વિચારોના વૃંદાવનમાં:વિદ્વાનની સાહી શહીદના રક્ત કરતાં વધુ પવિત્ર છે

Magazine6/7/2026, 12:35:00 AM
વિચારોના વૃંદાવનમાં:વિદ્વાનની સાહી શહીદના રક્ત કરતાં વધુ પવિત્ર છે
દોસ્તોવ્સ્કીનું એક વિધાન ગમી જાય તેવું છે. સાંભળો: ‘પ્રેમનો સથવારો હોય, તો માણસ સુખ વિના પણ જીવી શકે. વિમાની પ્રવાસમાં કોઇ પેસેન્જર આસપાસની વિમાની સૃષ્ટિને અવગણીને ચોપડીમાં મોં નાખીને બેઠેલો જણાય તો અચૂક માનવું કે એ પેસેન્જર ફ્રેન્ચમેન હોવો જોઇએ. ફ્રાન્સ એક એવો દેશ છે જ્યાં માધ્યમિક કક્ષાએ ફિલસૂફીનો વિષય અભ્યાસક્રમમાં હોય છે. જોસેફ ફ્રાન્કોઇસ ડુપ્લે એ ભારતમાં ફ્રેન્ચ સંસ્થાઓના ગવર્નર-જનરલ હતા. તેમણે ભારતમાં ફ્રેન્ચ સામ્રાજ્યના વિસ્તરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને 1754માં તેમને ફ્રાન્સ પરત બોલાવવામાં આવ્યા હતા. ઇતિહાસકારો એમ પણ કહે છે કે જો ફ્રેન્ચ સરકારે ડુપ્લેને જલદી પાછા બોલાવી લીધા ન હોત, તો ભારત પર અંગ્રેજોને બદલે ફ્રેન્ચ લોકોનું શાસન હોત! જો ભારત પર ફ્રેન્ચ સરકારનું શાસન હોત, તો ભારતમાં વાંચનનું પ્રમાણ આજે છે તેના કરતાં અનેકગણું વધારે હોત અને દેશની કલાસમૃદ્ધિ પણ ‌વધારે પ્રાણવાન હોત! ધરતીથી અધ્ધર થઇને અનંત આકાશમાં ઊડવાનો રોમાંચ ક્યારેક મનુષ્યને વિચારદીક્ષા આપે એ શક્ય છે. વિમાનની બારી સાવ નાની, પરંતુ બારીની બહાર ફેલાયેલું વિશ્વ સૂર્ય-ચંદ્રને હથેળીમાં રમાડે તેવું વિરાટ! વિમાન પ્રવાસ પણ જો માણસને હળવોખમ ન બનાવે, તો જાણવું કે ભીતર કશુંક થીજી ગયું છે જે ઊડવા માટે તૈયાર નથી. વિમાનમાં બેઠાં બેઠાં ખૂબ વાંચવાનું બન્યું. ક્યારેક ડાયરી હાથવગી ન હોય, તો નોંધ કરવા માટે વિમાનની ટિકિટનો ઉપયોગ પણ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય પ્રવાસોમાં દેશ-વિદેશનાં અખબારો અને સામયિકો વાંચવાની મજા પડી હતી. એવે વખતે ડાયરીમાં ટપકાવેલી કેટલીક મૂલ્યવાન બાબતો અહીં પ્રસ્તુત છે: } સલમાન રશ્દીના પુસ્તક ‘સેતાનિક વર્સીસ’ અંગે જે ઊહાપોહ થયેલો તેના પરથી તારિક અલી અને હોવર્ડ બ્રેન્ટોને એક નાટક તૈયાર કરેલું, જેનું શીર્ષક હતું: ‘ઇરાનિયન નાઇટ્સ’. એ નાટકમાં સંભળાતા કુરાન આધારિત ઉચ્ચારણો મારી ડાયરીમાં નોંધી લીધાં હતાં: ‘જ્યારે દમન ફેલાય ત્યારે પક્ષી પણ પોતાના માળામાં મરી જાય છે... હું તને આજ્ઞા કરું છું કે દમનનો ભોગ બનેલાઓને મદદ કર, પછી તે મુસલમાન હોય કે ન હોય... વિદ્વાન માણસની સાહી (ink) શહીદના રક્ત કરતાં પણ વધારે પવિત્ર છે.’ (મે, 1989) } જો વેરો ભરનારાઓ કૂતરા હોત, તો નાણાખાતાના અધિકારીઓ પર, પ્રાણીઓ સાથે ઘાતકી વર્તન બતાવ્યાના ગુના હેઠળ કોર્ટમાં મુકદ્દમો ચલાવવામાં આવ્યો હોત. (નાની પાલખીવાલા, એપ્રિલ,1989) } જિનેટિક એન્જિનિયરિંગના વિજ્ઞાનીએ પત્નીને કહ્યું: ‘આજે તારી વર્ષગાંઠને દિવસે મારે તને મોટી સરપ્રાઇઝ આપવું છે. મેં એક વાઇરસને તારું નામ આપ્યું છે.’ } ઑપરેશન બ્લ્યૂ સ્ટાર પછી સુવર્ણ મંદિરમાંથી આત્મસમર્પણ કરતી વખતે બહાર આવેલા આતંકવાદીઓમાં એકનું નામ હતું: નિર્વેરસિંઘ. } સારી તબિયત જાળવવાની ઇચ્છા અને જીવવાની ઝંખનામાંથી જન્મેલી જિજીવિષાએ નિરાશા, હતાશાની ફિલસૂફીથી મને બચાવ્યો છે. - નિત્શે } બ્રિટનનાં વડાંપ્રધાન માર્ગરેટ થેચરની દીકરી કસ્ટમની ગ્રીન ચેનલમાંથી પસાર થતી હતી. કસ્ટમ ઑફિસરે એને રોકી અને પોતાના સામાનમાં જકાતપાત્ર ચીજ જાહેર ન કરવા બદલ 1500 પાઉન્ડનો દંડ કર્યો. (જાન્યુઆરી, 1989) વિચારોના વૃંદાવનમાં મસ્તીથી ફરનારા પુસ્તકપ્રેમીઓને એક ફિલસૂફની શ્રદ્ધાનો રણકો સંભળાય એમ ઇચ્છું છું. એ ફિલસૂફ કહે છે: સરકારનાં કોઇ શસ્ત્રો એક લેખકના શબ્દો જેટલાં શક્તિશાળી નથી હોતાં. યોગ્ય શબ્દો તો પરિવર્તન માટેનું જગતે જોયેલું સૌથી મહાન સાધન છે. પૂરતી સંખ્યામાં લોકોને જ્યારે શબ્દોનો સાચો રણકાર સંભળાય છે ત્યારે પ્રતિકાર ન કરી શકાય તેવાં પરિબળો સંચરિત થાય છે. ગુજરાતમાં બુક કલ્ચર ઓછું છે એમ કહેવાની ગુસ્તાખી કરવા જેવી નથી. હા, ગુજરાતીઓ વાંચવા માટે માગીને લીધેલું પુસ્તક પાછું વા‌ળતાં સો વાર વિચારે એ હકીકતમાં દમ છે. એક વિચારક તો ત્યાં સુધી કહે છે કે: ‘આવરદા લાંબી કરવાનો એક સાદો બિનતબીબી કીમિયો છે, જે પુસ્તક નામે ઓળખાય છે. એની મારફત માણસ એક જિંદગીમાં સેંકડો અવતાર ભોગવી શકે છે અને કોઇ પણ અનુભવને પોતીકો કરી શકે છે.’ તમે એવા આચાર્યને મળ્યા છો, જેણે જીવનમાં એક પણ પુસ્તક ખરીદીને વાંચ્યું ન હોય? કેટલાય પ્રાધ્યાપકો એવા જોયા છે, જેમણે જીવનમાં પુસ્તકો સાથેનું ‘અસ્પૃશ્યતા નિવારણ’ કરવાનો પ્રયત્ન ન કર્યો હોય. ગુજરાતીનો એવો કોઇ પ્રાધ્યાપક હોઇ શકે જેણે પોતાના પાંચ વિદ્યાર્થીઓને સારાં પુસ્તકોનો ચસકો ન લગાડ્યો હોય?