવાનું હોય છે. બનાવટી ફૂલો આવાં પરગજુ હોતાં નથી કારણકે તેમની પાસે અદૃશ્ય એવી સુગંધનો વૈભવ હોતો નથી, જે વૈભવને સાચાં ફૂલો સહુને માટે ખુલ્લો મૂકી દેતાં હોય છે.
બનાવટી ફૂલો રંગો અને આકારોમાં બંધાયેલાં બિચારાં અને બાપડાં હોય છે. એમને રંગ અને આકાર મળ્યા હોય છે પણ સુગંધ મળી હોતી નથી. એમને પ્રકૃતિનો જીવંત સ્પર્શ મળ્યો હોતો નથી. તેઓ માત્ર વસ્તુ છે. તેમનામાં ભાવજગતની પ્રાણપ્રતિષ્ઠા થઈ શકતી નથી.
જેઓ સંવેદનાનો અનુભવ કરી શકતા નથી તેઓ વસ્તુથી વિશેષ કંઈ નથી. કવિતા મનુષ્યને વસ્તુજગતમાંથી ભાવજગત તરફ લઈ જાય છે. જે ક્ષીણ થાય છે તે વસ્તુ છે. જે સર્વકાલીન છે તે ભાવ છે. ભાવ બનાવટી ન હોય. તેમાં શશી અને ભાનુના ક્ષિતિજ પરથી થતા ભવ્ય ઉદયની પ્રતીતિ હોય. વાસંતી વાયુનો રસિક સ્પર્શ પણ હોય. એ તો જેઓ માણે તે જાણે. જેઓ બનાવટી હોય તેને તો આ વાત સાથે શી લેવાદેવા? કવિતા ક્યારેક જે બનાવટી હોય તેનો આશ્રય લઈને પણ કેવી સાચુકલી વાત કરી જતી હોય છે!
Read Original Article →