આપણી આર્ટ્સ કૉલેજોમાં પણ પુસ્તકપ્રેમનો દુકાળ જણાય છે. દસમાંથી એક પ્રાધ્યાપક સુજ્ઞ અને સમૃદ્ધ પુસ્તકપ્રેમી હોય છે. એવા કેટલાક પ્રાધ્યાપકો તાસ લેતી વખતે સહેજેય બે-ત્રણ સારાં પુસ્તકોનાં મથાળાંનો ઉલ્લેખ વાતવાતમાં કરી લેતા હોય છે. જેણે કશું વાંચ્યું નથી તે ઉલ્લેખ પણ શેનો કરે? દરેક યુનિવર્સિટીમાં એકાદ પ્રાધ્યાપક એવો હોય છે, જે સોક્રેટિસ જેવું કામ કરતો રહે છે. બાકીના પ્રાધ્યાપકો સોક્રેટિસની અદેખાઇ અને નિંદા કરવામાં જ પોતાનું આયખું પૂરું કરતા હોય છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં દરેક કક્ષાએ સબમિશનના નામે વિદ્યાર્થીઓને લાઇબ્રેરીમાં જવાની ફરજ પડે છે. યુનિવર્સિટી ઑફ મિશિગન (એન- આર્બર)માં પ્રોફેસર તરીકે કામ કરતી વખતે એ સમૃદ્ધ લાઇબ્રેરીમાં મેં એક ગુજરાતી પુસ્તક જોયું હતું, જેનો વિષય હતો ‘ઈશ્વરલાલ છોટુભાઇ દેસાઇનો પારડી સત્યાગ્રહ’. ઘરમાં પુસ્તકોથી ભરેલાં કબાટનું હોવું એટલે શું? રાંદેરના મારા ઘરમાં બે કબાટો પુસ્તકોથી છલોછલ ભરેલાં રહેતાં. મારા પિતા વૈદિક સાહિત્યના ભાવક હતા. એમનો કબાટ વેદ-ઉપનિષદ-ગીતા અને રામાયણ તથા મહાભારતના ગ્રંથોથી ભરેલો રહેતો. ગીતાપ્રેસ ગોરખપુરથી પ્રગટ થતું कल्याण નામનું હિન્દી સામયિક અમારે ત્યાં નિયમિત રીતે આવતું. બીજા કબાટને મારી બા ગાંધી સાહિત્યથી ચિક્કાર ભરેલો રાખતી. આમ, બે કબાટો તરફથી મને ભેગો વારસો મળ્યો, જેમાં ઉપનિષદીય સાહિત્યની સાથોસાથ ગાંધી સાહિત્યનો સંગમ થતો રહ્યો. પારડીથી સ્વાધ્યાય મંદિરના સ્થાપક અને વૈદિક સાહિત્યના પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકરજી અમારા ઘરે ખાસ પધાર્યા હતા. એમને મારા પિતાજીએ પૈસા ખર્ચીને વસાવેલા યજુર્વેદના ભાષ્યગ્રંથ પર સંદેશો લખી આપ્યો હતો. એ સંદેશો પર તારીખ લખી હતી: 13-5-1948. હું કૉલેજમાં હતો ત્યારે મેં પંડિતજીનું ગીતાભાષ્ય વાંચ્યું હતું. એ ગીતાભાષ્યનું મૌલિક મથાળું હતું: ‘પુરુષાર્થબોધિની’. આજે પણ એ ગ્રંથ મારા કબાટમાં સચવાયો છે. સારાં પુસ્તકોનું વાચન બ્લુ ચીપ ગણાતા શેરોમાં રોકાણ કરવા બરાબર છે. એ રોકાણ કદી પણ માણસને નિરાશ કરતું નથી. એ બ્લુ ચીપને સમજુ માણસો ‘સંસ્કાર’ કહે છે. પાઘડીનો વળ છેડે મારી નવરાશ ગાભણી હોય છે તેથી મને સારા સારા વિચારોની સુવાવડ થતી જ રહે છે. વિચારવા જેવું છે કે ગુજરાતની કૉલેજો અને નિશાળોમાં પુસ્તકમેળાનું આયોજન અશક્ય ખરું? જવાબ છે: આપણો આચાર્ય પોતાને લાચાર્ય ગણીને પેન્શન પર ઊતરવાના દિવસની રાહ જોઇને પોતાની ખુરશીમાં બેસી રહેતો હોય છે. આવો કોઇ આચાર્ય નિવૃત્ત થાય ત્યારે ભવ્ય વિદાય સમારંભ પણ યોજવામાં આવે છે. એ વખતે સભામાં થતી પ્રશંસા લગભગ અનાથ હોય છે. } Blog: http://gunvantshah.wordpress.com
Read Original Article →